<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

શનિવારે લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્‍નેહમિલન અને સંગીત સંધ્‍યા યોજાશે

૧૯૬૬થી આજ સુધી શાળાના હજારો વિદ્યાર્થીઓએ અહિં ભણી પોતાની કારકીર્દી ઘડી છે : શ્રેષ્‍ઠ શિક્ષણ અને ઓછી ફીનો શાળાનો મંત્રઃ ૨૦૧૧માં બ્રિટીશ કાઉન્‍સીલ એવોર્ડથી શાળા સન્‍માનિત

રાજકોટ તા.૨૮: તા.૦૩-૧૦-૨૦૨૬ શનિવારે રાજકોટની જૂની અને જાણીતી શાળા શ્રી લાલબહાદુર શાસ્ત્રી બોયઝ વિદ્યાલયના પ્રાંગણમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્‍નેહમિલન અને સંગીત સંધ્‍યાનું આયોજન થયેલું છે.

મહાત્‍મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રી લાલબહાદુર શાસ્ત્રીબોયઝ વિદ્યાલયની સ્‍થાપના ઈ.સ.૧૯૬૬માં, શાસ્ત્રી મેદાન સામે, લીંબડીના ઊતારાના ઐતિહાસિક ભવન રાજકોટમાં થઈ. ગાંધીજીના શબ્‍દો  ‘‘બાળક અને માણસના શરીર, મન તથા આત્‍મામાં જે કંઈ શ્રેષ્ઠ છે તે બધુ બહાર આણવું તે શિક્ષણ'' આ પ્રમાણે શિક્ષણની વિભાવનાને સાકાર કરવા સ્‍વપ્નદષ્ટાઓ - રાજકોટના શિક્ષણ જગતના ગુરુ સ્‍વ.શ્રી લાભુભાઈ ત્રિવેદી, રાજકોટ મ્‍યુ.કો.ના પ્રથમ મેયર સ્‍વ. શ્રી રમેશભાઈ છાયા, લોહાણા મહાજનના ભૂતપૂર્વ પ્રમુખ, દાનવીર સ્‍વ. શ્રી જયંતીલાલ કુંડલિયા તથા રાજકોટ મ્‍યુ.કો.ની સ્‍ટેન્‍ડિંગ કમિટીના પ્રથમ ચેરમેન સ્‍વ.શ્રી અશ્વિનભાઈ મહેતા દ્વારા આ ટ્રસ્‍ટની સ્‍થાપના થઈ આ ટ્રસ્‍ટ દ્વારા આજે અનેક શાળા સંસ્‍થાઓ ચાલી રહી છે. આ ટ્રસ્‍ટનું હૈયું અને રાજકોટના હાર્દ સમા વિસ્‍તારમાં આવેલી સદા વિદ્યાર્થીઓથી ધમધમતી શાળા એટલે શ્રી લાલબહાદુર શાસ્ત્રીબોયઝ વિદ્યાલય.

પાયાના સ્‍વપ્નદ્દષ્ટાઓ પછી શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયને ટ્રસ્‍ટીશ્રી સ્‍વ.શ્રી મનસુખભાઈ, શ્રી ઉષાકાન્‍તભાઈ માંકડ, ડો. અલ્‍પનાબેન (હેલીબેન) ત્રિવેદી દ્વારા સતત માર્ગદર્શન મળતું રહ્યું. આજે આ શાળા વટ વૃક્ષ બનીને, શિક્ષણરૂપી પોતાનો છાંયો સમાજને આપે છે. હાલ-લીંબડીના ઉતારાની સામેના બિલ્‍ડિંગમાં બેસતી આ શાળા માત્ર રાજકોટની જ નહિ પરંતુ ગુજરાતભરમાં શિક્ષણ ક્ષેત્ર નામના ધરાવે છે. શ્રેષ્ઠ શિક્ષણ અને ઓછી ફીનો મંત્રને વરેલી આ શાળાએ તેના આરંભથી જ સમાજમાં આગવુ સ્‍થાન મેળવ્‍યું છે. ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીને પ્રથમ વર્ષે જ પ્રવેશ આપીને નવી શરૂઆત કરેલી. આજે પણ અઢાર વર્ગો ધરાવતી વિદ્યાર્થીઓથી ધમધમતી રાજકોટ શહેરની એક માત્ર ગ્રાન્‍ટેડ શાળા છે.

શાળા પ્રારંભે ટ્રસ્‍ટીઓએ વટવૃક્ષરૂપે શાળાના બીજ વાવી દીધા પછી આ છોડને વટવૃક્ષ બનાવવા શાળા આચાર્યશ્રીઓ અને શિક્ષકોએ સિચન કરી, જાળવણી કરી માર્ગદર્શન આપ્‍યું. જાત ઘસીને જળ પાયા. શાળાની શરૂઆતમાં શ્રી કાકુભાઈ નંદાએ પ્રથમ આચાર્ય પદ સંભાળ્‍યું. ગુરુના માર્ગદર્શન હેઠળ આચાર્યશ્રીની દીર્ધદષ્ટિ અને શિક્ષકોની શિક્ષણરીતિથી આરંભના વર્ષોથી જ શૈક્ષણિક કાર્યો દ્વારા શ્રી લાબહાદુર શાસ્ત્રી વિદ્યાલય - ગુજરાતભરમાં જાણીતું બન્‍યું. બીજા તબક્કામાં શ્રી ગૌતમભાઈ પારેખે આચાર્ય પદ શોભાવી શાળાના વિકાસને વેગવંતો બનાવ્‍યો શાળા વિદ્યાર્થીઓ ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ દસ ક્રમાંકમાં ઝબકી ઊઠયા. સાયન્‍સ, કોર્મસ ગુજરાતી માધ્‍યમ અને અંગ્રેજી માધ્‍યમના વિદ્યાર્થીઓએ પોતાની ઝળહળતી કારકિર્દી દ્વારા શાળાને શ્રેષ્ઠ શાળા બનાવી.

