તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Monday, 28th September 2026
ફિલ્મ ‘મધર ઈન્ડિયા' ના સુખીલાલથી અમર થયેલા અભિનેતા કન્હૈયાલાલ
લેખકથી દિગ્ગજ અભિનેતા સુધીની સફરઃ ‘કન્હૈયાલાલ ચતુર્વેદી'નું ભારતીય સિનેમામાં અવિસ્મરણીય પ્રદાન : *પડદા પર જેને જોઈ દર્શકોને નફરત થતી એ કલાકારને જીવનમાં નજીકથી ઓળખનાર દીકરી હેમા સિહે જણાવી અનેક અજાણી વાતો *અભિનયની કળા કન્હૈયાલાલજીમાં જાણે સંસ્કાર અને લોહીમાં જ વણાયેલી હતી *કન્હૈયાલાલ અભિનયના નહી પરંતુ લખવા અને દિગ્દર્શન કરવાના ઇરાદા સાથે ફિલ્મોમાં આવ્યા હતા. *પડદા પર વિલન, શોષક કે કઠોર પાત્રોથી દર્શકોમાં નફરત જગાવી એ જ કન્હૈયાલાલજી વાસ્તવિક જીવનમાં અત્યંત સાદગીપ્રેમી હતા. *તેમના સાત સંતાનો ત્રણ પુત્ર અને ચાર પુત્રીઓમાંથી કોઈએ પણ ફિલ્મી કારકિર્દી પસંદ કરી નહીં. કન્હૈયાલાલજી બાળકોને હિન્દી ફિલ્મો કરતાં સારા સાહિત્ય, ઉત્તમ વિદેશી ફિલ્મો, નાટકો અને શાસ્ત્રીય સંગીત તરફ પ્રોત્સાહિત કરતા. *રશિયનો તેમની એક્ટીંગના દિવાના બન્યા હતા *તેઓ ઉર્દૂ, મરાઠી, બંગાળી કે દક્ષિણ ભારતીય ભાષાઓમાંથી કંઈક શીખવાનો પ્રયત્ન કરતા. દક્ષિણ ભારતની ફિલ્મ નિર્માણ પદ્ધતિની વ્યાવસાયિકતાથી તેઓ ખાસ પ્રભાવિત હતા. *તેઓ મીના કુમારીને

હિન્દી સિનેમાના સુવર્ણકાળમાં કેટલાક કલાકારો એવા થયા છે જેમને ફિલ્મના નાયક કરતાં ઓછું સ્થાન મળ્યું હોવા છતાં તેમના પાત્રો દર્શકોના મનમાં કાયમ માટે અંકાઈ ગયા હોય. કન્હૈયાલાલ ચતુર્વેદી એ આવા જ અદ્વિતીય અભિનેતા હતા. ‘મધર ઈન્ડિયા' અને ‘ઔરત' ના સુખીલાલથી લઈને ‘ગંગા જમુના', ‘મેરી સુરત તેરી આંખેં', ‘દુશ્મન', ‘ધરતી કહે પુકાર કે', ‘ગોપી', ‘ઉપકાર', ‘હમ પાંચ' સહિત અનેક ફિલ્મોમાં તેમણે એવા પાત્રો ભજવ્યા કે પાત્ર અને અભિનેતા વચ્ચેનો ભેદ જ ભૂંસાઈ ગયો. વિવિધ ભારતીના ‘બોમ્બે ટોકીઝ' કાર્યક્રમમાં કન્હૈયાલાલજીની પુત્રી હેમા સિહ સાથે થયેલી વાતચીતમાં તેમના જીવન, પરિવાર, ફિલ્મી સફર, અભિનયની શૈલી, સંગીતપ્રેમ, સાહિત્યપ્રેમ અને અંગત જીવન સાથે જોડાયેલી અનેક એવી વાતો સામે આવી છે જે સામાન્ય ફિલ્મી ઇતિહાસમાં બહુ ઓછી જોવા મળે છે.
