<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

જિલ્લા પંચાયત કચેરી સ્‍થળાંતર ખર્ચના વિવાદ બાબતે ‘આપ' સોમવારે ફરી તંત્રને ઢંઢોળશે

નવી કચેરીના બાંધકામની ગુણવતા બાબતે ગાજતા પ્રકરણ વચ્‍ચે વધુ એક રજુઆત આરતીબેન જેતાણીને ૧૫ દિવસમાં જવાબ આપવા સામાન્‍ય સભામાં અપાયેલ ખાતરીનું પાલન નહિ

રાજકોટ તા.૨૮: જિલ્લા પંચાયતની રેસકોર્ષ પાસેની જુની કચેરીના સ્‍થાને નવી કચેરી નિર્માણ પામી રહી છે. તેમાં નબળુ બાંધકામ થઇ રહયાના વિવાદ વચ્‍ચે આમ આદમી પાર્ટીના સભ્‍ય શ્રીમતી આરતીબેન નરેશભાઇ જેતાણી (મોવિયા)એ કચેરીના સ્‍થળાંતર ખર્ચના જુના વિવાદ બાબતે તંત્ર પાસે ફરી જવાબ માંગ્‍યો છે. તેઓ સોમવારે ડી.ડી.ઓ. અને પંચાયત પ્રમુખને મળી જવાબ આપવા રજુઆત કરશે. નવી કચેરીના કામની ગુણવતાની તપાસ માટે તેમણે ગાંધીનગર રજુઆત કરી છે.

આરતીબેન જેતાણીએ ૯ ઓકટોબર ૨૦૨૬ના દિવસે પ્રમુખને લેખિત રજુઆત કરેલ કે, તા.૨૧/૯/૨૬ની સામાન્‍ય સભાને ૧૮ દિવસનો સમય વીતી ગયો છે. ૧૫ દિવસમાં તપાસ રીપોર્ટ આવવાનો હતો. જો રીપોર્ટ આવી ગયો હોય તો રીપોર્ટની નકલ મોકલી આપવા વિનંતી છે. જો ૧૯ લાખ સિવાયના બિલનું ચુકવણુ કર્યુ હોય તો બિલની નકલ અને કઇ એજન્‍સીને કર્યુ છે તે લેખીતમાં વિગતવાર માહિતી આપો.

૨૧-૭-૨૫ની સામાન્‍ય સભામાં વિપક્ષ નેતાના પ્રશ્નના જવાબમાં ૧૯ લાખ સિવાયની બિલ વિકાસ કમિશનર પાસેથી માંગેલ ગ્રાન્‍ટમાંથી ચુકવવામાં આવશે. એવો જવાબ આપેલ છે એટલે બિલ તો બાકી જ છે એટલે કેટલા અને કઇ એજન્‍સીના બાકી છે તે લેખીતમાં મોકલી આપવા તથા કેટલા સમય મર્યાદામાં તપાસ પૂર્ણ થાશે અને બાકી બિલ ચુકવાશે તે માહિતી લેખીતમાં આપવી તેવી માંગણી છે.

આરતીબેન જેતાણીએ આજે જણાવેલ કે તા. ર૧ સપ્‍ટેમ્‍બરની સામાન્‍ય સભામાં મેં પ્રશ્ન પૂછતા જવાબદાર અધિકારીએ ૧પ દિવસમાં માહિતી આપવાનું જણાવેલ. તેના બદલે બે મહિનાથી વધુ સમય થઇ ગયો હોવા છતાં ખર્ચ અને ચૂકવણાની માહિતી આપેલ નથી. આ બાબતે અમે સોમવારે જિલ્લા પંચાયત કચેરી ખાતે જવાબ મેળવવા ફરી રજૂઆત કરશું. જો વહીવટી તંત્ર કે પ્રમુખ જવાબ ન આપે તો ત્‍યારપછી  આગળની કાર્યવાહી વિષે વિચારાશે

(12:02 PM IST)