<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

રાજકોટમાં એસીબીનો સપાટો : હપ્તાખોરીના કેસમાં પોલીસ કોન્સ્ટેબલ બિપીન મકવાણા અને તેના સાગરીત દિપક પરમારને ૧૦ વર્ષની સખત કેદ અને ૫ લાખનો માતબર દંડ ફટકારતી સેશન્સ કોર્ટ

વર્ષ ૨૦૧૮માં ગોંડલ રોડ હોટલ ક્રિષ્ના પાર્કથી કુવાડવા પોલીસ ચોકી સુધીના માર્ગ પર રીક્ષા ચાલકો પાસેથી ગેરકાયદે નાણાં ઉઘરાવવાનું નેટવર્ક ઝડપાયું હતું : કોર્ટના ઐતિહાસિક ચુકાદાથી લાંચિયા તત્વોમાં ફફડાટ

રાજકોટ:રાજકોટમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી) દ્વારા કરવામાં આવેલા ટ્રેપ કેસમાં નામદાર સેશન્સ કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૮માં લાંચ લેતા ઝડપાયેલા રાજકોટ શહેર ટ્રાફિક શાખાના અનાર્મ પોલીસ હેડ કોન્સ્ટેબલ બિપીનભાઈ મકવાણા અને તેમના વતી વચેટીયા તરીકે કામ કરતા ખાનગી વ્યક્તિ દિપકભાઈ પરમારને કોર્ટે દોષિત ઠેરવી ૧૦ વર્ષની સખત કેદ અને કુલ ૫,૦૦,૦૦૦ રૂપિયાના દંડની સજા ફટકારી છે.

સમગ્ર ઘટનાની વિગત:

આ કેસની વિગત મુજબ, માર્ચ ૨૦૧૮માં એસીબી દ્વારા એક ડિકોય ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કામના ડિકોયર પોતાની માલવાહક રીક્ષા લઈને ગોંડલ રોડ પર આવેલી હોટલ ક્રિષ્ના પાર્કથી કુવાડવા પોલીસ ચોકી સુધીના માર્ગ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન આરોપી દિપકભાઈ કાન્તિભાઈ પરમારે રીક્ષા ઉભી રખાવી હતી અને ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી ગેરકાયદેસર રીતે ૫૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

કાર્ડ સિસ્ટમનો પર્દાફાશ:

લાંચની રકમ સ્વીકાર્યા બાદ આરોપીએ માર્ચ ૨૦૧૮ના માસનું એક કાર્ડ ડિકોયરને આપ્યું હતું, જેથી અન્ય કોઈ તેને હેરાન ન કરે. આ સમયે એસીબીએ ત્રાટકીને દિપકભાઈને ઝડપી લીધો હતો. તેની પાસેથી અન્ય ૧૬ કાર્ડ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન વધુ ચોંકાવનારી વિગત સામે આવી હતી કે મુખ્ય આરોપી અને રાજ્યસેવક બિપીનભાઈ લવજીભાઈ મકવાણાની સરકારી જીપની પાછળની સીટ નીચેથી કુલ ૫૬૯ કાર્ડ મળી આવ્યા હતા. આ પરથી સ્પષ્ટ થયું હતું કે પોલીસ હોદ્દાનો દુરુપયોગ કરી ખાનગી વ્યક્તિની મદદથી મોટા પાયે ઉઘરાણું ચાલતું હતું.

તપાસ અને કોર્ટની કાર્યવાહી:

આ મામલે તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી.ચાવડા ફરિયાદી બન્યા હતા અને રાજકોટ શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસની સંપૂર્ણ તપાસ એસીબી રાજકોટ ગ્રામ્યના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર કે.એચ.ગોહિલ દ્વારા કરવામાં આવી હતી. તપાસના અંતે નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.

સજાનો હુકમ:

રાજકોટ સેશન્સ કોર્ટે મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખી નીચે મુજબની સજા સંભળાવી છે:

  બિપીનભાઈ લવજીભાઈ મકવાણા (આરોપી નં. ૧): ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ-૭ અને ૧૨ મુજબ ૭ વર્ષની સખત કેદ અને ૧,૫૦,૦૦૦ રૂપિયા દંડ. તેમજ કલમ ૧૩(૧)(ધ) મુજબ ૧૦ વર્ષની સખત કેદ અને ૧,૫૦,૦૦૦ રૂપિયા દંડની સજા ફટકારવામાં આવી છે.

  દિપકભાઈ કાન્તિભાઈ પરમાર (આરોપી નં. ૨): મદદગારી કરવા બદલ કલમ-૧૨ મુજબ ૭ વર્ષની સખત કેદ અને ૨,૦૦,૦૦૦ રૂપિયા દંડ ફટકાર્યો છે.

દંડ ન ભરે તો બંને આરોપીઓએ વધુ એક-એક વર્ષની સાદી કેદ ભોગવવી પડશે તેવો હુકમ પણ કરવામાં આવ્યો છે. એસીબી દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ સરકારી કર્મચારી લાંચની માંગણી કરે તો ટોલ ફ્રી નંબર ૧૦૬૪ અથવા વોટ્સએપ નંબર ૯૦૯૯૯ ૧૧૦૯૫ પર સંપર્ક કરવો.

(9:32 PM IST)