કન્હૈયાલાલજીનું પૂરું નામ કન્હૈયાલાલ ચતુર્વેદી હતું. હેમા સિંહના જણાવ્યા મુજબ તેમના દાદાનું નામ ભૈરવ દત્ત ચૌબે હતું અને પરિવાર અગાઉ ‘ચૌબે' નામથી ઓળખાતો હતો. પેઢીઓ આગળ વધતાં ‘ચતુર્વેદી' અટક પ્રચલિત થઈ. પરિવારનું મૂળ બનારસ સાથે જોડાયેલું હતું. કન્હૈયાલાલજીનો જન્મ, બાળપણ, યુવાની અને પ્રથમ લગ્ન પણ બનારસમાં જ થયા હતા. તેમના પિતા ભૈરવ દત્ત ચૌબે નાટક અને રામલીલાની મંડળી ચલાવતા હતા. ‘સનાતન ધર્મ નાટક રામલીલા મંડળી' આસપાસના વિસ્તારમાં ખૂબ જાણીતી હતી. સ્થાનિક રાજા પણ આ મંડળીને સહયોગ આપતા હતા. મંડળી વર્ષના છ મહિના ઘરમાં રહેતી અને છ મહિના આસપાસના ગામોમાં જઈને નાટકો તથા રામલીલા કરતી. પરિવારના બાળકો વિવિધ પાત્રો ભજવતા. એટલે અભિનયની કળા કન્હૈયાલાલજીના પરિવારમાં જાણે સંસ્કાર અને લોહીમાં જ વણાયેલી હતી.
કન્હૈયાલાલનો જન્મ ૧૫ ડિસેમ્બર ૧૯૧૦માં વારાણસીમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા પંડિત ભૈરોદત્ત ચૌબે જે ચૌબેજી તરીકે જાણીતા હતા તેઓ વારાણસીમાં સનાતન ધર્મ નાટક સમાજના માલિક હતા. તેમના પિતા કોઈપણ પ્રકારનું સ્ટેજ કામ કરવા માટે સંમત ન હોવાથી તેમણે આખરે તેમના પિતાના વિરોધનો સામનો કર્યો અને મંડળીમાં નાના-મોટા કામો કર્યા. ૧૬ વર્ષની ઉંમરે તેમણે લખવાનું શરૂ કર્યું અને પછી નાની ભૂમિકાઓ ભજવી. જ્યારે તેમના પિતાનું અવસાન થયું ત્યારે ભાઈઓએ થોડા સમય માટે નાટક કંપની ચલાવવાનો પ્રયાસ કર્યો પણ અસફળ સાબિત થતાં નાટક કંપની બંધ કરી દીધી અને કન્હૈયાલાલે બોમ્બેમાં ફિલ્મ કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. તેમના મોટા ભાઈ સંકથા પ્રસાદ ચતુર્વેદી પહેલાથી જ એક મિસાલ સ્થાપિત કરી ચૂક્યા હતા. તેમણે મૂક ફિલ્મોમાં અભિનેતા તરીકે પોતાની જાતને સ્થાપિત કરી હતી પરંતુ કન્હૈયાલાલ અભિનયના ઇરાદા વિના લખવા અને દિગ્દર્શન કરવાના ઇરાદા સાથે ફિલ્મોમાં આવ્યા. જોકે સંઘર્ષ બાદ કામ ન મળતા આખરે શરણાગતિ સ્વીકારીને તેમણે સાગર મુવીટોનની ‘સાગર કા શેર' માં વધારાના કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. મોટાભાઇ સંકટા પ્રસાદ ચતુર્વેદીની નોંધપાત્ર ફિલ્મોમાં ‘પૃથ્વી વલ્લભ'નો સમાવેશ થતો હતો જેમાં સોહરાબ મોદી સાથે તેમણે કામ કર્યું હતું. હેમા સિહના જણાવ્યા મુજબ કેટલાક લોકો તો એવું પણ માનતા કે પોતાના પાત્રમાં તેઓ સોહરાબ મોદીને ઓવરશેડો કરી રહ્યા હતા. કન્હૈયાલાલજી મુંબઈ આવ્યા બાદ બંને ભાઈઓએ ‘મલ્હાર' જેવી ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.
