<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

મરચાં-ધાણાજીરું પાવડરમાં પ્રતિબંધિત કૃત્રિમ રંગની મિલાવટઃ બંને નમૂના ફેઇલ

ઓનલાઇન ખરીદીમાં ચેતજો...: બ્‍લિન્‍ક કોમર્સમાંથી ૫૯૬ કિલો શાકભાજી-ફ્રૂટનો નાશઃ કોલેજ કેન્‍ટીન, હોસ્‍ટેલોમાં પણ ચકાસણી

રાજકોટ, તા.૨૫: રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્‍ય વિભાગની ફૂડ શાખાએ ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે હાથ ધરેલા સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન મરચાં પાવડર અને ધાણાજીરું પાવડરના બે નમૂના ફેઇલ જાહેર થયા છે. બંને નમૂનામાં પ્રતિબંધિત કળત્રિમ રંગની હાજરી મળી આવતાં જવાબદાર પેઢી સામે ફૂડ સેફ્‌ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ હેઠળ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

ફૂડ વિભાગે કુલ ૪૮ પેઢીની તપાસ કરીને ૬૬૨ કિલો વાસી, અખાદ્ય અને એક્‍સપાયરી જથ્‍થાનો સ્‍થળ પર જ નાશ કર્યો હતો. સ્‍ટોરેજ, લાઇસન્‍સ અને હાઇજેનિક કન્‍ડિશન સહિતની ખામીઓને લઈને નવ પેઢીને નોટિસ ફટકારી કુલ રૂ.૨૦ હજારનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્‍યો હતો. ઉપરાંત, ખાદ્ય પદાર્થોના ચાર નમૂના લઈને પળથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે.

મરચાં પાવડરમાં કળત્રિમ રંગ સાથે મકાઈનો સ્‍ટાર્ચ

વિજય પ્‍લોટ-૧૮, જય ખોડિયાર ખાતે આવેલી ‘શ્રીનાથજી ટ્રેડર્સ'માંથી લેવામાં આવેલા લૂઝ લાલ મરચાં પાવડરના નમૂનામાં પ્રતિબંધિત ગુલાબી અને નારંગી રંગના ઓઇલ સોલ્‍યુબલ સિન્‍થેટિક ડાઇઝ મળી આવ્‍યા હતા. માઇક્રોસ્‍કોપિક તપાસમાં મરચાંના અવશેષો સાથે મોટા પ્રમાણમાં મકાઈનો સ્‍ટાર્ચ ભેળવેલો હોવાનું પણ સામે આવ્‍યું હતું. આથી નમૂનાને ‘અનસેફ અને સબસ્‍ટાન્‍ડર્ડ' જાહેર કરવામાં આવ્‍યો છે.

આ જ પેઢીમાંથી લેવાયેલા લૂઝ ધાણાજીરું પાવડરના નમૂનામાં પ્રતિબંધિત પીળા અને વાદળી રંગના ઓઇલ સોલ્‍યુબલ સિન્‍થેટિક ડાઇઝ મળી આવતાં તેને પણ ‘અનસેફ' જાહેર કરવામાં આવ્‍યો છે. બંને મામલે પ્રોસિકયુશન કેસ હેઠળ ફોજદારી કાર્યવાહી હાથ ધરાશે.

બ્‍લિન્‍ક કોમર્સમાંથી ૫૯૬ કિલો શાકભાજી-ફ્રૂટનો નાશ

સાધુ વાસવાણી રોડ પર આઇકોન-૨ બિલ્‍ડિંગમાં આવેલી ‘બ્‍લિન્‍ક કોમર્સ પ્રાઇવેટ લિમિટેડ'માં તપાસ દરમિયાન આશરે ૫૯૬ કિલો શાકભાજી અને ફળનો જથ્‍થો મળી આવ્‍યો હતો. આ જથ્‍થા પર લેબલ, સપ્‍લાયર કે ઉત્‍પાદકની વિગતો તેમજ ‘યુઝ બાય' તારીખ દર્શાવવામાં આવી નહોતી. સમગ્ર જથ્‍થાનો મનપાની સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાની ટીપરવાન મારફત નાશ કરાયો હતો. પેઢીને સ્‍ટોરેજ અને સ્‍વચ્‍છતાની સ્‍થિતિ અંગે નોટિસ આપી રૂ.૧૦ હજારનો વહીવટી ચાર્જ વસૂલાયો હતો.

નાના મવા રોડ પર આવેલી ‘પ્રમુખમ ઢોસા હબ-વ્રજલીલા રેસ્‍ટોરન્‍ટ'માંથી સાંભારનો નમૂનો લેવામાં આવ્‍યો હતો. અહીંથી ૬૩ કિલો વાસી અને અખાદ્ય ખાદ્યચીજોનો નાશ કરીને લાઇસન્‍સ તથા સ્‍વચ્‍છતા અંગે નોટિસ અપાઈ હતી અને રૂ.૩ હજારનો ચાર્જ વસૂલાયો હતો.

સાધુ વાસવાણી રોડ પર આવેલી ‘દેવી મદ્રાસ કાફે'માંથી મૈસુર ઢોસાના મસાલા અને ઢોસા માટેની ટામેટાની ચટણીના બે નમૂના લેવામાં આવ્‍યા હતા. પેઢીને સ્‍વચ્‍છતા અને સ્‍ટોરેજ અંગે નોટિસ આપી રૂ.૩ હજારનો ચાર્જ વસૂલાયો હતો.

પ્રદ્યુમનનગર પોલીસ સ્‍ટેશન નજીકથી રોહિતભાઈ મથુરભાઈ વઘાસિયા પાસેથી ટોફુ એટલે કે સોયા પનીરનો એક નમૂનો લેવામાં આવ્‍યો હતો અને લાઇસન્‍સ અંગે નોટિસ આપવામાં આવી હતી. હરિવંદના કોલેજ કેન્‍ટીનમાંથી બે કિલો વાસી ચટણી અને એક કિલો મરચાંનો નાશ કરી રૂ.૧ હજારનો ચાર્જ વસૂલાયો હતો. દ્વારકેશ હોસ્‍ટેલ, ઓમ ગર્લ્‍સ પી.જી., અર્ચિવ ગર્લ્‍સ હોસ્‍ટેલ અને શ્રી બોયઝ હોસ્‍ટેલને પણ લાઇસન્‍સ સંબંધિત નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવી હતી. ફૂડ વિભાગે મુંજકા, રામાપીર ચોકડી, રૈયાધાર, ૧૫૦ ફૂટ રિંગ રોડ, મોટા મવા અને અંબિકા રોડ સહિતના વિસ્‍તારોમાં આવેલી હોસ્‍ટેલ, કેન્‍ટીન, હોટલ, બેકરી, ફરસાણની દુકાન, ડેરી ફાર્મ, સુપર માર્કેટ, અમૂલ પાર્લર અને પ્રોવિઝન સ્‍ટોર સહિત કુલ ૪૮ પેઢીઓમાં સઘન તપાસ હાથ ધરી હતી.

(2:50 PM IST)