News of Friday, 27th November 2026
જંકશન પ્લોટમાં ભાડેથી રહેતાં શાપરના યુવાનનું ત્રીજા માળેથી પટકાતાં મોત
લોકોના ટોળા ઉમટી પડયાઃ ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતાં ૩૦ વર્ષના દિલીપભાઇ રાઠોડે ઘટના સ્થળે જ દમ તોડી દીધોઃ પરિવારજનોમાં ગમગીની

તસ્વીરમાં ઘટના સ્થળ, એકઠા થયેલા લોકો, કાર્યવાહી માટે પહોંચેલી પોલીસ જોઇ શકાય છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૨૭: શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં ભાડાના ફલેટમાં રહેતો શાપરનો ૩૦ વર્ષનો યુવાન સવારે ત્રીજા માળેથી નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં કમકમાટી ભર્યુ મોત થયું છે. આ યુવાન ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો. બનાવની જાણ થતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ જંકશન પ્લોટમાં ગેબનશા પીરની દરગાહ નજીક ગાયત્રી ડેરી પાસે આવેલા જય એપાર્ટમેન્ટ નામના બિલ્ડીંગના ત્રીજા માળેથી એક યુવાન પડી જતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. કોઇએ જાણ કરતાં ૧૦૮ પહોંચી હતી. તેના તબિબ નિમેષભાઇએ આ યુવાન મૃત્યુ પામ્યાની જાણ પોલીસ કન્ટ્રોલ રૂમમાં કરી હતી.
આ અંગેની જાણ પ્ર.નગર પોલીસમાં કરવામાં આવતાં એએસઆઇ શીતલબેન જોરા અને રાઇટર આકાશભાઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. પોલીસે વિશેષ તપાસ કરતાં મૃત્યુ પામનાર યુવાનના સગા સંબંધી પણ મળી આવતાં ઓળખ થઇ હતી. આ યુવાનનું નામ દિલીપભાઇ ગોરધનભાઇ રાઠોડ (ઉ.વ.૩૦) હોવાનું ખુલ્યું હતું. તે મુળ શાપર શાંતિધામના વતની હતાં. છેલ્લા કેટલાક મહિનાથી અહિ જંકશન પ્લોટમાં ભાડાના ફલેટમાં રહેતાં હતાં અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતાં હતાં. બનાવ આકસ્મિક છે કે આત્મહત્યાનો? તે અંગે પોલીસે તપાસ યથાવત રાખી છે.
(2:51 PM IST)