જ્યારે કન્હૈયાલાલજી મુંબઈ આવ્યા ત્યારે તેમણે મુંબઈમાં પોતાનું લખેલું નાટક ૧૫ ઓગસ્ટનું મંચન કર્યું અને પછીથી તેમણે ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું. તેમણે ઘણા નાટકો પણ લખ્યા. ૧૯૩૯માં આવેલી ફિલ્મ 'એક હી રાસ્તા'માં બાંકે તરીકે તેમને હિન્દી ફિલ્મોમાં બ્રેક મળ્યો અને ૧૯૪૦માં તેમને મહેબૂબ ખાનની ફિલ્મ 'ઔરત'માં સુખી લાલા તરીકે શાહુકારની ભૂમિકા મળી. ત્યારબાદ તેમણે ઘણી ફિલ્મોમાં પાત્ર કલાકાર તરીકે અભિનય કર્યો. જ્યારે મહેબૂબ ખાને તેમની ફિલ્મ 'મધર ઈન્ડિયા'નું દિગ્દર્શન કર્યું જે તેમની અગાઉની ફિલ્મ 'ઔરત'ની રિમેક હતી ત્યારે તેમણે ફરીથી સુખી લાલા તરીકે કન્હૈયાલાલને પસંદ કર્યા જે પાત્ર તેમના કુદરતી અભિનયથી જીવંત થયું હતું. કન્હૈયાલાલના કેટલાક અભિનય કે જેને તેમની બહુમુખી પ્રતિભા માટે પ્રેક્ષકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી તેમાં ભૂ (૧૯૪૭), ગંગા જમુના, ઉપકાર, અપના દેશ, જનતા હવાલદાર, દુશ્મન, બંધન, ભરોસા, ધરતી કહે પુકાર કે, હમ પાંચ, ગૌરમ સે, ગૃહસ્તી, હત્યારા, પલકોની છાઓ મેં, હીરા, તીન બહુરાનિયાં, દોસ્ત વગેરે ફિલ્મોમાં તેમના પાત્રોનો સમાવેશ થાય છે. તેમની યાદગાર ભૂમિકાઓમાં મધર ઈન્ડિયા, ગંગા જમુના અને ઉપકાર ફિલ્મોમાં ખલનાયક કાવતરાખોર મની લેન્ડર તરીકેનો સમાવેશ થાય છે.
કન્હૈયાલાલજીના પુત્રી હેમા સિહે એક કિસ્સો યાદ કરતા જણાવ્યું હતું કે, ફિલ્મ ‘મધર ઈન્ડિયા' માં જૂની ફિલ્મમાંથી પાત્ર સુખી લાલા પુનરાવર્તિત કરાયેલા તેઓ નોંધપાત્ર કલાકાર હતા. આ ફિલ્મ માટે પિતાજીએ માથું મુંડાવ્યું હતું. શૂટિગ બાદ એક રાત્રે જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે અમારી માતા કન્હૈયાલાલજીના પત્ની જમુનાબાઈએ દરવાજાના છિદ્રમાંથી જોયું પરંતુ તેઓ મુંડન કરાવેલા પતિને ઓળખી શક્યાં નહીં. એટલે દરવાજો ખોલ્યો નહિ જોકે પિતાજીનો અવાજ ઓળખી તેઓએ દરવાજો ખોલ્યો..! હેમા સિહના જણાવ્યા મુજબ શૂટિંગ દરમિયાન પણ કન્હૈયાલાલજી સેટ પર કામ વગર સમય પસાર કરતા નહોતા. એક-બે કે ત્રણ કલાકનો બ્રેક હોય તો ઘણી વખત ઘરે પરત આવી જતા.
