News of Saturday, 3rd October 2026
રાજકોટ શહેર ભાજપની શિક્ષણ સમિતિની જાહેરાત બાદ જુદા જુદા સમાજ અને કાર્યકર્તાઓમાં નારાજગીના સુર ઉઠ્યા
૩૦૦થી વધુ કાર્યકર્તાઓને લુખ્ખું આશ્વાસન મળ્યાની ચર્ચા વચ્ચે ભાજપમાં આંતરિક અસંતોષ ઉકળવા લાગ્યો ? : રાજકોટ શહેર ભાજપમાં શિક્ષણ સમિતિની જાહેરાત બાદ રઘુવંશી સમાજ, કોળી સમાજ અને રજપૂત સમાજમાં નારાજગીના વમળ સર્જાયા

રાજકોટ: શહેર ભાજપ દ્વારા શિક્ષણ સમિતિની જાહેરાત બાદ શહેરમાં જુદા જુદા સમાજ અને પાર્ટીના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે. શહેરમાં ચારે તરફ એવી ચર્ચા ચાલી રહી છે કે આ નારાજગીની આગ ક્યારે બુઝાશે? જાણવા મળતી વિગતો મુજબ ૩૦૦થી વધુ કાર્યકર્તાઓને શહેર ભાજપ પ્રમુખ શ્રી માધવ દવે છેલ્લી ઘડી સુધી આશ્વાસન આપતા રહ્યા હતા, પરંતુ અંતિમ જાહેરાત બાદ અનેક કાર્યકર્તાઓમાં અસંતોષ અને કચવાટ જોવા મળે છે.
શહેરના મોટા સમાજ ગણાતા અને ભાજપની વિચારધારા સાથે કાયમી જોડાયેલા રઘુવંશી સમાજમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. સમાજના યુવાનોમાં એવો આક્રોશ છે કે ગણપતિની આરતી ઉતારવામાં અને સમાજના સંમેલનોમાં માત્ર શોભાના ગાંઠિયા સમાન તેમનો અને સમાજનો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ કોર્પોરેશન, સંગઠન કે શિક્ષણ સમિતિમાં યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી. રઘુવંશી સમાજના નીરવ રાયચુરા, મનોજ લાલ, જાગૃતિબેન ખીમાણી, મિતેષ રૂપારેલિયા, ડો. ચેતન લાલસેતા, મયંક પાંઉ, કેયુર અનડકટ, પલ્લવીબેન પોપટ, કિરીટ માખેચા, પ્રદીપ નિર્મળ, જગદીશ ભોજાણી સહિતના વર્ષોથી ભાજપમાં મહેનત કરનાર કાર્યકર્તાઓને સ્થાન ન મળતા સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
રઘુવંશી સમાજના અંદાજે ૨ લાખથી વધુ મતદારો અને ૨.૫૦ લાખ આસપાસની જનસંખ્યા હોવા છતાં ક્યારેય ધારાસભ્ય પદ આપવામાં આવ્યું નથી, છતાં સમાજ મૌનપણે રાષ્ટ્રવાદની ભાવના અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની વિકાસયાત્રામાં ભાજપના જન્મકાળથી જ સહયોગી રહ્યો છે. એટલું જ નહીં જનસંઘના સમયથી હંમેશા સાથે રહ્યો છે. પરંતુ હવે સમાજમાં એવી લાગણી પ્રબળ બની રહી છે કે રાજકોટ ભાજપ આ મૌનપણાનો લાભ લઈ રહ્યું છે. કોર્પોરેશનની ચૂંટણી, સંગઠનમાં મહત્વના હોદ્દા અને પ્રદેશ સ્તરે યુવાનોને સ્થાન ન મળવા જેવી બાબતોને લઈને રઘુવંશી સમાજમાં નારાજગી વધી રહી છે.
કોળી સમાજમાંથી વિનોદ કુમાખાણીયા, સંજય ઉધરેચા, કાનાભાઈ ડંડૈયા, હીનાબેન રાતોઝા, ભીખુભાઈ ડાભી જેવા જૂના કાર્યકર્તાઓને કોર્પોરેશન કે શિક્ષણ સમિતિમાં સ્થાન ન મળતા રોષ ભભૂકી ઊઠ્યો છે. રજપૂત સમાજમાંથી અજય પરમાર, સહદેવ ડોડિયા, જયપાલ ચાવડા, અજિત રાજપૂત જેવા જૂના કાર્યકર્તાઓને પણ શિક્ષણ સમિતિ કે કોર્પોરેશનમાં સમાવેશ ન થતાં નારાજગી જોવા મળી રહી છે.
રજપૂત સમાજમાં પણ ચર્ચા છે કે કોર્પોરેશનમાં એક પણ પુરુષને ટિકિટ મળી નથી, શિક્ષણ સમિતિમાં સ્થાન મળ્યું નથી અને કોર્પોરેશનની નવી ડાયરીમાં આગામી ૫ વર્ષ સુધી રજપૂત સમાજના પુરુષ પ્રતિનિધિનો ફોટો જોવા નહીં મળે. આ મુદ્દે સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ચિંતિત હોવાનું જાણવા મળે છે. વોર્ડ નંબર ૪ને શિક્ષણ સમિતિના સભ્યપદમાંથી બાકાત રાખવામાં આવતા વોર્ડના કાર્યકર્તાઓમાં પણ મોટી નારાજગી જોવા મળી રહી છે.
