<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

ગુજરાતી ફિલ્મ ‘ધબકારો’માં માફીના મહિમાની અનોખી વાત

બોલીવુડના સાજિદ નડિયાદવાલાની ગુજરાતી સિનેમામાં ધમાકેદાર એન્‍ટ્રી : ફિલ્‍મના દિગ્‍દર્શક અને યુવા અભિનેતા અકિલાની મુલાકાતે આ ફિલ્‍મ તમને જેટલું હસાવશે તેનાથી પણ વધુ ભાવુક કરીને રડાવી પણ દેશે, દિગ્‍ગજ અભિનેતા દેવેન ભોજાણી જમાવટ કરે છે, ફિલ્‍મના ક્‍લાઇમેક્‍સનું દ્વારકાના મંદિરે શુટીંગ, કીર્તિદાન ગઢવી અને આમિર મીરે પણ ગીતો પીરસ્‍યા છે : અભિષેક શાહ, આર્જવ ત્રિવેદી

રાજકોટ : ગુજરાતી સિનેમા જ્‍યારે વૈશ્વિક સ્‍તરે ડંકો વગાડી રહ્યું છે, ત્‍યારે બોલીવુડના દિગ્‍ગજ નિર્માતા સાજિદ નડિયાદવાલા (નડિયાદવાલા ગ્રાન્‍ડસન એન્‍ટરટેઈનમેન્‍ટ) પ્રથમ વખત ગુજરાતી ફિલ્‍મ ઉદ્યોગમાં પદાર્પણ કરી રહ્યા છે. તેમની પ્રથમ ગુજરાતી ફિલ્‍મ ‘ધબકારો'૧લી મે - ગુજરાત સ્‍થાપના દિવસના રોજ રિલીઝ થઈ છે. આ ફિલ્‍મના પ્રમોશન અર્થે ફિલ્‍મના કલાકારો અને દિગ્‍દર્શકની ટીમે ‘અકિલા' કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. આ તકે નેશનલ એવોર્ડ વિજેતા ડાયરેક્‍ટર અભિષેક શાહ અને યુવા સુપરસ્‍ટાર ‘આર્જવ ત્રિવેદી'એ ફિલ્‍મ અંગે દિલ ખોલીને વાતો કરી હતી.

ડિરેક્‍ટર ‘અભિષેક શાહ' અને અભિનેતા‘આર્જવ ત્રિવેદી'એ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, ફિલ્‍મનું શૂટિંગ માત્ર ૩૦ દિવસના ટૂંકા ગાળામાં પૂર્ણ કરવામાં આવ્‍યું છે. ફિલ્‍મની ભવ્‍યતા માટે દુબઈ, ગાંધીનગર, પાલીતાણા, ભુજ અને દ્વારકા જેવા સ્‍થળોની પસંદગી કરાઈ હતી. ખાસ કરીને ફિલ્‍મનો ક્‍લાઈમેક્‍સ ભગવાન દ્વારકાધીશના જગતમંદિરે શૂટ કરવામાં આવ્‍યો છે, જે દર્શકો માટે ભક્‍તિસભર અનુભવ બની રહેશે.

ફિલ્‍મમાં સંગીત પક્ષે પણ ભારે મહેનત કરવામાં આવી છે. આ ફિલ્‍મમાં કુલ ચાર ગીતો છે. લોકગાયક કીર્તિદાન ગઢવીના અવાજમાં ‘મુરલીધર' ગીત અત્‍યારે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે. ઉપરાંત, જાણીતા ગાયક ઓસમાણ મીરના પુત્ર ‘આમિર મીરે' એક સુંદર કવાલીને પોતાનો અવાજ આપ્‍યો છે. ફિલ્‍મની વાર્તા અંગે વાત કરતા ‘અભિષેક શાહે' જણાવ્‍યું કે, ‘‘આ ફિલ્‍મ ‘માફી' એટલે કે ક્ષમાના ગુણ પર આધારિત છે. અત્‍યંત હળવાશથી ગંભીર વાત સમજાવતી આ ફિલ્‍મ દરેક ગુજરાતીના હૃદયને સ્‍પર્શશે.''

અભિનેતા આર્જવ ત્રિવેદીએ ઉમેર્યું હતું કે,‘‘આ ફિલ્‍મ એક રોલરકોસ્‍ટર રાઈડ જેવી છે. આ ફિલ્‍મ તમને જેટલું હસાવશે, તેનાથી વધુ ભાવુક કરીને રડાવી પણ દેશે. દેવેન ભોજાણી જેવા લેજન્‍ડરી કલાકાર સાથે કામ કરવું એ મારા માટે એક લર્નિંગ એક્‍સપિરિયન્‍સ રહ્યો છે.''

સીરિયલ અને ફિલ્‍મોના જાણીતા ચહેરા દેવેન ભોજાણીએ રાજકોટના આતિથ્‍ય અને એનર્જીના વખાણ કરતા જણાવ્‍યું હતું કે, આ ફિલ્‍મ સંબંધોની ગૂંથણી છે. રાજકોટવાસીઓ હંમેશા ગુજરાતી કળાના કદરદાન રહ્યા છે, ત્‍યારે આ ફિલ્‍મને પણ ભરપૂર પ્રેમ મળશે તેવી આશા છે. અંતમાં સમગ્ર ટીમે સૌરાષ્‍ટ્રની જનતાને સપરિવાર સિનેમાઘરોમાં જઈ ‘ધબકારો' જોવા આગ્રહભરી વિનંતી કરી હતી.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ફિલ્‍મના દિગ્‍દર્શક અભિષેક શાહ અને યુવા અભિનેતા આર્જવ ત્રિવેદી નજરે પડે છે.

(2:50 PM IST)