જેમણે પડદા પર વિલન, શોષક કે કઠોર પાત્રોથી દર્શકોમાં નફરત જગાવી એ જ કન્હૈયાલાલજી વાસ્તવિક જીવનમાં અત્યંત સાદગીપ્રેમી હતા. તેમના ઘરમાં બાળકોને ફિલ્મી ચમકદમકથી દૂર રાખવામાં આવતા. તેઓ સંતાનોને કહેતા કે ફિલ્મોમાં આવવા કરતાં ભણો, એન્જાિનિયર કે આર્કિટેક્ટ બનો અને જીવનમાં કંઈક બનો. તેમના સાત સંતાનો ત્રણ પુત્ર અને ચાર પુત્રીઓમાંથી કોઈએ પણ ફિલ્મી કારકિર્દી પસંદ કરી નહીં. હેમા સિંહના જણાવ્યા મુજબ કન્હૈયાલાલજી બાળકોમાં સાંસ્કૃતિક રસ વિકસાવવા માગતા. તેઓ હિન્દી ફિલ્મો કરતાં સારા સાહિત્ય, ઉત્તમ વિદેશી ફિલ્મો, નાટકો અને શાસ્ત્રીય સંગીત તરફ પ્રોત્સાહિત કરતા. કન્હૈયાલાલજીની પ્રથમ પત્નીથી સંતાન નહોતું. ત્યારબાદ થયેલા બીજા લગ્નથી સાત સંતાનોનો જન્મ થયો. હેમા સિહ બીજા લગ્નથી થયેલા સંતાનોમાંની એક છે. સાતેય સંતાનોનો જન્મ મુંબઈમાં થયો હતો. પરિવાર માટુંગા-કિગ્સ સર્કલ વિસ્તારમાં મહેશ્વરી ઉદ્યાન નજીક રહેતો હતો. પરિવારનું પહેલું ઘર અને બાદનું ઘર પણ એ જ બિલ્ડિંગ અને એ જ માળ સાથે જોડાયેલું હોવાનું હેમા સિંહે જણાવ્યું. કન્હૈયાલાલજીનું પરિવારજનોને ફિલ્મી દુનિયાથી દૂર રાખવાનું વલણ એટલું મજબૂત હતું કે ઘરમાં ફિલ્મોની ચર્ચા પણ બહુ થતી નહોતી. જોકે કલાકારોનું આવનજાવન હોવાથી બાળકો માટે ફિલ્મ જગત અજાણ્યું પણ નહોતું. એ નોંધવું રહ્યું કે કન્હૈયાલાલના પુત્રી હેમા સિહ એક ફિલ્મ નિર્માતા છે.
હેમા સિંહે વિવિધ ભારતી સાથેના ઇન્ટરવ્યુંમાં યાદ કરતાં મધુબાલા, ધર્મેન્દ્ર, સંજીવ કુમાર અને સુરિન્દર કપૂર જેવા કલાકારોના પરિવાર સાથેના સંપર્કનો ઉલ્લેખ પણ કર્યો. તેણીએ જણાવ્યું કે, સુરિન્દર કપૂર અનિલ કપૂરના પિતા હતા અને પરિવારની નજીક રહેતા હોવાથી તેમનું પણ આવનજાવન હતું. પરંતુ આ બધું હોવા છતાં કન્હૈયાલાલજીએ પોતાના બાળકોને ગ્લેમરથી દૂર રાખ્યા. કન્હૈયાલાલજી માત્ર અભિનેતા નહોતા પરંતુ તેઓ ફિલ્મના સમગ્ર સર્જનપ્રક્રિયામાં રસ ધરાવતા હતા. એક વખત ફિલ્મ ‘ધરતી કહે પુકાર કે' ના સેટ પર હેમા સિહ તેમની સાથે ગયા હત્તા. એક સીનમાં ગામડાના માણસના પોશાક માટે તૈયાર કરાયેલા જેકેટમાં લાગેલા બટનો જોઈને કન્હૈયાલાલજીએ તેમાં થોડો ફેરફાર કરાવ્યો. બટનોનો રંગ અલગ-અલગ રાખવાથી કપડું વધુ વાસ્તવિક ગામઠી લાગશે એવી તેમની દલીલ હતી. આવી નાની-નાની બાબતો પણ તેમના માટે ખૂબ મહત્ત્વની હતી. હેમાજી એક કિસ્સો યાદ કરતા કહે છે, દિલીપ કુમારની ફિલ્મ ‘ગંગા જમુના' કન્હૈયાલાલજીની કારકિર્દીની બીજી યાદગાર ફિલ્મ હતી.
