તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
કાયમ શિખતા રહે એજ સાચા કલાકારઃ હર્ષવી નાગ્રેચા
નૃત્ય કલાર્પણને સમર્પિત ‘મીર કલા કેન્દ્ર'ને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ : મીર કલા કેન્દ્રના વિદ્યાર્થીઓએ કથ્થકની તાલીમ મેળવી અને ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું છે. * ૪ વર્ષથી લઇ ૬૦ વર્ષથી વધુની ઉંમરના અનેક વિદ્યાર્થીઓ ડાન્સની તાલીમ મેળવી રહ્યા છે. * હર્ષવીબેન કથ્થક નૃત્ય ઉપરાંત સેમી ક્લાસીકલ, ફ્રિ સ્ટાઇલ, ગરબા, ફોક, બોલીવુડ વગેરે ડાન્સ શિખવે છે. *તેઓ ૫૦ થી વધુ ડાન્સ ઇવેન્ટ કરી ચૂક્યા છે. પ્રસંગો માટેના ડાન્સ પર્ફોમન્સ પણ તેઓ શિખવે છે.

રાજકોટઃ ભારતીય શાસ્ત્રીય નૃત્ય શૈલિઓમાંની એક છે કથ્થક શૈલી. કથ્થક શબ્દ સંસ્કૃતના કથા શબ્દ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે ‘વાર્તા' અને કથક નો અર્થ થાય છે વાર્તા કહેનાર કે કરનાર કે વાર્તાને સંબંધિત. કથા કહે સો કથ્થક એવી કહેવત ઘણા ગુરુજન પોતાના વિદ્યાર્થીઓને કહે છે પણ તેનો અર્થ એમ પણ થાય છે, જેમાં કથા કહેવાય છે, તે છે કથ્થક'. ભારતીય શાષીય નૃત્ય કથ્થકને શીખનાર જયારે મંચ પર સૌની સમક્ષ પોતાના પહેલા પ્રદર્શન માટે તૈયાર થઈ જાય છે ત્યારે તેમના માટે એક કાર્યક્રમનું આયોજન કરાય છે જેને ‘રંગમંચ પ્રવેશ' કહેવાય છે. રાજકોટની દિકરી હર્ષવી મિહિરભાઈ નાગ્રેચાએ ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ તેની કલાના નિચોડ રૂપે કથ્થક નૃત્યની ભાવવાહી પ્રસ્તુતી કરી રંગમંચ પ્રવેશ કર્યો હતો. એ વખતે તેણીએ કહેલું કે તેનું સપનું એક સરસ મજાની કથક એકેડમી શરૂ કરવાનું છે. હર્ષવી નાગ્રેચાએ તા. ૬ એપ્રીલ ૨૦૨૫ ને રામનવમીના પાવન દિવસે સાર્થક સ્કવેર, ટફન ઝોનની ઉપર, એસ્ટ્રોન ચોક પાસે પોતાની કથ્થક એકેડમી ‘મીર કલા કેન્દ્ર' શરૂ કર્યું જેને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થયું. અકિલા ખાતે તેણીએ વિગતો આપી હતી.
પીએચડીની ડીગ્રી મેળવેલ ડો. હર્ષવી નાગ્રેચાએ કથક એકેડમીનું નામ મીર રાખ્યું છે. આ ‘મીર' શબ્દ તેણીના પિતા મિહિરભાઈ અને માતા રૂપાબેન ના પહેલા અક્ષર પરથી લીધો છે. જેનો બીજો અર્થ થાય છે કલાનો વિશાળ સમુદ્ર. બૃહદ ગુજરાત સંગીત સમીતિમાંથી ૭ વર્ષે વિશારદ કર્યા બાદ પછી શિક્ષા વિશારદ અને બે વર્ષ અલંકાર કર્યા બાદ હર્ષવીએ કથકમાં પીએચડીની ડીગ્રી પણ મેળવી લીધી છે. અકિલા ખાતે ડો.હર્ષવી નાગ્રેચાએ જણાવ્યું હતું કે, એક વર્ષમાં મારા માર્ગદર્શનમાં મીર કલા કેન્દ્રના વિદ્યાર્થીઓએ કથ્થકની તાલીમ મેળવી અને ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું છે. લગભગ ૨૦ વિદ્યાર્થીઓએ કથ્થકમાં પરિક્ષા આપી હતી અને સફળ થયા હતા. જોકે એક વર્ષમાં વિવિધ નૃત્ય કલામાં ૫૦ થી વધુ સ્ટુડન્ટ મીર કલા કેન્દ્રમાં હર્ષવીબેન પાસે તૈયાર થયા છે અને હાલ પણ ૪ વર્ષથી લઇ ૬૦ વર્ષથી વધુની ઉંમરના અનેક વિદ્યાર્થીઓ ડાન્સની તાલીમ મેળવી રહ્યા છે.
