<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

કેમેરામાં કેદ સિંહણનો વાત્‍સલ્‍ય પ્રેમ અને હૈયામાં કેદ માની યાદ

તમારા જેવા પુત્ર હોય તો માને બીજું શું જોઈએ! - માતા માટે દીકરા જય ભીંડેના ૭ વર્ષના સંઘર્ષની કથા સાંભળી સંવેદનશીલ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ ભાવુક થયા : રાજકોટના વાઇલ્‍ડલાઇફ ફોટોગ્રાફરની માતૃભક્‍તિ સાંભળી મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ લાગણીના વરસાદમાં ભીંજાયા!

રાજકોટઃ જાણીતા વાઇલ્‍ડલાઇફ ફોટોગ્રાફર જય ભીંડે માટે માતાઓ-બહેનો દ્વારા સંચાલિત ગ્રામહાટ  'સરસ મેળા' દરમિયાનનો  એક પ્રસંગ તેમના જીવનનું કાયમી અને અણમોલ સંભારણું બની ગયો છે. ભાજપના પ્રદેશ કારોબારીના સભ્‍ય  રાજુભાઈ ધ્રુવના સહયોગથી જ્‍યારે તેમણે ગીરની સિહણ અને તેનાં બચ્‍ચાંની એક મનમોહક તસવીર રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલને અર્પણ કરી, ત્‍યારે એ માત્ર એક ફોટોગ્રાફ નહોતો રહ્યો, પરંતુ એક માતાના અફાટ પ્રેમ અને એક દીકરાના કઠોર સંઘર્ષનો જીવંત દસ્‍તાવેજ બની ગયો હોવાનું યાદીમાં જણાવાયું છે.

વાઇલ્‍ડલાઇફ ફોટોગ્રાફર જય ભીંડેના કેમેરાનો લેન્‍સ ભલે જંગલની દુનિયાને જુએ છે, પરંતુ તેમના હૃદયમાં પોતાની સ્‍વર્ગસ્‍થ માતાની યાદો આજે પણ અકબંધ છે. માતાને માંદગી માંથી સાજા કરવાના સાતવર્ષના સંઘર્ષ બાદ ત્રણ વર્ષ પહેલાં તેમણે પોતાનાં વહાલસોયાં માતાને ગુમાવ્‍યાં હતાં. માતાની બીમારીના સમયમાં તેમને બચાવવા માટે જયભાઈએ સળંગ સાત વર્ષ સુધી રાત-દિવસ એક કરી દીધા હતા. દીકરાએ માની સારવાર માટે શક્‍ય તમામ આકાશ-પાતાળ એક કર્યા, પરંતુ ઈશ્વરની મરજી આગળ તેઓ હારી ગયા. માતાની વિદાયનું દુઃખ અને તેમની સેવામાં વીતાવેલા એ ૭ વર્ષનો સંઘર્ષ આજે પણ જય ભીંડેના જીવનનો અભિન્ન હિસ્‍સો હોવાનું જણાવાયું છે.

આ તસવીર જોતી વખતે જ્‍યારે મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાલ્‍ પટેલે જય ભીંડેના માતા પ્રત્‍યેના આઘાત અને ૭ વર્ષના અથાક સંઘર્ષની કથા સાંભળી, ત્‍યારે આ સંવેદનશીલ મુખ્‍યમંત્રી અત્‍યંત ભાવુક થઈ ગયા હતા. તેમની આંખોમાં પણ એક ભીનાશ અંજાઈ ગઈ હતી.

એક પિતાતુલ્‍ય વડીલ તરીકે મુખ્‍યમંત્રીશ્રીએ જય ભીંડેને  આશીર્વાદ આપતા કહ્યું હતું કે, આવા ને આવા સારા ફોટોગ્રાફસ કેમેરામાં કેદ કરતા રહેજો. તમારા માતા પાછળ તમે ખૂબ મહેનત કરી છે. એ સાંભળીને મારું દિલ કહે છે કે તમારા જેવા પુત્ર હોય તો માતાને બીજું જોઈએ પણ શું! મુખ્‍યમંત્રીના આ શબ્‍દો જય ભીંડે માટે કોઈ પણ મોટા એવોર્ડ કરતા વિશેષ અને જીવનભરનું ભાથું બની રહ્યા હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે

(2:08 PM IST)