ફિલ્મની ટીમ શૂટીંગ માટે રશિયા ગઈ ત્યારે ત્યાંના દર્શકો અને લોકો કન્હૈયાલાલજીના અભિનયથી ખૂબ પ્રભાવિત થયા હતા. હેમા સિહના જણાવ્યા પ્રમાણે લોકો ઉત્સુકતાથી પૂછતા હતા ‘આ વૃદ્ધ કલાકાર કોણ છે?' તેમના અભિનયની સ્વાભાવિકતા અને ઊર્જા જોઈને લોકો આヘર્યચકિત થયા હતા. આ ફિલ્મમાં ભોજપુરી સંવાદોનો ઉપયોગ પણ કન્હૈયાલાલજીના સૂચન સાથે જોડાયેલો હતો. તેમના મતે સ્થાનિક ભાષાનો ઉપયોગથી ફિલ્મ વધુ જીવંત અને રસપ્રદ બની હતી. ત્રણ દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં કન્હૈયાલાલજીને નાની છતાં પ્રભાવશાળી ભૂમિકાઓ માટે યાદ કરવામાં આવે છે. જેમ કે કંજૂસ અને કઠોર વેપારી, લોભી શાહુકાર, ચાલાક નોકર, બેઈમાન ટપાલી, ખોટી જુબાની આપનાર સાક્ષી અથવા અંગત સ્વાર્થ માટે આખા ગામને એકબીજાની વિરુદ્ધ ઉશ્કેરનાર ધનિક વ્યક્તિ. ખાસ નોંધપાત્ર બાબત એ હતી કે તેમના નિર્દોષ દેખાતા ચહેરા પાછળ એક ખલનાયક સ્વભાવ છુપાયેલો હતો. તેમણે કેટલીક ફિલ્મોમાં ગ્રામીણ જીવનમાંથી લેવાયેલી કહેવતો કે રૂઢિપ્રયોગોને પોતાના 'તકિયા કલામ' તરીકે પણ અપનાવ્યા હતા. આ સંદર્ભમાં એક ચોક્કસ 'તકિયા કલામ' ફિલ્મ ગંગા જમનાનો તેમનો સંવાદ લોકોને યાદ રહી ગયો હતો રામ બચાયે કલ્લુ કો, અંધા કર દે લલ્લુ કો.
દર્શકો સામાન્ય રીતે કન્હૈયાલાલજીને નકારાત્મક પાત્રો માટે યાદ કરે છે. પરંતુ તેમની પુત્રી હેમા સિંહની સૌથી પ્રિય ફિલ્મ હતી ‘મેરી સુરત તેરી આંખેં' જેમાં તેમણે રહમત ચાચાનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્રમાં તેમનો લાગણીસભર અને સકારાત્મક અભિનય જોવા મળ્યો હતો. ફિલ્મમાં તેઓ પાત્રને તાલીમ આપતા અને ગીતના પ્રસંગમાં જે અભિનય કરે છે તે હેમા સિહના મતે તેમની કારકિર્દીના શ્રેષ્ઠ અભિનય પ્રસંગોમાંનો એક હતો. હેમાજી કહે છે, કન્હૈયાલાલજીના સુખીલાલ જેવા પાત્રો માત્ર નકારાત્મક પાત્રો નહોતા. એ પાત્રો મારફતે તે સમયના ગામડાં, જમીનદારી, કરજ, વ્યાજખોરી અને ખેડૂતોના શોષણ જેવી સામાજિક સમસ્યાઓને પડદા પર રજૂ કરવામાં આવી હતી. કન્હૈયાલાલજી બહુ ઔપચારિક શિક્ષણ મેળવેલા ન હોવા છતાં નવી ભાષાઓ અને સંસ્કૃતિઓ શીખવાની ઉત્સુકતા ધરાવતા હતા. ઉર્દૂ, મરાઠી, બંગાળી કે દક્ષિણ ભારતીય ભાષાઓ જે ભાષાનો સંપર્ક થતો તેમાંથી કંઈક શીખવાનો પ્રયત્ન કરતા. દક્ષિણ ભારતની ફિલ્મ નિર્માણ પદ્ધતિની વ્યાવસાયિકતાથી તેઓ ખાસ પ્રભાવિત હતા.
