News of Friday, 29th May 2026
શ્રીમહાલક્ષ્મી જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠીયો ૩૫ હજારની બુટી ચોરી ગયો
મવડી મેઇન રોડ વિશ્વેશ્વર મહાદેવ મંદિર સામે બનાવ

રાજકોટ તા. ૨૯: શહેરના મવડી મેઈન રોડ પર આવેલી એક સોના-ચાંદીના દાગીનાની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા અજાણ્યા તસ્કર દ્વારા વેપારીની નજર ચૂકવી સોનાની બુટ્ટીની જોડીની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. ધોળા દિવસે બનેલી આ ચોરીની ઘટના અંગે પ્રહલાદ પ્લોટમાં રહેતા સોની વેપારીએ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદની વિગત મુજબ, શહેરના -હલાદ પ્લોટ શેરી નં. ૨૧ ધ્રુવીલ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા અશોકભાઈ પ્રતાપભાઈ નાંઢા (ઉ.વ.૫૧) મવડી મેઈન રોડ પર વિશ્વેશ્વર મહાદેવ મંદિરની સામે શ્રી મહાલક્ષ્મી જ્વેલર્સ નામથી સોના-ચાંદીની દુકાન ચલાવે છે. આ વ્યવસાયમાં તેમનો દીકરો મિહીર પણ તેમને મદદ કરાવે છે.૨૬/૪ના સાંજના સાડા છ વાગ્યાના અરસામાં અશોકભાઈ અને તેમનો દિકરો મિહીર દુકાને હાજર હતા, ત્યારે કેટલાક ગ્રાહકો સોનાના ઘરેણાં ખરીદવા માટે આવ્યા હતા. પિતા-પુત્ર બંને ગ્રાહકોને સોનાના અલગ-અલગ ઘરેણાં બતાવી રહ્યા હતા.
જ્વેલર્સની દુકાને આવેલા ગ્રાહકો દાગીના જોઈને ચાલ્યા ગયા બાદ, અશોકભાઈ કાઉન્ટર પર બહાર કાઢેલા તમામ ઘરેણાં વ્યવસ્થિત ચેક કરીને ફરી ડિસ્પ્લે બોક્સમાં અંદર ગોઠવી રહ્યા હતા. આ ગોઠવણી દરમિયાન તેમને ડિસ્પ્લેમાંથી સોનાની બુટ્ટીની એક જોડી ઓછી હોવાનું માલૂમ પડ્યું હતું. આથી પિતા-પુત્ર બંનેએ આખી દુકાનમાં, ખાનાઓમાં અને આજુબાજુ બધે જ બારીકાઈથી તપાસ કરી હતી, પરંતુ સોનાની તે બુટ્ટી કયાંય મળી આવી ન હતી. અંતે વેપારીને ખાતરી થઈ ગઈ હતી કે તેની દુકાને ખરીદીના બહાને જે ગ્રાહકો આવ્યા હતા, તેમાંથી જ કોઈ ભેજાબાજ ગઠિયો વેપારી અને તેના પુત્રની નજર ચૂકવીને ડિસ્પ્લેમાં રાખેલી સોનાની ૨ ગ્રામ ૩૬૦ મિલીગ્રામ વજનની ૨૨ કેરેટની કિંમત ૩૫,૦૦૦ની સોનાની બુટ્ટીની જોડી ચોરી કરીને રફુચક્કર થઈ ગયો છે. પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં એએસઆઇ એચ. ટી. પરમારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(3:48 PM IST)










