News of Wednesday, 15th April 2026
કાલાવડ-જેતપુરના દારૂના ગુનામાં ૩ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
લોધીકાના વાજડી ગામ પાસેથી દબોચી લેવાયો, મેટોડા પોલીસને સોંપાયો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૫: રાજકોટ રેન્જ ટીમે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ૩ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)ની સૂચના બાદ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગુનો કરીને નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર આર.એચ.બારના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાટોંલયા, પી.સી.સરતેજા તથા સ્ટાફ દ્વારા ટેકનિકલ એનાલીસિસ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરાઈ હતી.
દરમિયાન મળેલી બાતમીના આધારે સ્ટાફના કુલદીપસિંહ ચુડાસમા, દિવ્યેશભાઈ સુવા, અનિરુધ્ધસિંહ જાડેજા, નિકુલભાઈ પાંપણીયા તથા ડ્રા.ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વાજડી ગામ તા.લોધીકા પાસેથી આરોપી સુમીત ઉર્ફે સન્ની રાવતભાઇ દેથડીયા રહે. પૂજા પાર્ક-૨, હુડકો પોલીસચોકી પાછળ, કોઠારીયા રોડ, રાજકોટવાળાને ઝડપી પાડ્યો હતો.
આરોપી સુમીત દેથડીયા કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં. ૦૮૮૮/૨૦૨૩ કલમ-૬૫એઈ મુજબના ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા ૩ વર્ષથી તેમજ જેતપુર ઉદ્યોગનગર પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં. ૦૦૫૨/૨૪ કલમ-૬૫એઈ મુજબના ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા ૨ વર્ષથી નાસતો-ફરતો હતો. જામનગર પોલીસ અધિક્ષક દ્વારા આરોપી પર ઇનામ પણ જાહેર કરાયેલું હતું.
આરોપીને પકડી પાડી આગળની ઘટિત કાર્યવાહી થવા સારૂ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના મેટોડા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવ્યો છે.
(12:14 PM IST)










