તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
રાજકોટના આંગણે લંકાની લાડલીનો અનોખો મેળાવડોઃ પ્રવાસન ક્ષેત્રે નવો ઈતિહાસ રચવા શ્રીલંકા ટુરિઝમનો રોડ શો
સૌરાષ્ટ્રના પ્રવાસીઓને આકર્ષવા ફોર્ચ્યુન હોટેલ માં જામ્યો પ્રવાસન ઉદ્યોગના દિગ્ગજોનો મહાકુંભઃ આ વર્ષ ૩૦ લાખ આંતરરાષ્ટ્રીય સૈલાણીઓને આકર્ષવાનો લંકા સરકારનો મક્કમ નિર્ધાર ગત વર્ષે ભારતમાંથી રેકોર્ડબ્રેક ૫.૩૧ લાખથી વધુ પ્રવાસીઓએ રામના રામેશ્વર સામે છેડે આવેલા સુંદર ટાપુની મુલાકાત લીધીઃ વેડિંગ, લક્ઝરી અને ફેમિલી વેકેશન માટે રાજકોટ આઉટબાઉન્ડ પ્રવાસનનું મોટું કેન્દ્ર બન્યું

રાજકોટઃ ગુજરાતના સૌથી ઝડપથી વિકસતા આઉટબાઉન્ડ ટ્રાવેલ માર્કેટ એવા સૌરાષ્ટ્રના પ્રવાસીઓને આકર્ષવા અને પ્રવાસન વેપાર ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા માટે ે રંગીલા રાજકોટના આંગણે એક ભવ્ય અને એક્સક્લુઝિવ ‘ટાવેલ ટ્રેડ રોડશો અને નેટવર્કિંગ ઇવનિંગ'નું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બ્યુરો દ્વારા મુંબઈ સ્થિત શ્રીલંકાના કોન્સ્યુલેટ જનરલના વિશેષ સહયોગથી ફોર્ચ્યુન પાર્ક જેપીએસ ગ્રાન્ડ ખાતે આયોજિત આ હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટમાં શ્રીલંકા અને સૌરાષ્ટ્ર ક્ષેત્રના પ્રવાસન ઉદ્યોગના તમામ અગ્રણી હિસ્સેદારો એક જ મંચ પર એકત્રિત થયા હતા, જેના કારણે સમગ્ર હોલ પ્રવાસન જગતના દિગ્ગજોથી ઉભરાઈ ગયો હતો.
આ હાઈ-વોલ્ટેજ બિઝનેસ મેળાવડામાં પ્રવાસન અને ટ્રાવેલ ઉદ્યોગના ટોચના આગેવાનોએ પ્રાસંગિક સંબોધન આપીને બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બ્યુરોના આસિસ્ટન્ટ ડાયરેક્ટર કુમારી શિરાની હેરાથ, ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સૌરાષ્ટ્ર-કચ્છ ચેપ્ટરના ચેરમેન શ્રી દેવાંગ શાહ, ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા ના ગુજરાત ચેપ્ટરના ચેરમેન શ્રી દિલીપ મરસાણી અને શ્રીલંકા એસોસિએશન ઓફ ઇનબાઉન્ડ ટૂર ઓપરેટર્સ ના પ્રેસિડેન્ટ તેમજ શ્રીલંકા ટુરિઝમના બોર્ડ મેમ્બર શ્રી નલિન જયસુંદરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ શ્રીલંકન એરલાઇન્સના મહારાષ્ટ્ર અને ગુજરાતના સેલ્સ મેનેજર શ્રી સુમન ઉધયકુમારન તેમજ ફિટ્સ એરના સેલ્સ મેનેજર શ્રી ઇમ્તિયાઝ મુનશી દ્વારા આધુનિક કનેક્ટિવિટી અને ફ્લાઈટ સુવિધાઓ અંગેના શાનદાર પ્રેઝન્ટેશન્સ રજૂ કરવામાં આવ્યા હતા.
આ રોડશો પાછળનો મુખ્ય વ્યૂહાત્મક હેતુ ભારતીય બજારમાં શ્રીલંકાની પકડ વધુ મજબૂત કરવાનો અને ભારતમાં પ્રવાસન ક્ષેત્રે સૌથી ઝડપી વિકાસ દર ધરાવતા ગુજરાત રાજય સાથે વ્યાપારી સંબંધોનો નવો અધ્યાય શરૂ કરવાનો હોવાનું જણાવાયું હતું આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, શ્રીલંકાએ વર્ષ ૨૦૨૫માં રેકોર્ડબ્રેક ૨૩ લાખ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ આવકાર્યા હતા, જેમાં ભારત સૌથી મોટું સોર્સ માર્કેટ સાબિત થયું છે. ભારતે એકલા હાથે ૫,૩૧,૦૦૦થી વધુ પ્રવાસીઓનું યોગદાન આપ્યું હતું, જે શ્રીલંકાના કુલ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના પ્રવાહના આશરે ૨૩ ટકા જેટલું થવા જાય છે. આ મજબૂત દેખાવથી ઉત્સાહિત થઈને હવે શ્રીલંકા ટુરિઝમ ચાલુ વર્ષ ૨૦૨૬માં ૩૦ લાખથી વધુ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવાના બુલંદ લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યું છે.
ગુજરાતનું અગ્રણી વ્યાપારી અને ઔદ્યોગિક હબ ગણાતું રાજકોટ હવે ઇન્ટરનેશનલ લેઝર હોલિડેઝ, ડેસ્ટિનેશન વેડિંગ, ફેમિલી વેકેશન, લક્ઝરી ટ્રાવેલ અને કોર્પોરેટ જગતના માઇસ ટુરિઝમ માટે એક અત્યંત મહત્વપૂર્ણ આઉટબાઉન્ડ માર્કેટ તરીકે ધમધમી રહ્યું છે, જેને કારણે શ્રીલંકા અહીં પ્રચંડ સંભાવનાઓ જોઈ રહ્યું છે. આ રોડશો દરમિયાન હોટેલ્સ, વૈભવી રિસોર્ટ્સ અને ડેસ્ટિનેશન મેનેજમેન્ટ કંપનીઓ સહિત લંકાના અગ્રણી પ્રવાસન પ્રતિનિધિઓએ રાજકોટ અને સૌરાષ્ટ્રના ટ્રાવેલ એજન્ટો, ટૂર ઓપરેટરો, મીડિયા પ્રતિનિધિઓ અને પ્રખ્યાત ટુરિઝમ ઇન્ફ્લુએન્સર્સ સાથે વન-ટુ-વન બિઝનેસ બેઠકો યોજી સીધો સંવાદ સાધ્યો હતો. બીટુબી નેટવર્કિંગ, શ્રીલંકન કલ્ચરલ આર્ટિસ્ટ્સ દ્વારા રજૂ કરાયેલી પરંપરાગત સાંસ્કૃતિક નૃત્યોની રમઝટ, લકી ડ્રો, આકર્ષક ગિફ્ટ ગીવઅવેઝ અને ડિનર ડિપ્લોમેસી આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)(
(11:00 AM IST)










