તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
છોટુનગર પાસેની ઝૂપડપટ્ટીના રેવીબેન વાજલીયા એસ્ટ્રોન ફાટક પાસે બેભાન મળ્યા બાદ મોત
પુત્ર વિક્રમે કહ્યું-ત્રણેક વર્ષથી મારા બા ઘર છોડી કાંધલ નામના શખ્સ સાથે રહેતાં હતાં: કાંધલે તે બેભાન થઇ ગયાની મને ફોન કરી મને જાણ કરી હતીઃ મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

રાજકોટ તા. ૨૭: રૈયા રોડ હનુમાન મઢી પાછળ છોટુનગર ઝૂપડપટ્ટીમાં રહેતાં મહિલા એસ્ટ્રોન ફાટકથી મહિલા કોલેજ ફાટક વચ્ચેના રોડ પર ચબુતારા નજીકથી બેભાન મળ્યા બાદ મોત થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આ મહિલા ત્રણેક વર્ષ પહેલા ઘર છોડી એક શખ્સ સાથે જતાં રહ્યા હતાં. આ શખ્સે ગઇકાલે મહિલા બિમાર હોઇ તેને લઇ જવાનો તેણીના દિકરાને ફોન કર્યો હતો. બાદમાં મહિલા બેભાન મળ્યા હતાં અને સારવારમાં મોત થયું હતું.
હનુમાન મઢી પાછળ છોટુનગર પાસે ઝૂપડપટ્ટીમાં રહેતાં રેવીબેન સોમાભાઇ વાજલીયા-દેવીપૂજક (ઉ.વ.૪૬) ગઇકાલે સાંજે ચારેક વાગ્યે એસ્ટ્રોનના ફાટકથી મહિલા કોલેજના ફાટક વચ્ચેના રસ્તા પર ચબુતરા પાસે બેભાન પડયા હોઇ પુત્ર વિક્રમભાઇ વાજેલીયાને જાણ થતાં ત્યાં પહોંચી માતાને સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ તેણીનું સારવાર દરમિયાન મોત થયું હતું.
રેવીબેનને સંતાનમાં ત્રણ દિકરા છે. તેના પતિ હયાત નથી. પુત્ર વિક્રમભાઇએ જણાવ્યું હતું કે-હું શાકભાજી વેંચી ગુજરાન ચલાવુ છું. મારા માતા ત્રણેક વર્ષ પહેલા અમને છોડીને કાંધલ કોળી નામના શખ્સ સાથે રહેવા જતાં રહ્યા હતાં. આ બંને અલગ અલગ જગ્યાએ ભાડે મકાન રાખીને રહેતાં હતાં. સાંજે ચોરક વાગ્યે કાંધલે મને ફોન કરીને કહ્યું હતું કે-તારા બા બિમાર થઇ ગયા છે, મહિલા કોલેજ ફાટક નજીક ચબુતરા પાસે છે તું લઇ જા. આ પછી હું ત્યાં જતાં મારા બા બેભાન જેવી હાલતમાં મળ્યા હતા. પણ ત્યાં કાંધલ નહોતો. મેં તેમને સારવાર માટે ખસેડયા હતાં. પણ મૃત્યુ થયું હતું. દિકરા વિક્રમભાઇએ મૃત્યુ અંગે શંકા દર્શાવતા પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. લિવર--કીડનીની બિમારી હોવાનું તારણ નીકળ્યું હતું. માલવીયાનગરના હેડકોન્સ. સારંગભાઇ ઓગાણીયાએ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
(3:05 PM IST)










