તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
મોરબી રોડ ચામડીયાપરામાં જુની લેતીદેતીની માથાકુટમાં આદિલનો હાથ ભાંગી નંખાયો
વિસ્તારમાં જ રહેતાં સાજીદ મુસાણી, તેના પિતા, આબીદ ઉર્ફે ભોડી અને હુશેન કરવા વિરૂધ્ધ બી-ડિવીઝનમાં આદિલના બહેન આસ્તાનાબાનુની ફરિયાદ

રાજકોટ તા. ૨૦: શહેરના મોરબી રોડ પર જૂની લેતીદેતી તેમજ રિક્ષાની બાબતે થયેલી બોલાચાલીમાં એક યુવક પર લોખંડના પાઇપ વડે ચાર જણા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવકના જમણા હાથમાં ફ્રેકચર થઇ જતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે જુનો મોરબી રોડ ચામડીયાપરા ખાટકીવાસમાં મસ્જીદ-એ-હસનૈનની બાજુમાં રહેતાં આસ્તાનાબાનુ મહમદભાઇ ભાડુલા (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી આ વિસ્તારમાં જ રહેતાં સાજીદ આબીલભાઇ મુસાણી અને તેના પિતા, આબીદ ઉર્ફે ભોડી તથા હુશેન કારવા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં તેણીએ જણાવ્યું છે કે ગત તારીખ ૧૩/૧૦ના રોજ બપોરના સમયે તેણીના ભાઇ આદીલ (ઉ.વ. ૨૪)નો ફોન આવ્યો હતો. આદીલે જણાવ્યું હતું કે તે પોતાના મિત્ર શફીક ઉર્ફે ડાડો સાથે મોરબી રોડ પર સીટી સ્ટેશન સામે બબુની દુકાન પાસેથી બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો તે સમયે સાજિદ મુસાણી, આબીદ ઉર્ફે ભોડી અને હુશેન કારવા નામના ત્રણ શખ્સોએ તેમને રોકયા હતા. પૈસા અને રિક્ષાની જૂની લેતીદેતી બાબતે બોલાચાલી કરી આ શખ્સોએ તેની સાથે મારામારી શરૂ કરી હતી.
ઝઘડા દરમિયાન આરોપી આબીદ ઉર્ફે ભોડીએ પોતાની પાસે રહેલો લોખંડનો પાઇપ આદીલના જમણા હાથ પર મારી દેતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટના બન્યા બાદ આદીલ પોતાના ઘરે પહોંચ્યો હતો, જ્યાંથી પરિવારજનોએ ત્વરિત ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો.સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબોએ આદીલના હાથનો એક્સ-રે કરતાં જમણા હાથમાં ફેક્ચર હોવાનું માલૂમ પડ્યું હતું. આથી તેને ઓર્થોપેડિક વોર્ડમાં દાખલ કરી હાથનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલ આદીલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પીઆઇ જી. આર. ચોૈહાણની રાહબરીમાં પીએસઆઇ એચ. એન. જેઠવાએ આદિલના બહેનની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
(1:22 PM IST)