કન્હૈયાલાલજીના જીવનમાં મીના કુમારી માટે વિશેષ લાગણી હતી. હેમા સિંહના જણાવ્યા મુજબ મીના કુમારી બાળપણથી જ કન્હૈયાલાલજીના સ્નેહમાં હતી.
તેમણે તેને નાની ઉંમરથી જ ખોળામાં રમાડ્યા હતા. તેઓ મીના કુમારીને પોતાની દીકરી જ માનતા. જ્યારે મીના કુમારીના અવસાનના સમાચાર મળ્યા ત્યારે કન્હૈયાલાલજી અત્યંત દુઃખી થયા હતા. ઘેર આવી તેમણે પત્નીને માત્ર એટલું કહ્યું ‘મીના નહીં રહી.' એ આંસુ છુપાવવા માટે તેમણે કાળા ચશ્મા પહેર્યા હતા પરંતુ આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા.
કન્હૈયાલાલજીએ મધુબાલા સાથે પણ ફિલ્મોમાં કામ કર્યું હતું. ‘રાધિકા' સહિતની ફિલ્મોમાં તેમણે મધુબાલાના પિતાની ભૂમિકા ભજવી હતી. તેમની અન્ય જાણીતી ફિલ્મોમાં ‘રામ ઔર શ્યામ', ‘દિલ દિયા દર્દ લિયા', ‘પલકોં કી છાંવ મેં', ‘મેરા મુન્ના', ‘હીરા', ‘સમાજ કો બદલ ડાલો' વગેરેનો સમાવેશ થાય છે. ફિલ્મ ‘હીરા' માં સુનીલ દત્ત અને આશા પારેખ સાથે પણ તેમણે કામ કર્યું હતું. આશા પારેખે તેમના સાથે કામ કરતાં પિતૃતુલ્ય લાગણી થતી હોવાનું જણાવ્યું હતું. ફિલ્મ ‘હમ પાંચ' માં કન્હૈયાલાલજી સાથે મિથુન ચક્રવર્તી, નસીરુદ્દીન શાહ, અમરીશ પુરી, રાજ બબ્બર અને ગુલશન ગ્રોવર જેવા કલાકારોએ કામ કર્યું હતું. ફિલ્મમાં મહાભારતની કથાને અલગ અંદાજમાં રજૂ કરવામાં આવી હતી.
આ સમયગાળા પછી કન્હૈયા લાલજીની તબિયત નબળી પડવા લાગી હતી. ઉંમર અને કામના ભારને કારણે શારીરિક સ્થિતિમાં ઘટાડો થતો ગયો. સવારે નિયમિત રીતે સરસવના તેલથી શરીરને લાંબી માલિશ કરાવવાની તેઓ ટેવ ધરાવતા હતા. હેમા સિહના જણાવ્યા પ્રમાણે કન્હૈયાલાલજીના અવસાન સમયે તેમની કેટલીક ફિલ્મોનું ડબિગ બાકી હતું. પરંતુ તેમના જેવા જ લહેજા અને અવાજમાં સંવાદ બોલી શકે એવો કલાકાર મળવો મુશ્કેલ બન્યો. પરિણામે કેટલીક ફિલ્મોનું ડબિગ લાંબા સમય સુધી અટવાયું અથવા અન્ય કલાકારોની મદદથી પૂર્ણ કરાયું હતું.
આ ઘટના બતાવે છે કે કન્હૈયાલાલજીનો અવાજ પણ તેમની અભિનય ઓળખનો કેટલો મહત્વનો ભાગ હતો. જીવનના અંતિમ તબક્કામાં કન્હૈયાલાલજીને ફરી બનારસ અને કાશી તરફ આકર્ષણ અનુભવાયું હતું. પરિવારનું બનારસમાં ઘર હતું. ત્યાં તેમણે ભગવાન શિવનું મંદિર પણ સ્થાપિત કરાવ્યું હતું. ગંગાજી સાથેના આધ્યાત્મિક સંબંધ અને કાશી પ્રત્યેનો લગાવ તેમના અંતરમાં અંત સુધી જીવંત રહ્યો.
