તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
એક નીડર અને નિર્ભિક ધારાશાસ્ત્રીઃ સરદાર વલ્લભભાઈ પટેલ
અંગ્રેજ ન્યાયાધીશને પણ કોર્ટની શિસ્ત શીખવનારા અને સત્તાધીશો સામે ક્યારેય નહીં ઝૂકનારા સરદારની વકિલાતના અવિસ્મરણીય પ્રસંગો

ગુજરાતના નડિયાદમાં જન્મેલા અને કરમસદના એક સામાન્ય ખેડૂત પરિવારમાં ઊછરેલા સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની આવડત, અનુભવ, સંગઠનશક્તિ અને રાષ્ટ્રભાવના વડે એ કામ કર્યું, જે દુનિયાના કોઈપણ રાજનેતા માટે અત્યંત મુશ્કેલ હતું. તમે આખી દુનિયા ફરી વળશો તો પણ આવા નેતા કે પછી રાષ્ટ્રપુરુષ જોવા મળવા મુશ્કેલ છે.
સરદાર વલ્લભભાઈ પટેલના ઘેર નહોતા વાડી-વજીફા કે નહોતા ગાડી-બંગલા. એમને ઘેર તો હતી ટૂંકી ખેતી અને બહોળું કુટુંબ, મહેનતુ હાથ અને સંતોષનો રોટલો.
ઈ.સ. ૧૮૯૭માં તેઓ મેટ્રિક થયા. આગળ ભણવાની તમન્ના ઘણી અને ધગશ પણ ખરી. બુદ્ધિ તો અપૂર્વ હતી, પણ પૈસા નહીં. એ વખતે મેટ્રિક પછી પ્લીડરની પરીક્ષા આપીને વકીલાત કરી શકાતી. વલ્લભભાઈની આગળ મોટાભાઈ વિઠ્ઠલભાઈનો દાખલો હતો જ. ઈ.સ. ૧૯૦૦માં પ્લીડરની પરીક્ષા પાસ કરીને વલ્લભભાઈ પણ વકીલ બન્યા. મિજાજને ફાવે એવો સ્વતંત્ર અને અનુકૂળ વ્યવસાય એમને મળ્યો.
સામાન્ય રીતે કોઈ નવોસવો વકીલ કોઈ મોટા માથાવાળા વકીલનો જુનિયર થાય, એટલે કે મોટા વકીલનો મદદનીશ થાય. વકીલોની ભાષામાં એને ‘ડેવિલ' કહે છે. પણ સ્વતંત્ર મિજાજવાળા વલ્લભભાઈ પટેલમાં કોઈના ‘ડેવિલ' થવાની ખેવના નહોતી. કોઈના ‘ડેવિલ' થવું નથી, મોટાભાઈના પણ નહીં! એમણે ચાતર્યો ચીલો અને લીધો માર્ગ સીધો પોતાનો.
વલ્લભભાઈના સાથીઓ હતા પરિશ્રમ, ખંત, તેજસ્વી બુદ્ધિ અને હિમતભરી ધારદાર રજૂઆત. કઠોર જીવનની કઠોરતા અને લ્લઢ સંકલ્પ સાથે આગળ વધતા આ યુવાન વકીલનું નસીબ પણ જાણે તેમનાથી બે ડગલાં આગળ ચાલતું હતું.
ઈ.સ. ૧૯૦૦ના અરસામાં ગોધરામાં પ્લેગ ફાટી નીકળ્યો. પ્લેગની ઝપટમાં આવેલા એક પરિચિતની સેવા કરતાં વલ્લભભાઈને પણ પ્લેગનો ચેપ લાગ્યો. કોઈનું સાંભળ્યું નહીં. ઘરવાળાંને કરમસદ મોકલી દીધાં. પોતે એકલા રહ્યા. પ્લેગ મટ્યો નહીં ત્યાં સુધી નડિયાદમાં એકાંતવાસ કર્યો. આ પ્રસંગ તેમની હિમત અને સ્વભાવની લ્લઢતાનો પરિચય કરાવે છે.
ફોજદારી કેસ ચલાવવા એટલે કે લડાયક અને ધારદાર વકીલનું કામ. વલ્લભભાઈ તે માટે તૈયાર હતા. ફોજદારી વકીલ પાસે માનવસ્વભાવની સૂઝબૂઝ જોઈએ, ઊલટતપાસની આવડત જોઈએ અને બેધડક સામનો કરવાની શક્તિ જોઈએ. આ બધા ગુણો ધરાવતા વલ્લભભાઈ થોડા જ સમયમાં અગ્રણી ફોજદારી વકીલ તરીકે ઝળક્યા.
