<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

યુવાને ધંધાની મંદી અને ઘરનો કંકાશ દૂર કરાવવાની વિધી માટે મકાન પર લોન લીધીઃ ૨૯.૨૦ લાખનો ચૂનો

પક્ષીની ચણ નાંખતી વખતે પરિચય કેળવી, મિત્રતા બાંધીઃ પછી સસ્‍તા સોનાની લાલચ અને કન્‍ટ્રકશનમાં રોકાણના નામે ફ્રોડ કર્યુ : ઉદયનગરમાં રહેતાં કનકભાઇ પરમાર સાથે ગાંધીગ્રામના જયદિપ વાઘેલાની ઠગાઇઃ તારા પર કોઇએ મેલીવિદ્યા કરી છે, ઉજ્જૈનમાં મારા જાણીતા સાધુ પાસે વિધી કરાવી દઇશ કહીને નાણા ખંખેર્યાઃ માલવીયાનગર પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં એએસઆઇ કેતનભાઇ પટેલે તપાસ આદરી

રાજકોટ તા. ૧૪: શહેરના ઉદયનગરમાં રહેતાં અને અગાઉ ફૂટવેરની દુકાન ચલાવતાં તેમજ હાલમાં મેટોડા કંપનીમાં મજુરી કરતાં યુવાનને તેની જ જ્ઞાતિના ગાંધીગ્રામમાં રહેતાં શખ્‍સે મિત્રતા કેળવી સસ્‍તા સોનાની લાલચ આપી ૮૫ હજારનું રોકાણ કરાવડાવી  નફા સહિત ૧ લાખ મળ્‍યા છે એવુ કહી આ રકમ કન્‍ટ્રકશનમાં રોકાણ કરી દીધાનું અને વધુ રોકાણ કરવાથી નફો મળશે કહી લાખો રૂપિયા મેળવી લઇ તેમજ છેલ્લે યુવાનને ધંધામાં મંદી આવી જતાં, ઘરમાં કંકાશ થતાં આ કહેવાતા મિત્રએ તારા ઉપર મેલીવિદ્યા છે, ઉજ્જૈનમાં વિધી કરાવવી પડશે કહી પાંચ લાખ માંગતાં યુવાને રકમ ન હોઇ મકાન ઉપર અને પર્સનલ લોન લઇ રકમ આપી દીધી હતી. પરંતુ કુલ ૨૯,૨૦,૦૦૦ આ રીતે પડાવી લીધા પછી કોઇ વિધી ન કરાવતાં કે કન્‍ટ્રક્‍શનના રોકાણના નામે કોઇ નફો નહિ આપતાં ફરિયાદ થઇ છે.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે મવડી ઉદયયનગર-૧ શેરી નં. ૧૬માં રાજુભાઇ બોરીચાના મકાનમાં ભોડેથી રહેતાં કનકભાઇ કિશોરભાઇ પરમાર (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી ગાંધીગ્રામ લાખના બંગલા પાસે અક્ષરનગર ઓમ વસંત એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં. ૧૦૩માં રહેતાં જયદીપ વાઘેલા વિરૂધ્‍ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કનકભાઇ પરમાર પરિવાર સાથે રહે છે અને પાંચ છ દિવસથી જ મેટોડા જીઆઇડીસીમાં કંપનીમાં મજુરી કામે જોડાયા છે. અગાઉ તે માયાણી ચોકમાં બેકબોન શોપીંગ સેન્‍ટર પાસે પરમાર ફૂટવેર નામે દૂકાન ચલાવતાં હતાં. પરિવારમાં પત્‍નિ, ચાર ભાઇઓ છે. માતા-પિતા મવડી ચોકડીએ રહે છે. કનકભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે આજથી આશરે આઠ વર્ષ પહેલાં આમ્રપાલી ફાટક પાસે પક્ષીઓને ચણ નાખતી વેળાએ તેમની ઓળખાણ જયદીપ જગદીશભાઈ વાઘેલા સાથે થઈ હતી. જયદીપ પણ તેમની જ જ્ઞાતિના હોવાથી બંને વચ્‍ચે મિત્રતા બંધાઈ હતી. જાન્‍યુઆરી-૨૦૨૫માં જયદીપ કનકભાઈની દુકાને ગયો હતો. આ પછી તે અવાર-નવાર અહિ બેસવા આવતો હતો. એક દિવસે તેણે કહ્યુ઼ હતું કે-અત્‍યારે ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂ. ૯૫,૦૦૦ છે, પરંતુ તમારે ૧૦ ગ્રામ સોનું રૂ. ૬૫,૦૦૦માં જોઈતું હોય તો હું અપાવી દઉં. આ લોભામણી વાતોમાં આવી જઈને કનકભાઈએ હા પાડી હતી. શરૂઆતમાં જયદીપે રૂ. ૧ લાખનું રોકાણ કરવાનું કહેતા કનકભાઈએ પોતાની દુકાનેથી રોકડા રૂ. ૮૫,૦૦૦ આપ્‍યા હતા.

