News of Sunday, 31st May 2026
રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે ખાનગી લક્ઝરી બસે અડફેટે લેતા એક્ટિવા ચાલક યુવતીનું ઘટના સ્થળે જ મોત
ટક્કર એટલી પ્રચંડ હતી કે, દીપાલી ચૌહાણ રોડ પર પટકાઈ અને બસના તોતિંગ વ્હીલ નીચે આવી જતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું: યુવતીના મોતને પગલે લોકોમાં ભારે રોષ

રાજકોટ શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે એક ખાનગી લક્ઝરી બસે એક્ટિવા ચાલક યુવતીને પાછળથી જોરદાર અડફેટે લેતા કાળજું કંપાવી દે તેવો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 24 વર્ષીય યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, 24 વર્ષીય દીપાલી ચૌહાણ નામની યુવતી પોતાનું એક્ટિવા સ્કૂટર લઈને જૂના માર્કેટિંગ યાર્ડ રોડ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ખાનગી બસના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરીને દીપાલીના એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે, દીપાલી રોડ પર પટકાઈ હતી અને બસના તોતિંગ વ્હીલ નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
ભરચક વિસ્તારમાં બપોરના સમયે સર્જાયેલા આ ભયાનક અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. યુવતીના મોતના પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને થોડીવાર માટે હાઇવે પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.
ઘટનાની જાણ થતાં જ આજીડેમ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે કાળમુખી ખાનગી બસને કબજે કરી લીધી છે અને અકસ્માત સર્જી ભાગવાની ફિરાકમાં રહેલા બસ ડ્રાઈવરની અટકાયત કરી લીધી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.
(8:52 PM IST)