મીર કલા કેન્દ્રમાં ડો. હર્ષવી નાગ્રેચા ગુરૂ શિષ્ય પરંપરા મુજબ કથ્થક નૃત્ય ઉપરાંત વિવિધ ડાન્સ જેવાકે, સેમી ક્લાસીકલ, ફ્રિ સ્ટાઇલ, ગરબા, ફોક, બોલીવુડ વગેરે ડાન્સ શિખવે છે. પ્રસંગોપાત તેઓ ડાન્સ ઇવેન્ટ પણ કરે છે. તેઓ ૫૦ થી વધુ ડાન્સ ઇવેન્ટ કરી ચૂક્યા છે. પ્રસંગો માટેના ડાન્સ પર્ફોમન્સ પણ તેઓ શિખવે છે. તેણીએ કહ્યું કે, હું જે કથ્થક શિખી તે મીર કલા કેન્દ્રના માધ્યમથી ગુરૂ શિષ્ય પરંપરા મુજબ સમાજને આપી શકુ તેવા મારા પ્રયાસ છે. કલા એવી વસ્તુ છે જેમાં શીખવાનો અંત નથી આવતો. ઉલ્લેખનીય છે કે, હર્ષવી નાગ્રેચાએ અલંકારમાં કથ્થક પર બે મહાનિબંધ ‘કથ્થક નૃત્યનું સમાજમાં સ્થાન' અને ‘કથ્થક નૃત્યમાં ગુરૂ શિષ્ય પરંપરા અને સંસ્થાકિય પધ્ધતિ' પણ લખ્યા છે.
હર્ષવીબેન નાગ્રેચાના માતા રુપાબેન નાગ્રેચાએ જણાવ્યું હતું કે, પહેલા વેસ્ટર્ન જ શિખવું છે તેવો ટ્રેન્ડ આવેલો તે ખરાબ નથી પણ હવે લોકો ગુરૂ શિષ્ય પરંપરા મુજબ કથ્થકની તાલીમ લેવા આવે છે. મોટી ઉંમરના લોકો પણ તેનાથી નાની ઉંમરની ગુરૂ હર્ષવીને વંદન કરી પછીજ તાલીમ શરૂ કરે છે. કથ્થક શિખે છે તેની ફિટનેસ પણ એટલી સરસ જળવાઇ રહે છે. કથ્થકની શરૂઆતજ ઇશ્વર અને ગુરૂને વંદન કરવાથી થાય છે. અહિથીજ સંસ્કારની શરૂઆત થાય છે.
સાંજે ૫ થી ૮ મીર કલા કેન્દ્ર ખાતે કથ્થક અને અન્ય ડાન્સની તાલીમ આપતા હર્ષવી નાગ્રેચા કહે છે, ગુરૂ શિષ્ય પરંપરાથીજ કથ્થક આગળ વધારવું જોઇએ. હું મારા ત્રણ ગુરૂ પાસેથી જે શિખી છું એજ આગળ વધારવું છે. તેમાંય બેલેન્સ ખુબ અગત્યનું છે. વિદ્યાર્થીઓને ખુબ સરસ કરે છે કે ખુબ ખરાબ કરે છે તેવું કહેવા કરતા જે વિદ્યાર્થી વેસ્ટર્ન મુકી ક્લાસીકલ પસંદ કરે છે તેના પર બેલેન્સ બનાવવાનું હું શિખી છું. કલાની ભૂખ ક્યારેય મટતી નથી. મારા ગુરૂઓ કહે છે, ગુરૂ અને કલાકાર બંને અલગ વસ્તુ છે. ગુરૂ એટલે તમે ડીગ્રી મેળવી ક્લાસ ખોલી શિખવવા લાગ્યા એ બરોબર પણ સાચા કલાકાર એ છે જે કાયમ શિખતા રહે. હર્ષવી કહે છે ક્લાસ સહિત આખા દિવસમાં ૧૦ થી ૧૫ કલાક જેટલો રિયાઝ મારે થાય છે.