ફોજદારી વકીલાત વલ્લભભાઈના સ્વભાવ અને આવડતને અનુકૂળ હતી. ફોજદારી કેસોમાં બીજો ફાયદો એ કે કેસનો ફેંસલો જલદી આવે અને ફીની રકમ ઝડપથી મળે. સારી ફી પણ મળે. વલ્લભભાઈને પૈસાની વહેલી જરૂર હતી. આગળ ભણવાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવી હતી. બેરિસ્ટર બનવા માટે ઇંગ્લેન્ડ જવું હતું.
ફોજદારી વકીલાતમાં વલ્લભભાઈનો ડંકો વાગ્યો. પોલીસતંત્ર અને સરકારી વકીલો પણ તેમની ધારદાર દલીલોથી ગભરાવા લાગ્યા. બોરસદમાં તેમણે હાથ ધરેલા મોટાભાગના ફોજદારી કેસોમાં સરકારનો પરાજય થતો અને આરોપીઓ છૂટી જતા. કેટલાક જીવનચરિત્રોમાં તેમની સફળતાનું પ્રમાણ નેવું ટકા જેટલું હોવાનું પણ વર્ણવાયું છે.
આથી છેક મુંબઈ સુધી એનો પડઘો પડ્યો. બોરસદથી કોર્ટનું મથક હટાવી આણંદમાં લઈ ગયા. આશા એવી કે બોરસદથી એટલે દૂર વલ્લભભાઈ રોજેરોજ આવી શકે નહીં. કેટલાક વકીલોએ સહિયારો ટાંગો રાખ્યો, પણ વલ્લભભાઈ જેનું નામ! એમણે તો સ્વતંત્ર ટાંગો રાખ્યો. પોતાના ગુમાસ્તા સાથે એકલા ટાંગામાં આવે, કાયદાનાં થોથાં લાવે અને કેસ ચલાવે.
કોર્ટ આણંદ ખસેડવાનો સરકારનો મકસદ પૂરો ન થયો. અંતે કોર્ટ પાછી બોરસદ આવી ગઈ.
ફોજદારી વકીલાતમાં વલ્લભભાઈના સિક્કા પડતા. સામેવાળા વકીલની દલીલોની ધૂળ કાઢી નાખે. સાચી વાતમાં ન્યાયાધીશોની પણ શરમ ન રાખે. જરૂર પડે તો તેમને પણ ખખડાવી નાખે. મોટા હોદ્દા કે ગોરા સાહેબોના દબદબાથી તેઓ ગભરાતા નહીં.
કાયદા સાથે સંકળાયેલા વર્ગની અને જજોની શેખી ઘણી વાર ભારે હોય છે. વકીલે કાળો કોટ, સફેદ બેન્ડ અને મોટો ઝૂલતો કાળો ગાઉન પહેરવો પડે. તેમાં કંઈ ચૂક થાય તો જજસાહેબ કહેશે : ‘હું તમને નિહાળતો નથી!'
કાળું કાળું જ જોવા જોઈએ ને? અને પાછો ન્યાય તો આંધળો!
હજી હમણાં સુધી મુંબઈની કોર્ટમાં એક ન્યાયાધીશ પોતાની નીચે બેઠેલા શિરસ્તેદાર પાસે નાનું ટાઇપ કરેલું પૂંઠાનું પાટિયું રાખતા. તેમાં લખેલું હોય (૧) ગાઉન બરાબર પહેરો, (૨) કોટનો રંગ જેટ બ્લેક નથી, (૩) બેન્ડ સરખો કરો, (૪) કોટનાં બટન બીડો વગેરે.
કોઈ નવોસવો વકીલ દલીલ કરવા ઊભો થાય ત્યારે જજસાહેબ પેન્સિલથી ‘ટકટક' કરી શિરસ્તેદારને સંકેત કરે. શિરસ્તેદાર પેલા નવાણિયા વકીલનું ધ્યાન દોરે. વકીલને કંઈ સમજાય નહીં. અંતે શિરસ્તેદાર ‘નંબર ચાર' પર આંગળી બતાવે ત્યારે વકીલને ખ્યાલ આવે. કોટનાં બટન બીડે, પછી જ જજસાહેબ તેને જુએ અને સાંભળે!
આવો રૂઢિચુસ્ત હોય છે કોર્ટનો માહોલ. તેમાં વલ્લભભાઈ પટેલ જેવા નીડર વકીલે એક બ્રિટિશ ન્યાયાધીશને પણ કોર્ટની શિસ્તનું ભાન કરાવ્યું હતું.(૪૦.૩૮)
પત્નીના મૃત્યુનો તાર વાંચીને ખિસ્સામાં મૂક્યોઃ કેસની દલીલો પૂરી કર્યા પછી જ દુઃખદ સમાચાર જાહેર કર્યા!
ઈ.સ. ૧૯૦૯માં વલ્લભભાઈ એક મહત્ત્વનો ફોજદારી કેસ ચલાવતા હતા. કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન તેમને એક તાર મળ્યો.
