News of Wednesday, 16th September 2026
દેવપુષ્પ મેડિકલ સ્ટોરના હુમલાખોરોને તાત્કાલિક પકડી કડક કાર્યવાહી કરો
રાજકોટ કેમિસ્ટ એસોસિએશન દ્વારા પોલીસ કમિશનર કચેરીએ ઉગ્ર રજૂઆત

રાજકોટ, તા. ૧૬ : રાજકોટના હનુમાન મઢી ચોક, રૈયા રોડ ખાતે આવેલ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં રવિવાર, તા. ૧૩ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૯ વાગ્યા આસપાસ ૬ અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી - હુમલો કરી, ઘણું બધું નુકસાન પહોંચાડીને ભયનો માહોલ સર્જી દીધો હતો.ત્યારબાદ હુમલાખોરો ભાગી ગયા હતા. આજે ૬૦ કલાક જેટલો સમય થયો હોવા છતાં પણ હુમલાખોરો પકડાયા નથી તેની વિરુદ્ધમાં કેમિસ્ટ એસોસિએશન રાજકોટ દ્વારા આજરોજ રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર શ્રી ને ઉગ્ર રજૂઆત કરી હુમલાખોરો ઝડપથી પકડાઈ જાય તેવી માંગણી કરવામા આવી હતી. આ હુમલાને કારણે દરેક વેપારી અસલામતી સાથે ભયનો માહોલ અનુભવી રહ્યાનું પણ હોદ્દેદારો એ જણાવ્યુ હતું. રાત્રિના સમયે થયેલા અચાનક હુમલાને કારણે થોડી વાર માટે નાશભાગ થઈ પડી હતી અને સમગ્ર સ્ટાફ ભયભીત થઈ ગયો હતો. સાથે સાથે એક ટીવી,બાર કમ્પ્યુટર, ચાર સીસીટીવી ની તોડફોડ સહિત મેડિકલ સ્ટોર ની અન્ય મિલકતોને પણ લાખોનું નુકસાન પહોંચાડ્યું હતું. આ સંદર્ભે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવામાં આવે, તેમની સાથે કડક કાર્યવાહી કરવામાં આવે, હુમલા પાછળનો હેતુ જાણવામાં આવે અને દરેક વેપારીઓને પણ સલામતીનો અહેસાસ થાય તેવી રીતના દાખલારૂપ પગલાં લેવામાં આવે તે બાબતે પોલીસ કમિશનર કચેરી ખાતે ઉગ્ર રજુઆત કર્યાનું આજરોજ કેમિસ્ટ એસોસીએશન રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા અને મંત્રી શ્રી અનિમેષભાઈ દેસાઈ એ અકિલા ને જણાવ્યું હતું . બનાવ બાદ દેવપુષ્પ મેડિકલ સ્ટોરના પાર્ટનર પ્રગનેશભાઈ સૂચક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી.
(3:32 PM IST)