બાદમાં થોડા સમય પછી જયદીપે  ફોન પર જણાવ્‍યું કે તમારા રૂ. ૮૫,૦૦૦ ના રૂ. ૧,૦૦,૦૦૦ થઈ ગયા છે! આથી કનકભાઇએ પોતાના આ રૂપિયા પાછા માંગતા જયદિપે કહેલું ક હાલમાં હું કન્‍સ્‍ટ્રક્‍શનનું કામ કરુ છું, તેમાં તમારા રૂ. ૧ લાખનું રોકાણ કરી નાખ્‍યું છે. તમારી પાસે બીજા રૂપિયા હોય તો તે પણ રોકાણ માટે આપો, હું તમને નફો કમાવીને નવું મકાન લઈ આપીશ.  કનકભાઈને પોતાના પર શંકા ન જાય તે માટે જયદીપે પોતાની આઈડીબીઆઈ બેંકનો રૂ. ૧૫,૦૦,૦૦૦નો ચેક ભરોસા માટે આપી દીધો હતો.

આ પછી વિશ્વાસમાં આવીને કનકભાઈએ પોતાના અલગ-અલગ બેંક ખાતામાંથી તથા લોન કરીને  એચડીએફસી બેંક તથા સાઉથ ઇન્‍ડિયન બેંકના ખાતામાંથી જયદીપના માતા ભાવનાબેન જગદીશભાઈ વાઘેલા ના ખાતામાં ગૂગલ પે દ્વારા રૂ. ૬,૪૯,૦૦૦, આર.ટી.જી.એસ. દ્વારા રૂ. ૫,૫૦,૦૦૦,  તેમજ રોકડા રૂા. ૯,૩૬,૦૦૦ મળી  કુલ રૂ. ૨૧,૩૬,૦૦૦ કન્‍સ્‍ટ્રક્‍શનમાં રોકાણ માટે આપ્‍યા હતા

દરમિયાન કનકભાઈનો મોચી કામનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી ઘરમાં અવારનવાર કંકાશ રહેતો હતો. આ વાતની જાણ થતા ભેજાબાજ જયદીપે કનકભાઇને કહેલું કે તારા પર કોઈએ મેલી વિદ્યા કરાવેલ છે, ઉજ્જૈનમાં મારા જાણીતા સાધુ પાસે તેની વિધિ કરાવી પડશે જેના રૂ. ૫,૦૦,૦૦૦ ખર્ચ થશે. કનકભાઈ પાસે આટલા પૈસા ન હોવાથી જયદીપે મકાન પર લોન લેવાની સલાહ આપી હતી. જેથી કનકભાઈએ પોતાના મકાન પર એસ.એમ.એફ.જી. ઇન્‍ડિયા ગો ફાઇનાન્‍સમાંથી રૂ. ૪,૦૦,૦૦૦ ની લોન અને એચડીબી ફાઇનાન્‍સમાંથી રૂ. ૩,૦૦,૦૦૦ ની પર્સનલ લોન કરી હતી. આમાંથી રૂ. ૫ લાખ ઉજ્જૈનની વિધિ માટે અને રૂ. ૨ લાખ જયદીપને પોતાને પણ વિધી માટે જોઇતા હોઇ તેને હાથ ઉછીના દીધા હતાં. આ રીતે કુલ રૂ. ૭,૦૦,૦૦૦ આપ્‍યા હતા. આમ  વિધિ અને કન્‍સ્‍ટ્રક્‍શનના બહાને કુલ રૂ. ૨૯,૨૦,૦૦૦  પડાવી લેવામાં આવ્‍યા હતા.

વિધી કરાવવા માટે જયદિપે કનકભાઇ અને તેના પત્‍નિના ફોટા પણ માંગ્‍યા હતાં. જો કે બાદમાં કોઇ વિધી કરાવી આપી નહોતી. આ બાબતે પુછતાં અલગ અલગ જવાબો આપતો હતો. છેલ્લે તો જયદિપે કનકભાઇનો મોબાઇલ નંબર જ બ્‍લોક કરી દીધો હતો. અને રકમ આપવાનો ઇન્‍કાર કરી દીધો હતો. આથી કનકભાઇને પોતાની સાથે ઠગાઇ થયાની ખબર પડી હતી. માલવીયાનગર પોલીસને ાજણ કરતાં પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં હેડકોન્‍સ. એચ. સી. ઓગાણીયાએ ગુનો નોંધતાં એએસઆઇ કેતનભાઇ નિકોલાએ તપાસ હાથ ધરી છે.

(4:07 PM IST)