News of Saturday, 26th September 2026
કુવાડવામાં આધારકાર્ડની કામગીરી ફરી શરૂઃ પાંચ ગામોમાં રાજકોટ જિલ્લાનો પીનકોડ લાગશે
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ સંજય પીપળીયાની સફળ રજુઆત

રાજકોટ, તા., ૨૬ : જિલ્લા પંચાયત પ્રમુખ સંજય પીપળીયા એ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે વહીવટી પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે યોજાતી જિલ્લા ફરિયાદ સંકલન બેઠકમાં રજૂ કરવામાં આવેલા મહત્વના પ્રશ્નો પૈકી અત્યંત જરૂરી બે પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ આવતા નાગરિકોમાં રાહતની લાગણી પ્રસરી છે. ગત ઓગસ્ટ માસમાં યોજાયેલી ફરિયાદ સંકલન બેઠકમાં વહીવટી તંત્ર સમક્ષ અસરકારક રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને કુવાડવા પોસ્ટઓફિસ ખાતે બંધ રહેલી આધારકાર્ડ કિટ્ પુનઃ શરૂ કરવા તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાંથી રાજકોટ જિલ્લામાં સમાવિષ્ટ થયેલા પાંચ ગામોના પિનકોડ અંગેનો પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો. કુવાડવા ખાતે આધારકાર્ડની કિટ્ બંધ હોવાથી સ્થાનિક નાગરિકોને આધારકાર્ડ સંબંધિત કામગીરી માટે રાજકોટ શહેર ખાતે જવાની ફરજ પડતી હતી. આ બાબતે કલેકટર કચેરી ખાતે ફરિયાદ સંકલન બેઠકમાં રજૂઆત કરવામાં આવતા હવે કુવાડવા પોસ્ટઓફિસ ખાતે આધારકાર્ડ કિટ્સ પુનઃ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાંથી રાજકોટ જિલ્લામાં સમાવિષ્ટ થયેલા જીવાપર (ગું.), બામણબોર,ગુંદાળા,ગારીડા અને નવાગામ (બા.) સહિતના પાંચ ગામોના પિનકોડ હજુ સુરેન્દ્રનગર જિલ્લાના હોવાથી સ્થાનિક લોકોને સરકારી યોજનાઓના લાભ મેળવવા સહિતની વિવિધ સરકારી અને વહીવટી કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ રજૂઆતને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવતા હવે આ પ્રશ્નનું પણ નિરાકરણ આવ્યું છે. પરિણામે આ પાંચ ગામોના રહેવાસીઓને સરકારી યોજનાઓના લાભ મેળવવા તેમજ અન્ય જરૂરી વહીવટી કામગીરીમાં પડતી મુશ્કેલીઓમાંથી રાહત થઈ છે આ બંને મહત્વના પ્રશ્નોનું નિરાકરણ લાવવા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને રાજ્ય સરકાર તથા પ્રભારી મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા વહીવટી તંત્ર રાજકોટનો આભાર માનીએ છીએ તેમ સંજય પીપળીયાએ જણાવ્યું છે
(11:31 AM IST)










