News of Thursday, 17th September 2026
નરેન્દ્રભાઇના જન્મદિને મનપાની સેવાકાર્યોની હારમાળા
શહેરના તમામ ૧૮ વોર્ડમાં રકતદાન કેમ્પ, ૧૧૯ સફાઈ કામદારોને નિમણૂક હુકમો તેમજ સામાકાંઠા વિસ્તારમાં MRF સેન્ટરનું લોકાર્પણ

રાજકોટ તા.૧૭: આજે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમજ ''વિકસિત ભારત ૨૦૪૭''ના સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી, આરોગ્ય, સ્વચ્છતા અને શહેરી વિકાસને કેન્દ્રસ્થાને રાખીને વિવિધ સેવાકીય તથા વિકાસલક્ષી કાર્યોનું આયોજન અને અમલીકરણ કરવામાં આવ્યું છે.
રાજકોટ શહેરના સર્વાંગી વિકાસ સાથે નાગરિકોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ, સ્વચ્છ પર્યાવરણ, સુદૃઢ માળખાકીય સુવિધાઓ તથા રોજગારલક્ષી તકો મળી રહે તે દિશામાં રાજકોટ મહાનગરપાલિકા સતત કાર્યરત છે. આ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આજે શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોપયોગી કામગીરીને વેગ આપવામાં આવ્યો છે.
બ્લડ ડોનેશન કેમ્પ
આ પ્રસંગે આજે તા.૧૭ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ સેવાકીય અને વિકાસલક્ષી કાર્યોમાં શહેરના તમામ ૧૮ વોર્ડમાં ૧૮ આરોગ્ય કેન્દ્રો ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.
સફાઇ કામદારોને
નિમણુંક હુકમો અપાયા
મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને સફાઈ કામગીરીને સુદૃઢ બનાવવા માટે ૧૧૯ સફાઈ કામદારોને નિમણૂકના ઓર્ડર આપવામાં આવ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ફરજ બજાવતા સફાઈ કામદારો મેડીકલ કારણોસર સ્વૈચ્છિક રાજીનામું આપે, ત્યારબાદ તેઓના મેડીકલ ચેક-અપના આધારે તેઓ કામગીરી કરવામાં અશકત માલુમ પડે, તો તેમના મેડીકલ સર્ટિફિકેટ અને પ્રાથમિક તપાસનાં આધારે ખાસ સમિતિ દ્વારા તેમનું સ્વૈચ્છિક રાજીનામું મંજુર કરી, તેમના કોઈપણ એક વારસદારને રહેમરાહે નોકરી આપવાની નીતિ જ.બો.ઠ.નં.૪૯ તા. ૨૭-૦૯-૨૦૧૨થી નિયત કરવામાં આવેલ છે.
હાલમાં આ ઠરાવની શરતોને આધીન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ ૧૧૯ સફાઈ કામદારના સ્વૈચ્છિક રાજીનામાં મંજુર કરેલ હોય, રહેમરાહે તેમના વારસદારોને હુકમ તારીખથી પાંચ વર્ષ સુધીના સમય માટે વર્ગ-૪ની જગ્યા ઉપર ''સફાઈ સહાયક'' તરીકે માસિક રૂ. ૨૧,૧૦૦/-નાં ફિકસ પગારથી આજ તા.૧૭-નાં રોજ મેયર નેહલભાઈ શુકલનાં હસ્તે નિમણુંક હુકમ આપવા કાર્યક્રમ યોજવામાં આવેલ છે.
સામાકાંઠે MRF
સેન્ટરનું લોકાર્પણ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઘન કચરા વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવા તથા કચરાના વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત સંચાલનને પ્રોત્સાહન આપવા માટે સામાકાંઠા વિસ્તારમાં કે. એસ. ડીઝલ રોડ ખાતે MRF (Material Recovery Facility) સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ MRF સેન્ટરનું લોકાર્પણ રાજકોટ મહાનગરપાલિકાના માનનીય મેયરશ્રી ડો. નેહલ શુકલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
MRF સેન્ટરનો મુખ્ય હેતુ કચરામાંથી પુનઃપ્રાપ્ય અને રિસાયકલ કરી શકાય તેવી સામગ્રીને અલગ કરીને તેના યોગ્ય વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવાનો છે. ઘન કચરા વ્યવસ્થાપનની પ્રક્રિયામાં કચરાનું વર્ગીકરણ, ઉપયોગી સામગ્રીનું પુનઃપ્રાપ્તિ કાર્ય તથા રિસાયકિંલગ માટેની વ્યવસ્થા મહત્વપૂર્ણ છે.
સેવા, સુશાસન અને
વિકાસના સંકલ્પ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અને ''વિકસિત ભારત ૨૦૪૭''ના સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા વિવિધ સેવાકીય અને વિકાસલક્ષી કાર્યો શહેરના નાગરિકોને કેન્દ્રમાં રાખીને હાથ ધરવામાં આવ્યા છે.
આરોગ્ય ક્ષેત્રે રકતદાન કેમ્પ, માળખાકીય વિકાસ માટે બોકસ કલ્વર્ટનું લોકાર્પણ, સ્વર્ણિમ ગ્રાન્ટ અંતર્ગત રૂ. ૯૦૦ કરોડની વિકાસલક્ષી દરખાસ્ત, સફાઈ કર્મચારીઓની નિમણૂક તથા ઘન કચરા વ્યવસ્થાપન માટે MRF સેન્ટરનું લોકાર્પણ—આ તમામ કામગીરીનો ઉદ્દેશ શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવાનો છે.
આજે ઉપરોકત કાર્યક્રમોમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુકલ, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ અને ભાનુબેન બાબરિયા, શહેર ભાજપ અધ્યક્ષશ્રી ડો. માધવભાઈ દવે, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા તેમજ વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
(3:33 PM IST)










