તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં મોબાઇલ નેટવર્કની સમસ્યા અંગે તડાફડી બોલીઃ સલાહકાર કમિટીની બેઠક
બેઠકમાં પીકઅપ અને ડ્રોપની લેન અલગ-અલગ કરવા અંગે અપાયેલ આદેશો.. મોબાઇલ નેટવર્કના ટાવર નાખવા ટેન્ડર બહાર પડાયું પરંતુ એક પણ ટેન્ડર ન ભરાયુ!!

રાજકોટ,તા.૨૩: આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સલાહકાર સમિતિની બેઠક લોકસભાના સાંસદ પરષોતમ રૂપાલાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.જેમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા તથા અન્ય આગેવાનો ઉપસ્થિત હતા. રાજકોટ એરપોર્ટ પરથી દરરોજ હવાઈ સફર કરતા ૩૦૦૦ થી વધુ મુસાફરોને પડતી મોબાઈલ નેટવર્કની સમસ્યા અંગે તડાફડી બોલી હતી. એરપોર્ટ ટર્મિનલના મોટાભાગના વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક ન હોવાને લીધે ફોન કોલ્સ લાગતા નથી. તાજેતરમાં મોબાઈલ નેટવર્કના ટાવર નાખવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ એક પણ એજન્સી દ્વારા આ ટેન્ડર ભરવામાં ન આવતા હવે નવેસરથી ટેન્ડર બહાર પાડવામાં આવશે તેવું જાહેર થયું હતું.
આ ઉપરાંત એરપોર્ટ પર જ્યારે ફ્લાઇટનું લેન્ડિંગ કે ટેકઓફ થાય ત્યારે ટર્મિનલ બિલ્ડીંગ પાસે પીકઅપ અને ડ્રોપની લેન એક જ હોવાને કારણે મુસાફરોની ભારે ભીડ જામે છે. જે સમસ્યાને દૂર કરવા માટે બંને લેન અલગ અલગ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવો આદેશ આપવામાં આવ્યો હતો.
(3:21 PM IST)










