તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
રાજકોટના આંગણે સ્વધર્મ સ્ત્રી શિક્ષણ દ્વારા સ્ત્રીઓની મહાન ગાથા ગાતી યુવતી અને બાલિકા શિબિરનું ભવ્ય આયોજન
મહર્ષિ પરાશરના સ્ત્રી શિક્ષણના વિચારને સાર્થક કરવા ૧૩ થી ૪૦ વર્ષની બહેનો માટે સંવાદ અભ્યાસ અને શારીરિક શિક્ષણના ત્રિવેણી સંગમ સમાન વિશેષ વર્ગ

રાજકોટ:રાજકોટના આંગણે સ્વધર્મ સ્ત્રી શિક્ષણ દ્વારા એક વિશેષ અને પ્રેરણાદાયી 'યુવતી-બાલિકા શિબિર'નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સ્ત્રીને એક અલગ જ પ્રકારનું શિક્ષણ મળવું જોઈએ તેવા મહર્ષિ પરાશરના ઉમદા વિચારને કેન્દ્રમાં રાખીને આ શિક્ષણ વર્ગ દ્વારા સ્ત્રીઓની મહાન ગાથાની ઝાંખી કરાવવામાં આવશે. પુનરુત્થાન અને સંસ્કારના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ શિબિરમાં સ્ત્રી સશક્તિકરણના વિવિધ પાસાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ શિબિર આગામી તારીખ ૨ અને ૩ મે ૨૦૨૬, શનિવાર તથા રવિવારના રોજ સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી યોજાશે. શિબિરનું સ્થળ 'ઉમા સદન', ઉમા પાર્ક શેરી નંબર ૩, આલાપ એવન્યુની બાજુમાં, બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ પાછળ, ભગવતસિંહ ગાર્ડન રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવ્યું છે. આ શિબિરમાં ૧૩ થી ૪૦ વર્ષની કોઈપણ યુવતી કે સ્ત્રીઓ ભાગ લઈ શકશે.
શિબિરના મુખ્ય આકર્ષણો અને વિષયો:
આ શિબિરને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે, જેમાં જ્ઞાન અને કૌશલ્યનો સમન્વય જોવા મળશે:
સંવાદ વિભાગ: આ વિભાગમાં સ્ત્રી સશક્તિકરણની યુવા દ્રષ્ટિ, વાસ્તવિકતા અને ભ્રમ જેવા વિષયો પર ગહન ચર્ચા કરવામાં આવશે. સ્ત્રીને પુરુષ સમોવડી બનાવવાનો નાદ સ્ત્રી માટે ઘાતક છે કે વરદાન તે બાબતે ચિંતન કરવામાં આવશે. આ ઉપરાંત, સ્ત્રી અને સ્ત્રીત્વ તેમજ યુવા સ્ત્રીના ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળના કોયડાઓ અને તેના સમાધાન વિશે સંવાદ યોજાશે.
અભ્યાસ વિભાગ: અહીં બાલિકા, કુમારિકા, યુવતી, નારી અને જયાથી વિજયા સુધીની સફર દ્વારા જગતને સુંદર અને સુખી બનાવતી નારીશક્તિનો અભ્યાસ કરાવાશે. વર્તમાન જગતનું સંતુલન અને કલ્યાણ કેવી રીતે યુવતી પર આધારિત છે તે સમજાવવામાં આવશે. કુટુંબ, અર્થ, સમાજ, શિક્ષણ, રાજનીતિ, ધર્મ, પર્યાવરણ, મીડિયા અને મનોરંજન જેવા ક્ષેત્રોમાં સ્ત્રીઓની ભૂમિકા અને આદર્શો વિશે માર્ગદર્શન અપાશે. સાથે જ સ્ત્રી વિજ્ઞાન, મનોવિજ્ઞાન અને તત્વજ્ઞાન પર પણ પ્રકાશ પાડવામાં આવશે.
શારીરિક વિભાગ: આ વિભાગમાં ભારતીય રમતો, યુવતીઓ અને સ્ત્રીઓ માટે આવશ્યક યોગ-પ્રાણાયામ તથા સ્ત્રીઓના રોગોને નિર્મૂળ કરતો સક્ષમ યોગ શીખવવામાં આવશે. વિશેષ રૂપે યુવા સ્વરક્ષા માટે માર્શલ આર્ટની તાલીમ પણ આપવામાં આવશે.
કેળવણીકાર પુનદ્રી સ્ત્રી શિક્ષણના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં જોડાવા ઈચ્છતી બહેનોએ વોટ્સએપ દ્વારા પોતાનું પૂરું નામ, વિસ્તાર અને ઉંમર લખીને નોંધણી કરાવવાની રહેશે. સ્વરક્ષા વર્ગમાં ભાગ લેવા ઈચ્છતા બહેનોએ બંને દિવસ સવારે ૭ વાગ્યે હાજર રહેવું અનિવાર્ય છે. શિબિરાર્થીઓએ સાથે નોટબુક, પેન, પાણીની બોટલ અને અન્ય આવશ્યક ચીજો લાવવાની રહેશે.
વધુ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક નંબર ૮૭૩૫૯૫૯૧૮૭ અને ૯૯૨૫૪ ૫૪૦૪૪ પર સંપર્ક કરી શકાય છે. આયોજકો દ્વારા વધુમાં વધુ બહેનોને આ શિબિરમાં જોડાઈને સ્વયંને સાચા અર્થમાં જાણવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(10:05 PM IST)










