<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

દડો ઘર પાસે જતાં સગીરને લાફા માર્યા બાદ તેના પરિવાર પર દારૂની બોટલોના ઘાઃ બે ઘાયલ થયા

ભાવનગર રોડ મયુરનગર મેઇન રોડના માણેક પાર્કમાં શેરીમાં ક્રિકેટ રમવા મામલે બબાલ : મેરૂભાઇ ધાંધળના પત્‍નિ, ભત્રીજા દેવરાજને ઇજાઃ ધારીયુ બતાવી ધમકી પણ અપાઇઃ થોરાળા પોલીસે આદી, અજય સરવૈયા, પૂજા અજય, સંજય સરવૈયા, સંજયની પત્‍નિ અને અજય ઉર્ફે લોંદો વિરૂધ્‍ધ રાયોટીંગનો ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૯: શહેરના મયુરનગર મેઇન રોડ પર માણેક પાર્ક વિસ્‍તારમાં શેરી ક્રિકેટ રમવા જેવી નજીવી બાબતે પાડોશમાં રહેતા શખ્‍સોએ ઉશ્‍કેરાઈને એક  પરિવાર પર હુમલો કર્યો હતો.  દડો ઘર પાસે જવાની બાબતે ૧૭ વર્ષના સગીરને તમાચો માર્યા બાદ હુમલાખોરોએ એકઠા થઈને આખા પરિવાર પર દારૂની કાચની બોટલો અને પથ્‍થરમારો કર્યો હતો. આ હુમલામાં સગીર વયના ભત્રીજા અને વચ્‍ચે છોડાવવા પડેલા મહિલાને પગના ભાગે બોટલ વાગતા ઇજાઓ પહોંચી છે. હુમલાખોરો ધારીયું બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હતાં.

આ બનાવમાં ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાછળ મયુરનગર મેઇન રોડ માણેક પાર્ક સી-બિલ્‍ડીંગ સામે રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં મેરૂભાઇ રતાભાઇ ધાંધળ (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી થોરાળા પોલીસે આદી, અજય મોહનભાઇ સરવૈયા, સંજય મોહનભાઇ સરવૈયા, અજય ઉર્ફે લોંદો, પૂજા અજય સરવૈયા અને સંજય સરવૈયાની પત્‍નિ વિરૂધ્‍ધ  ગેરકાયદે મંડળી રચી હુમલો કરવાનો ગુનો નોંધ્‍યો છે.

ફરિયાદની વિગત મુજબ મેરૂભાઇ અને તેના ભાઈ અનિલભાઈ તા.૧૭/૫ના રોજ સાંજના છ વાગ્‍યાના અરસામાં ઘરના ખૂણા પાસે બેઠા હતા. આ દરમિયાન તેમનો ૧૭ વર્ષનો ભત્રીજો દેવરાજ અને શેરીના અન્‍ય છોકરાઓ ત્‍યાં ક્રિકેટ રમી રહ્યા હતા. રમત-રમતમાં ક્રિકેટનો દડો પાડોશમાં રહેતા અજય સરવૈયાના ઘર પાસે ગયો હતો. દેવરાજ ત્‍યાં દડો લેવા ગયો ત્‍યારે ત્‍યાં હાજર અજય સરવૈયાના દીકરા અને આદિ નામના શખ્‍સે ગાળો આપી દેવરાજને કાનની નીચે એક ઝાપટ મારી દીધી હતી. ત્‍યારબાદ અજય સરવૈયા પણ ત્‍યાં દોડી આવ્‍યો હતો અને તેણે પણ સગીર દેવરાજને માર મારવાનું શરૂ કર્યું હતું.

દેવરાજને મારકુટ થતી હોઇ મેરૂભાઈ અને અનિલભાઈ તાત્‍કાલિક ત્‍યાં છોડાવવા માટે પહોંચ્‍યા હતા અને અજય સરવૈયાને સગીર બાળક પર હાથ ન ઉપાડવા સમજાવી રહ્યા હતા. એ  સમયે સંજય મોહનભાઈ સરવૈયા નામનો શખ્‍સ પોતાના એક્‍સેસ મોટરસાયકલ પર ત્‍યાં ધસી આવ્‍યો હતો. સંજયના મોટરસાયકલના આગળના ભાગે મોટી બેગમાં દારૂની કાચની બોટલો ભરેલી હતી, તેમજ એક બોટલ તેણે પોતાના નેફામાં છુપાવી રાખી હતી. સંજયે મોટરસાયકલ ઊભી રાખી તરત જ આ બેગમાંથી દારૂની બોટલો કાઢીને મેરૂભાઈના પરિવાર પર છૂટી ફેંકવાનું શરૂ કરી દીધું હતું.

(3:43 PM IST)