તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
નાણાવટી ચોક આવાસ ક્વાર્ટરમાં આબેદાબેન પીંજારા, તેના પતિ, પુત્ર પર પાડોશીઓનો હુમલોઃ ઘર પર પથ્થરમારો
ગાળો બોલવા મામલે ડખ્ખોઃ મુમતાઝબેન, તેના પતિ અસ્લમ, પુત્ર ભુરો, જમાઇ મેમણ, તેના ભાઇ અલ્તાફ સહિતે છરી-ધોકાથી ઇજા પહોંચાડી ઢીકાપાટુ પણ માર્યાઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૪: ગાંધીગ્રામ નાણાવટી ચોક આવાસ ક્વાર્ટરમાં રહેતાં દંપતિ પર પાડોશીઓએ હુમલો કરી ઘર ઉપર પથ્થરમારો કરી બારીમાં તોડફોડ કરતાં તેમજ છરી, ધોકાથી હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં અને મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે. આ દંપતિના દિકરા સાથે પાડોશીને ગાળો બોલવા મામલે માથાકુટ થયા બાદ આ ડખ્ખો થયો હતો.
બનાવની જાણવા મળેલી વિગત મુજબ આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે નાણાવટી ચોક આવાસ ક્વાર્ટર નં. ૨૩૬ બ્લોક નં. ૭માં રહેતાં આબેદાબેન હનીફભાઇ પીંજારા (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી તેના પાડોશીઓ મુમતાઝબેન, તેનો દિકરો ભુરો, તેના પતિ અલમભાઇ, તેણીનો જમાઇ મેમણ અને મેમણનો ભાઇ અલ્તાફ સામે ગુનો નોંધ્યો છે.
ફરિયાદની વિગતો મુજબ આબેદાબેન અને તેમના પતિ સાંજના સમયે ઘરની બહાર બેઠા હતા ત્યારે પાડોશી મુમતાજબેનનો દિકરો ભુરો ત્યાં આવ્યો હતો અને આબેદાબેનના મોટા દીકરા સદામને કોઈ કારણોસર ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. પુત્રને બચાવવા માટે જ્યારે આબેદાબેન અને તેમના પતિ વચ્ચે પડતાં વધુ ડખ્ખો થયો હતો. ઝઘડાની ખબર પડતા જ સામે પક્ષેથી મુમતાઝબેનનો પતિ અસ્લમ, જમાઈ મેમણ અને અલ્તાફ સહિતના લાકડાના ધોકા અને છરી સાથે ધસી આવ્યા હતા. આ ત્રણેય શખ્સોએ આબેદાબેનના પરિવારને બેફામ ગાળો દઇ તેમના ઘર પર બેફામ પથ્થરમારો કર્યો હતો.જેના કારણે બારીના કાચ તૂટી ગયા હતા. આટલેથી ન અટકતા મુમતાજબેને પણ ત્યાં આવીને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. આબેદાબેને મહિલાએ ગાળો બોલવાની ના પાડતા ભુરા અને મુમતાઝબેનના જમાઈ મેમણે આબેદાબેનના પતિને પકડીને ફરીથી ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કરી દીધું હતું. પતિને વધુ મારમાંથી છોડાવવા માટે જ્યારે આબેદાબેન ફરી વચ્ચે પડ્યા ત્યારે ફરી તેમને મારકુટ થઇ હતી. આ દરમિયાન ભુરાએ છરી કાઢી આ તમારી સગી નહિ થાય કહી આબેદાબેનને બાવડા પર ઘા ઝીંકી દીધો હતો. મેમણે લાકડાના ધોકા વડે આબેદાબેનના ડાબા હાથના પોંચા પર ફટકો માર્યો હતો. આ પછી હુમલાખોરોએ અહીં અમે કહીએ તેમજ ચાલશે, જો હવે કઈ બોલ્યા છો તો જાનથી પતાવી દઇશું તેવી ધમકી આપી હતી. આસપાસના લોકો એકઠા થતાં તમામ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છૂટયા હતા. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડકોન્સ. જી. એસ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:03 PM IST)