હર્ષવી નાગ્રેચાએ કથકની તાલીમની શરૂઆત સર્જન કથક કલાસીસના જેનીબેન પટેલ પાસેથી કરી. ત્યાર બાદ પરમ્ કથક ક્લાસીસના પલ્લવીબેન વ્યાસ પાસેથી તાલીમ મેળવી અને એ પછી કલાગુરૂ ડો. નિખીલભાઈ ભટ્ટ, શ્રીમતિ દિવ્યા ભટ્ટ અને ડો. કર્તવી ભટ્ટ પાસેથી તાલીમ મેળવી. ડો. હર્ષવી નાગ્રેચાને તેમની કથ્થક કલાર્પણમાં તેના દાદા વિજયભાઇ નાગ્રેચા, દાદી પ્રિતીબેન નાગ્રેચા, માતા-પિતા રૂપાબેન અને મિહિરભાઇ નાગ્રેચા તથા ભાઇ રૂમિત નાગ્રેચા તેમજ નાના નરેન્દ્રભાઇ નથવાણી, નાની સ્વ. સરોજબેન નથવાણીનો ખુબજ સહયોગ રહ્યો છે. હર્ષવી કહે છે મારા નાની સ્વ. સરોજબેનનું સપનું હતું કે હું કથ્થકમાં આગળ વધુ જે આજે સાકાર થયું. મારા કલા કેન્દ્રમાં મારા નાનીનો ફોટો પણ મેં રાખ્યો છે.
વધુ વિગત માટેઃ ડો. હર્ષવી નાગ્રેચા ‘મીર કલા કેન્દ્ર' સાર્થક સ્ક્વેર, ટફન ઝોનની ઉપર, એસ્ટ્રોન ચોક બ્રીજ પાસે, રાજકોટ સંપર્કઃ ૮૮૬૬૫૦૦૩૬૦ ઈન્સ્ટાગ્રામઃ @mir_kala_kendra.
સંસ્કૃતિ અને મૂલ્યો સાથે નૃત્યને આગળ વધારવાની ઇચ્છા
હાલનું જે કલ્ચર વેસ્ટર્ન તરફ જઇ રહ્યું છે ખાસ કરીને જેન-ઝીમાં તેને આપણા ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન દઇ આપણા મહાગ્રંથો જેમકે મહાભાર અને રામાયણ જે માત્ર આપણા સંસ્કારજ નહી આપણા મૂલ્યો પણ સમજાવે છે તેની સાથે નૃત્યને આગળ વધારવું છે. ડો. હર્ષવી કહે છે, કથ્થકમા ઘણી બધી થિયરી પણ આવે છે. જે થિયરીનો આજની જનરેશનને ખ્યાલજ નથી. રામ, કૃષ્ણ કે શિવના નામ સાંભળ્યા હોય પણ તેમના વિશેની વાર્તાઓ શું છે તેનો ખ્યાલ હોતો નથી. થિયરી બધાને વાંચવી ગમતી હોતી નથી એટલે નૃત્યમાં ગત ભાવ આવે છે જેમાં અલગ અલગ વાર્તા મુજબ પાત્રો હોય જેથી નૃત્યકારે નૃત્ય અને પાત્ર નિભાવતા પહેલા વાર્તા સમજવી પડે છે જેમાં મજા પણ આવે છે. આજની જનરેશન તે સમજે છે અને માતા-પિતા પણ તેના સંતાનને આ શિખવા માટે પ્રેરણા આપે છે. અને જે શિખે છે તેને આગળ વધુ શિખવાની તૃષા ચોક્કસ જાગે છે. ડો. હર્ષવી કહે છે જો ગુરૂનું સાચુ માર્ગદર્શન મળે તો યુવા પેઢી સંસ્કૃતિ અને મૂલ્યો સાથેના નૃત્ય તરફ ચોક્કસ વળે છે.
(1:04 PM IST)