જોકે ૧૪ ઓગસ્ટ ૧૯૮૨ ના રોજ પડદા પાછળના આ કલાકારે ફાની દુનિયાને અલવિદા કહ્યું. પરંતુ તેમના મૃત્યુથી તેમનું પાત્ર મર્યું નહીં. સુખીલાલ, રહમત ચાચા અને અનેક અન્ય પાત્રો આજે પણ હિન્દી સિનેમાના ઇતિહાસમાં જીવંત છે. તેમણે સાબિત કર્યું કે ફિલ્મમાં નાયક બનવું જ અમર થવાનો એકમાત્ર રસ્તો નથી. કોઈ પાત્રને એટલી સચ્ચાઈથી જીવી બતાવો કે દર્શકો અભિનેતાનું નામ ભૂલી જાય અને પાત્રનું નામ યાદ રાખે તો એ જ સાચો અભિનય છે.
કન્હૈયાલાલજી અને બનારસી પાનઃ ‘પંડિતજી પાન..!'
કન્હૈયાલાલજીની ઓળખ તેમની બનારસી પાનની ટેવ સાથે પણ જોડાયેલી હતી. તેમને ખાસ કરીને મઘઈ પાન ગમતું. તેઓ પાન ખરીદીને ભીના કપડામાં સાચવી ઘરે લાવતા અને પછી પોતે જ કત્થો, ચૂનો, સોપારી વગેરે ઉમેરી પાન તૈયાર કરતા. ચાંદીના ડબ્બામાં અનેક બીડા તૈયાર રહેતા અને એક સમયે મોઢામાં ચાર જેટલા બીડા રાખવાની પણ તેમની ટેવ હતી. ફિલ્મના સેટ પર સાથી કલાકારો તેમને મજાકમાં ‘પંડિતજી પાન' કહીને પાન માટે રાહ જોતા. તેમને બનારસી પાન બહુ ભાવતા.
ફિલ્મના સેટ પર હોય કે ઘરે તેઓ પોતાની સાથે પાન અચૂક રાખતા. અનેક કલાકારો તેમની પાસે પાન ખાવા અચૂક આવતા. અરે.. રાજ કપૂર જેવા કલાકારોને પણ તેમના બનાવેલા પાનનો સ્વાદ ગમતો હોવાનું હેમા સિંહે જણાવ્યું.
ગીતકાર પણ હતા કન્હૈયાલાલ
કન્હૈયાલાલજી પોતે હાર્મોનિયમ વગાડતા અને તબલા પણ વગાડી શકતા. તેઓ ગાતા પણ હતા. કન્હૈયાલાલજીના વ્યક્તિત્વનું એક ઓછું જાણીતું પાસું હતું છે ગીતલેખન. હેમા સિહના જણાવ્યા મુજબ ‘સાધના' ફિલ્મ માટે તેમણે ગીતો લખ્યાં હતાં.
‘સાવન આયે યા ના આયે, પિયા જબ ઝૂમે સાવન હૈ' જેવા ગીતનો ઉલ્લેખ તેમણે કર્યો. એક ફિલ્મ માટે અનેક ગીતો લખ્યા હોવાની પણ વાત કરવામાં આવી. તેઓ નાટક લખતા, સ્ક્રિપ્ટ લખવા માગતા અને દિગ્દર્શન કરવાની ઈચ્છા ધરાવતા હતા. પરંતુ સતત ફિલ્મી કામને કારણે દિગ્દર્શક બનવાની તેમની ઈચ્છા પૂર્ણ થઈ શકી નહીં.
