<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

લગ્નના ૨૦ દિ' પહેલા આરતીનો આપઘાત

મવડી ચોકડી પાસે જલારામ સોસાયટીમાં બનાવઃ પરમાર-મોચી પરિવારમાં શોકની કાલીમાઃ જે દિકરીના લગ્નગીતો ગાવાની પરિવારે તૈયારી કરી હતી તેના મરશીયા ગાવાની વેળા આવીઃ માતા-પિતા સાંજે કંકોત્રી દેવા નીકળ્‍યા ત્‍યારે આરતીએ ઘઉંની ટીકડીઓ પી પંચરની દુકાને બેઠેલા ભાઇને ફોન કરી જાણ કરીઃ સારવારમાં ખસેડાઇ પણ જીવ ન બચ્‍યોઃ કારણ અકળઃ માલવીયાનગરના હેડકોન્‍સ. સારંગભાઇ ઓગાણીયાએ કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨: આત્‍મહત્‍યાની એક અરેરાટીભરી ઘટના રાજકોટમાં મવડી ચોકડી પાસેની જલારામ સોસાયટીમાં બની છે. ૨૭ વર્ષની જે યુવતિના આગામી ૨૧મી તારીખે લગ્ન હતાં તેણીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરમાર-મોચી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. જે દિકરીના લગ્નગીતો ગાવાની પરિવારે તૈયારી કરી હતી તેણીના મરશીયા ગાવાની કપરી વેળા આવી હતી. માતા-પિતા ગઇકાલે જ કંકોત્રી લખાતાં સગા કુટુંબીઓને આમંત્રણ આપવા માટે કંકોત્રી લઇને ગયા હતાં ત્‍યારે આ યુવતિએ ઝેરી ટીકડીઓ ખાઇ લીધી હતી. જેના કારણે મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ મવડી ચોકડી પાસે જલારામ સોસાયટી-૧માં રહેતી આરતીબેન રમણીકભાઇ પરમાર (ઉ.વ.૨૭) નામની યુવતિએ સાંજે સાડા સાતેક વાગ્‍યે ઘઉંમાં રાખવાની ટીકડીઓ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં માલવીયાનગરના હેડકોન્‍સ. સારંગભાઇ ઓગાણીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર આરતીબેન એક ભાઇ અને બે બહેનમાં મોટી હતી. તેના પિતા રમણીકભાઇ પરમારને પંચરની દુકાન છે. તેનો ભાઇ અભી પણ આ દુકાને બેસે છે. આરતીબેનની સગાઇ બીલખાના યુવાન સાથે થઇ હતી. આગામી ૨૧ જુનના રોજ તેના લગ્ન લેવાયા હતાં. ગઇકાલે જ લગ્નની કંકોત્રી લખાતાં તેણીના પિતા રમણીકભાઇ અને માતા સગા કુટુંબીઓને કંકોત્રી આપવા માટે સાંજે ગયા હતાં. આ વખતે આરતીબેન ઘરે એકલા હતાં. તેણે ઝેરી ટીકડીઓ પીધા બાદ પંચરની દુકાને બેઠેલા ભાઇ અભિને ફોન કરી પોતાની તબીયત સારી નથી તેમ કહેતાં ભાઇ તરત ઘરે પહોંચ્‍યો હતો.

ભાઇએ જોતાં આરતીબેન ઉલ્‍ટી ઉબકા કરતી હોઇ પૃછા કરતાં પોતે ઘઉંમાં રાખવાની ટીકડી પી ગઇ છે તેમ કહેતાં તુરત જ ભાઇએ માતા-પિતાને જાણ કરી હતી અને બહેનને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડી હતી. જો કે અહિ ટુંકી સારવાર બાદ મોડી રાતે તેણીએ દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. જે દિકરીના લગ્નગીતો ગાવાની તૈયારી કરી રાખી હતી તેના મરશીયા ગાવાની કપરી વેળા આવી જતાં પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી. આરતીબેને રાજીખુશીથી સગાઇ કરી હતી અને લગ્નની તૈયારીઓ પણ કરી રહી હતી. તેણીએ આ પગલુ શા માટે ભર્યુ તેનાથી પરિવારજનો અજાણ હોઇ અંતિમવિધી બાદ પોલીસ વિશેષ નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી કરશે. આ બનાવથી આડોશ-પાડોશમાં પણ ગમગીની વ્‍યાપી ગઇ છે.

(2:40 PM IST)