તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
રાજકોટમાં ૧૫ વર્ષની સગીરા ઉપરના દુષ્કર્મના કેસમાં પકડાયેલ આરોપી સોયબને ૨૦ વર્ષની સજા
પીડીતાની જુબાની-મેડીકલ તપાસથી ફરિયાદ પછીનો કેસ પુરવાર થાય છેઃ બી-ડીવીઝન વિસ્તારની ઘટના અંગે સેસન્સ કોર્ટનો ચૂકાદો

રાજકોટ, તા.૧૮: રાજકોટ શહેરમાં રહેતા દંપતીની આશરે ૧૫ વર્ષ ૩ માસની સગૌરવયની પુત્રીને આરોપી સોયબ ઈબ્રાહીમભાઈ માંડલીયા, ઉ.વ.૨૪, રહે. રાજકોટ વાળાએ પોતાના મોબાઈલ નંબર આપીને તેની સગીરા બાળકી સાથે અવારનવાર ફોન ઉપર વાતચીત કરીને નિકાહ કરવાની લાલચ આપેલ હતી અને તે રીતે એક દિવસ રાત્રીના ત્રણેક વાગ્યે ભોગ બનનાર સગીરાના ઘરે જઈ સગીરા સાથે બળજબરીથી શરીર સબંધ બાંધેલ હતો અને ત્યારબાદ સગીરાને તેના માતા પિતાના વાલીપણામાંથી આરોપી સોયેબે ભગાડી જઈને પોકસો એકટ મુજબનો ગંભીર ગુનો કરેલ જે બનાવ બાબતે આ આરોપી સોયબ સામેનો કેસ ચાલી જતા સ્પેશીયલ પોકસો કોર્ટના જજે આરોપી સોયબ ઈબ્રાહીમભાઈ માંડલીયાને તકસીરવાન ઠરાવી પોકસો એકટની કલમ-૬ મુજબ આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૫૦૦૦ નો દંડ તથા આઈપીસી કલમ ૩૬૬ મુજબ ૭ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૨,૦૦૦/ નો દંડ તથા કલમ-૩૬૩ મુજબ ૫ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૧૦૦૦/ નો દંડ તથા પોકસો એકટની કલમ ૬ મુજબના ગુના માટે ૨૦ વર્ષની સખત કેદની સજા કરેલ છે જેથી આઈપીસી કલમ ૩૭૬(૨) (જે) (એન), (૩) ના ગુના માટે અલગથી સજા કરેલ નથી તેમજ ગુજરાત વીકટીમ કમ્પન્સેશન સ્કીમ અન્વયે ભોગબનનાર બાળકીને રૂા.૮,૦૦,૦૦૦/ નુ વળતર ચુકવવાનો આદેશ આપેલ હતો.
આ બનાવ અંગે ભોગબનનારના માતાની ફરીયાદ નોંધીને બી-ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની ધરપકડ કરીને કાયદાકીય તપાસ કરીને પુરતા પુરાવાઓ મેળવી પી.આઈ.શ્રી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ હતુ.
આ કેસમાં ફરિયાદ પક્ષે કુલ ૭ સાહેદો તપાસીને ૧૬ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરીને સરકારી વકીલશ્રી પ્રશાંત પટેલએ આ કેસના સાહેદો-પંચોને તપાસી પુરાવાઓની કળીઓ મેળવીને કેસમાં પોતાની દલીલ રજુ કરીને ફરીયાદ પક્ષનો કેસ પુરવાર કર્યો હતો.
આ કેસમાં સરકારી વકીલશ્રી પ્રશાંત પટેલએ રજુઆત કરેલ કે, ભોગ બનનાર સગીરાએ તેની જુબાની વખતે બનાવની સમગ્ર ઘટના જણાવીને આરોપીને ઓળખી બતાવેલ છે અને તે રીતે ફરીયાદીના કેસને સમર્થન આપેલ છે તેમજ ભોગબનનારની મેડીકલ તપાસ કરનાર ડોકટર તથા આરોપીની મેડીકલ તપાસ કરનાર ડોક્ટરએ પોસીકયુશનના કેસને સમર્થન આપેલ છે તેમજ આરોપીએ બાળકીના ઘરમાં ઘુસીને બાળકી સાથે બળાત્કાર કરવાનો ઈરાદો સ્પષ્ટ થાય છે તથા ફરીયાદી પક્ષ દ્વારા રજુ થયેલ પુરાવાઓ જોતા આરોપી વિરૂધ્ધ કેસ પુરવાર થતો હોય અને પોકસો એકટ જેવા ગંભીર ગુનામાં આરોપીને મહતમ સજા કરવી જોઈએ જેથી સરકારી વકીલશ્રીની દલીલો માન્ય રાખીને આરોપીને કસુરવાર ઠેરાવીને કોર્ટ દવારા ઉપર મુજબનો ચુકાદો આપેલ હતો.
આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. પ્રશાંત પટેલ રોકાયેલ હતા તેમજ સહાયક તરીકે રાજન ટીંબા, મુશ્કાન સમા રોકાયેલ હતા.
પ્રશાંત કે.પટેલ
સરકારી વકીલ
(3:43 PM IST)










