<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

આઇસ્‍ક્રીમ- ગોલા- કુલ્‍ફીમાં અખાદ્ય બદામની મિલાવટઃ બે હજાર કિલોનો નાશ

ઉનાળામાં ઠંડી વસ્‍તુઓમાં ભેળસેળથી નગરજનોના સ્‍વાસ્‍થ્‍ય ઉપર ઝળુંબતો ખતરો : માધાપર ચોકડી પાસેના યોગી ઇન્‍ડસ્‍ટ્રીઝની હિર એન્‍ટરપ્રાઇઝમાંથી ૧૨ લાખનો હલકી ગુણવતાનો સૂકો મેવો મળી આવતા ભારે ચકચાર

રાજકોટ,તા.૨૧: શહેરના માધાપર ચોકડીના યોગી ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં ફૂડ વિભાગ દ્વારા હિર એન્‍ટરપ્રાઇઝમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે. દરોડા દરમિયાન અંદાજે બે ટન ૧૨ લાખનો જેટલો અખાદ્ય બદામનો જથ્‍થો મળી આવ્‍યો હોવાનું કહેવાય છે.

આ અંગે મનપાના ફુડ વિભાગની સતાવાર  માહિતી મુજબ,  હિર એન્‍ટરપ્રાઇઝમાંથી ઝડપાયેલો હલકો અને શંકાસ્‍પદ ગુણવત્તાનો સૂકો મેવો આઇસક્રીમ, ગોલા, કુલ્‍ફી સહિતની ઠંડી ખાદ્ય વસ્‍તુઓ બનાવવામાં ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. ફૂડ વિભાગની ટીમે સ્‍થળ પરથી જથ્‍થો કબ્‍જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઉનાળાની સીઝનમાં આઇસક્રીમ, ગોલા અને કુલ્‍ફીની માંગ વધતી હોય છે, ત્‍યારે આવા અખાદ્ય સામાનનો ઉપયોગ લોકોના આરોગ્‍ય માટે ગંભીર ખતરો બની શકે છે. ફૂડ વિભાગ દ્વારા નમૂનાઓ લેવામાં આવ્‍યા હોવાની પણ માહિતી મળી રહી છે. તપાસ રિપોર્ટ આવ્‍યા બાદ જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવાની શકયતા છે.

આ ઘટનાને લઈને વિસ્‍તારમાં ચકચાર મચી ગઈ છે. લોકોમાં પણ સવાલ ઉઠી રહ્યા છે કે આટલો મોટો જથ્‍થો કયાંથી આવ્‍યો અને કેટલા સમયથી તેનો ઉપયોગ થતો હતો. ફૂડ વિભાગ હવે સપ્‍લાય ચેઇન અને સંકળાયેલા વેપારીઓ અંગે વધુ તપાસ કરી રહ્યું હોવાની માહિતી મળી રહી છે. તેમજ તંત્ર દ્વારા સુકામેવાના નમુના લેવામાં આવ્‍યા છે. તે વડોદરા સ્‍થિત લેબોરેટરીમાં પરિક્ષણ અર્થે મોકલવામાં આવશે.

હિર એન્‍ટ્રપાઈઝ ઉત્‍પાદક પેઢીના ભાગીદાર પ્રદીપભાઇ દુધાત્રાને સ્‍થળ પર પુછપરછ કરતા તેઓ ફુડ લાઇસન્‍સ કે જીએસટી સર્ટી ધરાવતા ન હોવાનું જણાવેલ, જે અંગે પેઢીને સ્‍ટોરેજ તથા લાઇસન્‍સ અંગે નોટીસ આપવામાં આવેલ છે.

સંગ્રહ કરેલ બદામ (ડ્રાયફ્રુટ)નો જથ્‍થો માનવ વપરાશ માટે યોગય ન હોય તમામ આશરે ર હજાર કિલો જથ્‍થો ટીપરવાનમાં નાશ કરવામાં આવ્‍યો હતો.

આઇસ્‍ક્રીમના નમૂના લેવાયા

મનપાની ફુડ શાખા દ્વારા શહેરના ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટ વિસ્‍તારમાં આવેલ ફેવરીટ આઇસ્‍ક્રીમમાંથી રેડ વેલવેટ તથા માવામલાઇ કેન્‍ડી સહિતના ર નમુના લેવામાં આવ્‍યા.

(3:38 PM IST)