તેમણે તાર વાંચ્યો. એ તેમની પત્ની ઝવેરબાના મૃત્યુનો તાર હતો!
વલ્લભભાઈએ તાર વાંચીને ખિસ્સામાં મૂકી દીધો. કંઈ જ ન બન્યું હોય તેમ તેમણે કેસની ઊલટતપાસ અને દલીલો ચાલુ રાખી.
પોતાના અસીલને ન્યાય અપાવવાની ફરજને તેમણે એ ક્ષણે પ્રાધાન્ય આપ્યું. કેસની કાર્યવાહી પૂરી થઈ, ત્યારબાદ જ તેમણે પત્નીના અવસાનના દુઃખદ સમાચાર જાહેર કર્યા.
અંગત જીવનમાં આટલું મોટું દુઃખ આવી પડ્યું હોવા છતાં ફરજ પ્રત્યેની તેમની નિષ્ઠા અને મનોબળનો આ પ્રસંગ આજે પણ યાદ કરવામાં આવે છે.
આમ, નીડર, સ્પષ્ટવક્તા, શિસ્તપ્રિય અને ફરજાનિષ્ઠ વકીલ તરીકેની ખ્યાતિ ધરાવનારા સરદાર વલ્લભભાઈ પટેલે આગળ જતાં દેશના સ્વાતંત્ર્યસંગ્રામમાં અને સ્વતંત્ર ભારતના એકીકરણમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી.
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આ મહાન રાષ્ટ્રપુરુષને શત શત નમન!
અંગ્રેજ જજ ગાઉન પહેર્યા વગર આવ્યા તો વલ્લભભાઈએ કહ્યું: ‘આને હું કોર્ટ ગણતો નથી!'
ઉનાળાની ગરમીથી કંટાળેલા એક બ્રિટિશ ન્યાયાધીશ કાળો ગાઉન પહેર્યા વગર કોર્ટમાં આવી ગયા. વલ્લભભાઈને પોતાના કેસની દલીલો શરૂ કરવા કહ્યું.
ગંભીર વદને વલ્લભભાઈએ ઠપકો આપ્યોઃ ‘ન્યાયાધીશનો પહેરવેશ યોગ્ય નથી. આને હું કોર્ટ ગણતો નથી!'
એમ કહી તેઓ ચાલવા માંડ્યા. કોર્ટમાં સોપો પડી ગયો. વકીલો સ્તબ્ધ થઈ ગયા.
વકીલોને પણ બ્રિટિશ જજ જેટલી જ ગરમી લાગતી હતી, પણ તે બધા ગાઉનમાં હતા.
બ્રિટિશ જજ ઝંખવાણા પડી ગયા. પોતાનો ગાઉન પહેરવાની વ્યવસ્થા કરી. ત્યારબાદ જ વલ્લભભાઈએ પોતાના કેસની દલીલો શરૂ કરી.
આ પ્રસંગ વલ્લભભાઈની નિર્ભીકતા અને કોર્ટની શિસ્ત પ્રત્યેના તેમના આગ્રહનું લ્લષ્ટાંત બની રહ્યો.
બીજા એક કેસમાં કલેક્ટર જરા પીધેલી હાલતમાં હતા અને પોતાની ચેમ્બરમાં જ બેસી રહ્યા. તેમણે શિરસ્તેદાર પાસે કેસ ચલાવી લેવાની સૂચના મોકલી.
વલ્લભભાઈએ તેમને નીડરતાથી કહ્યું ‘હું શિરસ્તેદાર પાસે કેસ ચલાવવા નથી આવ્યો. કલેક્ટર પાસે કેસ ચલાવવા આવ્યો છું.'
ન્યાયનો સિદ્ધાંત છે કે ન્યાયિક કાર્ય બીજાને સોંપી કે સુપરત કરી શકાય નહીં. વહીવટી કામ સોંપી શકાય ખરું, પણ ન્યાયિક જવાબદારી જે અધિકારીની હોય, તેણે પોતે જ તે નિભાવવાની હોય.
વલ્લભભાઈના આ મક્કમ વલણથી બ્રિટિશ કલેક્ટરને પોતે કેસ સાંભળવા આવવું પડ્યું.
વલ્લભભાઈની વકીલાતની કારકિર્દીમાં આવા અનેક પ્રસંગો ટાંકી શકાય. તેઓ કદી નબળાને નીચાજોણું કરાવતા નહીં. મોટા માણસોથી કે ગોરા સાહેબોથી ગભરાતા નહીં. પોતે શિસ્ત પાળતા અને શિસ્તનો આગ્રહ રાખતા.
આલેખન
વિનોદ પાનેલીયા
એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ
મો. ૯૪૨૭૨ ૨૧૧૪૬

(3:43 PM IST)