શહેર ભાજપના સંખ્યાબંધ પ્રભારીઓ નારાજ હોવાનું અને વોર્ડોમાં કાર્યક્રમ સિવાય દેખાતા બંધ થઈ ગયા હોવાની પણ ચર્ચા છે અને અનેક વોર્ડ રામભરોસે હોવાની લાગણી કાર્યકર્તાઓ વ્યક્ત કરી રહ્યા છે. ભાજપ સાથે વર્ષોથી સંકળાયેલા બોલબાલાના જયેશ ઉપાધ્યાય, ક્રાંતિ માનવ સેવાના સંજય હિરાણી, વૃક્ષપ્રેમી ગ્રીન ફિલ્ડના વિજય પાડલીયા, ઉપાસના ગ્રુપના દશરથ વાળા, ચમત્કારી હનુમાન ગ્રુપના ધર્મેન્દ્ર ભગત સહિતના સંસ્થાના આગેવાનોને પણ લોકોની વધુ સેવા કરવાની તક ભાજપે આપી નથી તેવો ગણગણાટ પણ સાંભળવા મળે છે.
શિક્ષણ જગત સાથે જોડાયેલા રાજન સિંધવ, પરિમલ પરડવા, મનોજ ગરૈયા, જગાભાઈ રબારી, શૈલેષ જાની, નીતિન ભૂત, અજય રાજાણી, પ્રવીણ પાધડાર સહિતના નામોનો પણ શિક્ષણ સમિતિમાં લાભ લેવામાં આવ્યો નથી. જુના કાર્યકર્તા એવા જે.પી. ધામેચા, દિપક ભટ્ટ, હેમુ પરમાર, ગુલાબસિંહ જાડેજા, સી.ટી. પટેલ, હેમાંગ પીપળીયા, પ્રવીણ ઠુંમર, જે.ડી. ડાંગર, અશ્વિન રાખસીયા, સુરેશ જલાલજી, હરી રાતડિયા, હિરેન ગોસ્વામી, શૈલેષ બુસા જેવા કાર્યકર્તાઓની રાજકીય કારકિર્દી ઉપર પૂર્ણવિરામ મૂકાયું હોવાની લાગણી પણ વ્યક્ત થઈ રહી છે.
ગત લોકસભાની ચૂંટણી દરમિયાન ક્ષત્રિય આંદોલન સમયે ભાજપને વફાદાર રહેનારાઓને પણ વનવાસ મળ્યો હોવાની ચર્ચા છે. વર્ષોથી ચૂંટણી સમયે આચારસંહિતા, ઉમેદવારોના ફોર્મ અને કાનૂની બાબતોમાં પાર્ટી માટે લડતા યુવા વકીલોને પણ શિક્ષણ સમિતિમાં સ્થાન ન મળતા તેઓ ભાજપ સામે પોતાના ન્યાય માટે અપીલ કરી રહ્યા છે.
રાજકોટ શહેર ભાજપમાં જૂથવાદના કારણે પ્રદેશ ભાજપ દ્વારા શહેરને પૂરતું મહત્વ આપવામાં આવતું નથી, એવી ચર્ચા શિક્ષણ સમિતિની જાહેરાત બાદ કાર્યકર્તાઓમાં વધુ જોવા મળે છે. રાજકીય પંડિતોના અનુમાન મુજબ શહેર ભાજપમાં સંગઠનાત્મક સંકલનનો અભાવ દેખાઈ રહ્યો છે. શહેર ભાજપ પ્રમુખ શ્રી માધવ દવેની સ્થિતિ પણ દયા જનક થઈ રહ્યાની ચર્ચા પણ કાર્યકર્તાઓમાં ચાલી રહી છે.
જાણવા મળતી માહિતી મુજબ આવતા અઠવાડિયે ભાજપનું એક ચોક્કસ જૂથ લેખિત પુરાવા સાથે પ્રદેશ આગેવાનોને મળવા જવાનું વિચારી રહ્યું છે. કોળી સમાજની અવગણના બાદ હવે રઘુવંશી સમાજ પણ મેદાનમાં આવ્યો હોય એવો સળવળાટ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓમાં એવી લાગણી છે કે છેલ્લે સુધી “તમારું નામ ફાઈનલ છે અને પ્રદેશમાં મોકલ્યું છે” તેવું આશ્વાસન આપનાર આગેવાનોના ચહેરા હવે ખુલ્લા પડી ગયા છે.
આમ, શિક્ષણ સમિતિની જાહેરાત બાદ રાજકોટ શહેર ભાજપમાં અનેક વોર્ડમાં અસંતોષ, કાર્યકર્તાઓની નારાજગી અને સંખ્યાબંધ સમાજોની બાદબાકીથી ઘેરા પડઘા પડી રહ્યા છે. હવે ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે મહેનત કરનારા કાર્યકર્તાઓ શું વલણ લે છે, તે જોવા જેવું રહેશે તેમ મનાઈ રહ્યું છે..
(3:28 PM IST)










