<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

૨૧ વર્ષ પછી ફરી મોટા પડદા પર અમર પ્રેમગાથાઃ મેં તો પાલવડે બાંધી પ્રીત હવે નવા રૂપરંગ સાથે ફરી રિલીઝ થશે

રાજકોટઃ ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં સિલ્‍વર જ્‍યુબિલી સહિત અનેક સફળતાના શિખરો સર કરનારી અને લાખો દર્શકોના દિલમાં અમીટ સ્‍થાન મેળવનારી સુપરહિટ ફિલ્‍મ મેં તો પાલવડે બાંધી પ્રીત હવે ૨૧ વર્ષ બાદ નવા રૂપરંગ સાથે ફરી એકવાર મોટા પડદા પર પરત ફરી  છે. ગુજરાતના સિનેમાઘરોમાં આ અમર પ્રેમગાથા નવા રૂપ-રંગ અને આધુનિક ટેક્રિકલ ગુણવત્તા સાથે રિ-રિલીઝ થઇ છે.

મહત્‍વની વાત એ છે કે ફિલ્‍મની મૂળ વાર્તા, પાત્રો, સંવાદો અને લાગણીઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્‍યો નથી. દર્શકોને વર્ષો પહેલાં જે પ્રેમકથા સ્‍પર્શી ગઈ હતી, એ જ પ્રેમકથા હવે અત્‍યાધુનિક ડિજિટલ રિસ્‍ટોરેશન, હાઈ-ક્‍વોલિટી ડી.આઈ. (ડિજિટલ ઈમેજિગ), કલર કરેકશન અને ડોલ્‍બી ગુણવત્તાના સાઉન્‍ડ સાથે વધુ જીવંત અનુભવાશે. ફિલ્‍મમાં ગુજરાતી સિનેમાના લોકપ્રિય અભિનેતા હિતેન કુમાર ઉપરાંત રાજલક્ષ્મી, દેવેન્‍દ્ર પંડિત, જયેન્‍દ્ર મહેતા, જૈમિની ત્રિવેદી અને દિનેશ લાંબા સહિતના કલાકારોએ યાદગાર અભિનય આપ્‍યો છે.  તસ્‍વીરમાં અભિનેતા હિતેનકુમાર સાથે ફિલ્‍મના દિગ્‍દર્શક જશવંત ગાંગાણી, રાજુ ગાંગાણી અને વિજયભાઇ કારીયા નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

(9:42 AM IST)