News of Tuesday, 27th October 2026
કામ છે કહીને કણકોટથી મવડીમાં લાવી ધોકાવાળીઃ હિતેષના હાથ-પગ ભાંગી ગયા
પરિણીત યુવતિ સાથેના પ્રેમ પ્રકરણની શંકામાં હુમલો થયાનું કથન

રાજકોટ તા. ૨૭: શહરેના કાલાવડ રોડ પર કણકોટની ઓમ હાઉસીંગ સોસાયટીમાં રહેતાં હિતેષભાઇ કાનજીભાઇ વાજા (ઉ.વ.૩૯) નામના યુવાનને સવારે તેના ઘરેથી કામ છે કહીને મવડી વિસ્તારમાં અંકુર સ્કૂલ નજીક લાવી ધોકા-પાઇપથી માર મારવામાં આવતાં હાથ-પગમાં ફ્રેકચર થઇ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે.
હિતેષભાઇ બે બહેન અને એક ભાઇમાં નાના છે અને પરિણીત છે. તેને સંતાનમાં એક દિકરો તથા એક દિકરી છે. પોતે ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્યું હતું કે મારે જુના પડોશીની દિકરી કે જે હાલ પરિણીત છે તેની સાથે પ્રેમ હોઇ અમે વાતો કરતાં હોઇ તેની જાણ તેના પરિવારજનોને થઇ ગઇ હતી. સવારે મને ઘરેથી કામ છે કહીને બહાર બોલાવી વાહનમાં બેસાડી મવડી વિસ્તારમાં લઇ જવાયો હતો અને બાદમાં યુવતિના સગાએ પાઇપથી ફટકાર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. જેમાં સંજયભાઇ, યશ સહિતે મારકુટ કર્યાની નોંધ કરાવાતાં પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
(3:24 PM IST)










