<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

મિલકત અંગે કાવતરું રચી છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ આરોપીઓનો છુટકારો

રાજકોટ, તા.૨૮: શહેરની કિંમતી મીલકત અંગે કાવતરું રચી છેતરપીંડી કરીને બોગસ દસ્‍તાવેજો બનાવવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે આરોપીઓનો શંકાનો લાભ આપી છોડી મૂકવા હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબશહેરના યુની. રોડ ઉપરના સુવર્ણ કોમ્‍પલેક્ષ (જુના નટરાજ હોલ) વાળા બિલ્‍ડીંગમાં પ્રથમ માળે આવેલ દુકાન અને બેન્‍કીંગ હોલ બાબતે ભાગીદારી પેઢીના કુલમુખત્‍યાર રમેશ હરજીવનભાઈ રાઠોડ અને હરજીવનભાઈ માવજીભાઈ રાઠોડએ પરાબજારના પ્રતીષ્ઠીત વેપારી અને કરણપરામા રહેતા  નવીનચંદ્ર કોટક જોગ વર્ષ ૨૦૦૧ માં રજી. સાટાખત કરી આપી અવેજ મેળવેલ અને સોગંદનામું કરી કબ્‍જો સોંપી આપેલ હતો. તેમની જાણમાં આવેલ કે સદરહું દુકાન અને હોલ પર જીવનબેંક ધ્‍વારા સીલ મારવામાં આવેલ છે અને તપાસ કરતા મિલક્‍ત ઉપર પેઢીના ભાગીદાર હરજીવનભાઈ રાઠોડ ધ્‍વારા જીવન બેંકમાંથી લોન લઈને લોનની ભરપાઈ કરેલ ન હોય બેંક ધ્‍વારા જપ્તીની કાર્યવાહી કરવામાં આવી હતી. નવીનચંદ્ર કોટક સાથે છેતરપીડી કરી બોગસ દસ્‍તાવેજો બનાવ્‍યા અંગેની અદાલતમાં મે. યોગેશ્વર કન્‍સ્‍ટ્રકશન કંપની અને તેના નવ ભાગીદારો સામે તા.૯/૪/૨૦૦૪ ના રોજ  ફરીયાદ નોંધાવી હતી.

આ  અંગે અદાલત ધ્‍વારા ભાગીદારી પેઢી અને તેના ભાગીદારોને કોર્ટમાં હાજર થવા સમન્‍સ પાઠવવામાં આવ્‍યું હતું. નવીનચંદ્ર કોટક ધ્‍વારા કરારના પાલન સંદર્ભે સીવીલ દાવો પણ દાખલ કરવામાં આવેલ હતો. ફોજદારી કેસમાં આરોપીઓ હાજર થયેલ અને કાયદાની જોગવાઈઓ મુજબ કેસ ચાલવા ઉપર આવેલ હતો જેમાં ફરીયાદી, એડવોકેટ, નોટરી , બેંક ઓફીસર, સબરજીસ્‍ટ્રાર સહીતના વ્‍યક્‍તિઓની જુબાનીઓ લેવામાં આવેલી હતી. સાથોસાથ અનેક દસ્‍તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજુ થયા હતા. મે. યોગેશ્વર કન્‍સ્‍ટ્રકશન કંપની, કીરીટ હરજીવનભાઈ રાઠોડ, રસીકકુમાર હરજીવનભાઈ રાઠોડ અને વિશાલ નંદલાલભાઈ મકવાણાના વકીલ ધર્મિષ્ઠાબા ઝાલા  ધ્‍વારા મુખ્‍યત્‍વે એવી રજુઆત કરવામાં આવી હતી. તેઓએ ભાગીદારીના હિસાબમાં ગેરવહીવટ કરેલ હોય તે અંગે સીવીલ રાહે કેસ પણ કરેલ છે.

ફરીયાદપક્ષે તપાસવામા આવેલા સાહેદોની જુબાનીઓ જોતા આરોપીઓએ ફરીયાદમાં જણાવ્‍યા મુજબનો કોઈ ગુન્‍હો કરેલ હોવાનું સ્‍પષ્ટપણે રેકર્ડ પર આવી શકેલ નથી. આ તમામ સંજોગો ધ્‍યાને લેતાં, આરોપીઓને શંકાનો લાભ મળવા પાત્ર થાય છે તેમજ ફોજદારી કાર્યરીતીના સિધ્‍ધાંતો પ્રમાણે પણ ફરીયાદપક્ષ જયાં સુધી આરોપીઓ સામેનો ગુનો નિઃશંકપણે પુરવાર ન કરે ત્‍યાં સુધી આરોપીને ગુનેગાર ઠરાવી શકાય નહીં. અદાલત ધ્‍વારા કાયદાની પરીસ્‍થીતી, રજુ થયેલ પુરાવાઓ, દલીલોને ધ્‍યાનમાં રાખી આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ હતો.આરોપીઓ તરફે એડવોકેટ તરીકે ધર્મિષ્ઠાબા ઝાલા રોકાયેલ હતા.

ધર્મિષ્ઠા બા ઝાલા એડવોકેટ

(2:45 PM IST)