ઉપરાંત કન્હૈયાલાલજી માટે સંગીત માત્ર શોખ નહતો પણ સંગીત તેમની આત્મા હતું. હેમા સિહે જણાવ્યું કે, તેઓ કવિ સંમેલનો અને શાષીય સંગીતના કાર્યક્રમોમાં જતા. પંડિત ભીમસેન જોશીના તેઓ મોટા પ્રશંસક હતા અને શક્ય હોય ત્યારે પ્રથમ હરોળમાં બેસીને કાર્યક્રમ માણતા. શિવાજી મંદિરમાં તેમણે ડો. વસંતરાવ દેશપાંડેનું નાટ્યપ્રદર્શન જોયું હતું અને ત્યારથી તેમના પ્રશંસક બની ગયા. ત્યારબાદ તેમના નાટકના કાર્યક્રમો માટે ઘરમાં ટિકિટો આવતી. કન્હૈયાલાલજી પોતે હાર્મોનિયમ વગાડતા અને તબલા પણ વગાડી શકતા. તેઓ ગાતા પણ હતા.
કન્હૈયાલાલ અભિનેતા બનવા માંગતા જ નહોતા!
પાત્રની અંદર પ્રવેશીને તેને પોતાની રીતે જીવવું આ તેમની સૌથી મોટી વિશેષતા હતી
કન્હૈયાલાલજીના જીવનની સૌથી રસપ્રદ બાબતોમાંની એક એ હતી કે તેઓ મૂળભૂત રીતે અભિનેતા બનવા ઇચ્છતા નહોતા. તેમની મહત્ત્વાકાંક્ષા દિગ્દર્શક, લેખક, સ્ક્રિપ્ટ રાઇટર અને ગીતકાર બનવાની હતી. નાટકો લખવા અને ભજવવા ઉપરાંત સેટ ડિઝાઇન, પોશાક, લ્લશ્યરચના અને ફિલ્મ નિર્માણની અનેક બારીકીઓમાં પણ તેમને રસ હતો. બન્યુ એવું કે એક ફિલ્મના સેટ પર તેઓ માત્ર એક્સ્ટ્રા કાર્યકર તરીકે હાજર હતા. ફિલ્મમાં એક પાત્રના પિતા બનનાર કલાકાર સેટ પર હાજર ન હોવાથી કોઈએ કન્હૈયાલાલજીને એ ભૂમિકા કરવા સૂચવ્યું. શરૂઆતમાં સેટ પરના લોકો હસ્યા ‘આ શું કરશે?' તેમના હાથમાં ફુલસ્કેપ કાગળ આપીને સંવાદ વાંચવા કહેવામાં આવ્યું. કન્હૈયાલાલજીએ પડકાર સ્વીકાર્યો અને એક જ ટેકમાં લ્લશ્ય ઓકે થઈ ગયું. જે કામ માટે તેમને દસ રૂપિયાના મળવાના હતા તેના બદલે અભિનયથી રૂ.૪૫નું મહેનતાણું મળ્યું. આ જ તેમનો અભિનયક્ષેત્રનો પહેલો મોટો વળાંક બન્યો. કન્હૈયાલાલજીની અભિનયશૈલી અસાધારણ હતી. હેમા સિંહના જણાવ્યા પ્રમાણે તેઓ સંવાદો આખેઆખા રટતા નહોતા. તેઓ સ્ક્રિપ્ટને ગંભીરતાથી વાંચતા અને સમજતા. ત્યારબાદ કેમેરા ચાલુ થતાં પાત્રની જરૂરિયાત પ્રમાણે સંવાદોમાં સ્વાભાવિક ફેરફાર, ઉમેરો અને ઇમ્પ્રોવાઇઝેશન કરતા. તેમના ઘેર પણ જ્યારે નિર્માતા-દિગ્દર્શકો આવતા ત્યારે તેઓ પહેલાં સ્ક્રિપ્ટ ધ્યાનપૂર્વક સાંભળતા. પાત્ર અને વાર્તા ગમતી હોય ત્યારે જ ફિલ્મ સ્વીકારતા. પાત્રની અંદર પ્રવેશીને તેને પોતાની રીતે જીવવું આ તેમની સૌથી મોટી વિશેષતા હતી.
પ્રશાંત બક્ષી

(2:52 PM IST)










