News of Saturday, 16th May 2026
૫૦.૫૦ લાખની લોન લઇ દીધા બાદ માસા-માસીએ ભરપાઇ ન કરતાં અજયભાઇએ ફિનાઇલ ગટગટાવ્યું
કોઠારીયા રોડ ન્યુ મેઘાણીનગરનો યુવાન સારવાર હેઠળ : બે પાનાની સ્યુસાઇડ નોટમાં પોતે બંનેથી કંટાળી ગયાનો ઉલ્લેખ : ચિઠ્ઠીમાં લખ્યું-હું શાંતિથી વાળંદ કામનો મારો ધંધો કરતો હતો, મને પરાણે જમીન-મકાનના ધંધામાં લઇ ગયા અને આઠથી દસ લાખમાં સુવડાવી દીધો!

રાજકોટ તા. ૧૬: શહેરના કોઠારીયા રોડ ભારતીનગર મેઇન રોડ ન્યુ મેઘાણીનગર-૩માં રહેતાં અને વાળંદ કામની દુકાન ચલાવતાં અજયભાઇ રાજુભાઇ હીરાણી (ઉ.વ.૩૩) નામના યુવાને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પોતાના માસા-માસીની હેરાનગતીને કારણે પોતે આ પગલુ ભરવા મજબુર થયાની ચિઠ્ઠી તેણે લખી છે.
અજયભાઇ બપોરે ફિનાઇ પી જતા હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. તે બે બહેનથી મોટા છે અને સંતાનમાં એક દિકરો તથા એક દિકરી છે. તેણે સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે હું શાંતિથી મારો વાળંદ કામનો ધંધો કરતો હતો. મને માસા પરાણે આ ધંધો મુકાવી જમીન મકાનના ધંધામાં સાથે લઇ ગયા. પછી તેણે કામના ટોકન પેટે મારી પાસેથી આઠથી દસ લાખ લીધા હતાં. બાદમાં તેણે કહેલું કે હું તારા નામની લોન લઉ છું અને મારે રહેવા માટે મકાન લેવુ છે તે તારા નામે લઉ છું. મારી લોન થાય તેમ નથી. મેં વિશ્વાસ રાખી તેને ૫૦.૫૦ લાખની લોન લેવડાવી દીધી હતી. બાદમાં તેણે અમુક હપ્તા ભરી પછી હપ્તા ભરવાનું બંધ કરી દીધુ હતું. આ પછી મારા નામે લોન હોવાથી મેં ઉછી ઉધારના કરી અમુક હપ્તા ભર્યા હતાં.
મેં માસાને સમજાવ્યા કે તમારા કારણે મારો લોનનો સિબીલ ખરાબ થાય છે, તમે મકાન ખાલી કરો તો હું વેંચીને લોન ભરી દઉ. પરંતુ તે મકાનને તાળુ મારી ભાગી જાય છે. હું આ લોકોને કેટલાય સમયથી ભાઇસાબ બાપા કરુ છું પણ તેને મારી જરાય દયા નથી. આથી હું માસા-માસીના ત્રાસથી કંટાળી ગયો છું. બે વર્ષથી મારી કાર પણ લઇ ગયા છે તે પણ મને પાછી આપી નથી. કાર ઉપર પણ મારે લોન ચાલુ છે. આ રીતે માસી-માસીના માનસિક ત્રાસથી હું થાકી જતાં મારે આ પગલુ ભરવું પડયું છે. તેમ વધુમાં અજયભાઇએ ચિઠ્ઠીમાં લખ્યું હોઇ પોલીસે તપાસ હાથ ધરી છે.
ભગવતીપરાની યુવતિને જંકશનમાં ટ્રેનમાં બેસવા મામલે અજાણ્યા શખ્સે કડાથી ફટકારી
રાજકોટ તા. ૧૬: ભગવતીપરામાં મોડર્નસ્કૂલ પાછળ એજે પાર્કમાં રહેતી સુજાના અહેસાનભાઇ મકવાણા (ઉ.વ.૧૭) જંકશન રેલ્વે સ્ટેશને પ્લેટફોર્મ નં. ૩ ખાતે હતી ત્યારે અજાણ્યા ભૈયા જેવા શખ્સે હાથમાં પહેરવાના કડાથી માથામાં માર મારતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે રેલ્વે પોલીસને જાણ કરી હતી. સુજાના બે બહેન અને એક ભાઇમાં મોટી છે અને પિતા મજુરી કરે છે. પરિવાર સાથે મહેસાણા લગ્નપ્રસંગમાં જવું હોઇ ટ્રેનમાં ચડતી વખતે માથાકુટ થતાં તેણીને માર મારવામાં આવ્યાનું જણાવાયું હતું.
(3:55 PM IST)










