<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

વોર્ડ નં.૪માં પાણીની સુવિધા મજબૂત બનાવવા AAPની રજૂઆતઃ ૩૦ લાખ લિટરની નવી ESR સહિતના પ્રોજેક્‍ટની માંગ

કુવાડવા રોડ-મોરબી રોડ વિસ્‍તારમાં વધતી વસતીને ધ્‍યાનમાં રાખી વોટર ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર માસ્‍ટર પ્‍લાન તૈયાર કરવાની માંગ

રાજકોટ,તા.૧૯: શહેરના વોર્ડ નં. ૪માં વધતી વસતી અને ભવિષ્‍યની પાણીની જરૂરિયાતોને ધ્‍યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા મેયરને વિગતવાર રજૂઆત કરવામાં આવી છે. પાર્ટીના રાજકોટ પૂર્વના ઇન્‍ચાર્જ રાહુલ ભુવા દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં વિસ્‍તારમાં નવી પાણી પુરવઠા સુવિધાઓ ઉભી કરવાની માંગ કરવામાં આવી છે.

આ અંગે ‘આપ' એ પાઠવેલ પત્રમાં જણાવ્‍યુ હતું કે, કુવાડવા રોડ, મોરબી રોડ અને ગ્રીનલૅન્‍ડ ચોક આસપાસના વિસ્‍તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી સતત વિકાસ થઈ રહ્યો છે. નવા રહેણાંક પ્રોજેક્‍ટ, એપાર્ટમેન્‍ટ, ટાઉનશિપ અને વ્‍યાવસાયિક સંકુલોના કારણે વસતીમાં સતત વધારો થઈ રહ્યો છે. આગામી વર્ષોમાં પણ આ વિસ્‍તારોમાં મોટા પ્રમાણમાં વિકાસ થવાની શકયતા છે. જેના કારણે હાલની પાણી સંગ્રહ અને વિતરણ વ્‍યવસ્‍થા ભવિષ્‍યની જરૂરિયાતો માટે અપૂરતી સાબિત થઈ શકે છે.

આમ આદમી પાર્ટીએ મનપા સમક્ષ ૨૫થી ૩૦ લાખ લિટર ક્ષમતાની નવી એલિવેટેડ સર્વિસ રિઝર્વોયર (ESR) બનાવવાની માંગ કરી છે. ઉપરાંત આધુનિક બૂસ્‍ટર પમ્‍પિંગ સ્‍ટેશન, નવા વોટર ડિસ્‍ટ્રિબ્‍યુશન નેટવર્ક અને અન્‍ડરગ્રાઉન્‍ડ વોટર રિઝર્વોયરનું નિર્માણ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર વિસ્‍તાર માટે ઈન્‍ટિગ્રેટેડ વોટર ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર માસ્‍ટર પ્‍લાન તૈયાર કરી આગામી ૨૫ વર્ષની જરૂરિયાતોને ધ્‍યાનમાં રાખીને આયોજન કરવાની માંગ કરવામાં આવી છે.

AAPના જણાવ્‍યા મુજબ નવી ESR બનવાથી પાણી સંગ્રહ ક્ષમતામાં વધારો થશે, પાણીના દબાણ (વોટર ફોર્સ)માં સુધારો થશે, વિતરણ વ્‍યવસ્‍થા વધુ સ્‍થિર બનશે અને ભવિષ્‍યમાં વધતી વસતીને પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડવું સરળ બનશે. પાર્ટીએ માંગ કરી છે કે જ્‍યાં સુધી આ સુવિધાઓ કાર્યરત ન થાય ત્‍યાં સુધી વિસ્‍તારના નાગરિકોને પૂરતા દબાણ સાથે નિયમિત પાણી પુરવઠો મળી રહે તે માટે પણ જરૂરી પગલાં લેવામાં આવે.

પાર્ટીએ મનપા તંત્રને આ રજૂઆતને ગંભીરતાથી લઈ વિસ્‍તારના લાંબા ગાળાના વિકાસ અને નાગરિકોની સુવિધાને ધ્‍યાનમાં રાખી જરૂરી આયોજન અને કાર્યવાહી હાથ ધરવા અપીલ કરી છે.

(3:30 PM IST)