ત્રીજા તબક્કામાં શ્રીમતી રીટાબેન પંડિતે આચાર્ય પદ સંભાળ્‍યુ. પ્રગતિની પરંપરાને આગળ ધપાવી. આ સમયમાં શાળા અને ટ્રસ્‍ટ માટે ગૌરવરૂપ વિશ્વ કક્ષાના બ્રિટીશ કાઉન્‍સિલ ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ ઍવોર્ડનું સન્‍માન પ્રાપ્ત થયું. શાળામાં ચાલતી અભ્‍યાસલક્ષી તથા જીવન ઘડતરલક્ષી ચાલતી પ્રવૃત્તિઓની નોંધ લેવાઈ અને પ્રથમ રાઉન્‍ડમાં જ શહેરની ત્રણ શાળાઓમાં પ્રથમ નંબરે શ્રી લાલબહાદુર શાષી શાળાને ફેબ્રુઆરી-૨૦૧૧માં બ્રિટીશ કાઉન્‍સિલ એવોર્ડથી શાળાને સન્‍માનિત કરવામાં આવી

તત્‍કાલિન આચાર્યાશ્રી રીટાબેન પંડિતને એપ્રિલ-૨૦૧૨માં, એવોર્ડ અનુસંધાને ઇંગ્‍લેન્‍ડ જવાનું આમંત્રણ મળ્‍યું. તેઓશ્રીએ ઈંગ્‍લેન્‍ડની શાળાની મૂલાકાત પણ લીધી. વર્ષ ૨૦૧૩માં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી પ્રજ્ઞેશભાઈ કુબાવતે આચાર્ય પદ સંભાળ્‍યું. આ સમયમાં બોર્ડની પરીક્ષાઓ તથા વિવિધ સાંસ્‍કૃતિક પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામ લાવી શાળાની શાન વધારી. ૨૦૧૯માં શાળાનું સૂકાન શ્રી વિનોદભાઈ ગજેરાએ સંભાળ્‍યું. તેમણે શાળાને કોરાનાકાળ જેવા કપરા કાળમાંથી સાંગોપાંગ બહાર લાવી, નવચેતન રેડયું. શાળાના ઉચ્‍ચમાધ્‍યમિક વિભાગમાં આર્ટ્‍સ વિભાગમાં શરૂ કરાવ્‍યો. આજે શાળા સાયન્‍સ, કોમર્સ અને આર્ટ્‍સ તથા માધ્‍યમિક વિભાગ એમ ચાર વિભાગોમાં સૂપેરે કાર્યરત છે. ૨૦૨૬થી શ્રી અલ્‍પેશભાઈ ભંડેરીએ આચાર્ય પદ સંભાળી વિકાસની પરંપરાને આગળ વધારી રહ્યાં છે. શાળા શૈક્ષણિક બાબતની સાથે ડિઝીટલ યુગમાં ટેક્રોલોજીથી સજજ બને તેવા સંકલ્‍પથી શાળા સંચાલન કાર્ય કરી રહ્યાં છે.

બીજી બાજુ જોઈએ તો ઈ.સ.૧૯૬૬થી આજ સુધી આ શાળામાં હજારો વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવીને સમાજમાં પોતાનું નામ, પદ મેળવ્‍યું છે. તેમાના કેટલાક વિદ્યાર્થીઓને યાદ કરીએ ડો. દીનેશભાઈ ચૌહાણ, યશ હોસ્‍પિટલ, શ્રી જિમ્‍મીભાઈ અડવાણી, શિવસેના સૌરાષ્ટ્ર પ્રમુખ, શ્રી પરેશભાઈ દવે, ન્‍યુઝ એડિટર, શ્રી શૈલેષભાઈ જાની, સંચાલકશ્રી ગીતાંજાલિ કોલેજ, ડો. અવ્‍વલ સાદીકોટ, શ્રી પ્રજ્ઞેશભાઈ કુબાવત ભૂ.પૂ. આચાર્યશ્રી, ડો. પ્રીતભાઈ પોપટ, અધ્‍યાપક, શ્રી પ્રેરિતભાઈ જોષી, સબ રજિસ્‍ટ્રાર રાજકોટ મ્‍યુ.કો., ડો. ખીમજીભાઈ હાપલિયા, ડિરેકટર બાગ બગીચા વિભાગ, શ્રી સિતાંશુ કોટક - સૌરાષ્ટ્ર રણજી ક્રિકેટર, શ્રી પી. જાડેજા ટ્રેઝરી ઓફિસર રાજકોટ, ડો. ધવલ સૌંદરવા, હોમિયોપેથી તથા મોટીવેશનલ સ્‍પીકર, શ્રી હાર્દિકભાઈ આંબલિયા સી.એ., કલા ક્ષેત્રે પ્રદાન આપનાર લોકગાયક શ્રી વાલાભાઈ ગઢવી, વીરસિંહભાઈ, સંદીપભાઈ, ગૌતમ સચિનભાઈ વગેરે વિદ્યાર્થીઓએ તેમનું શિક્ષણ આ શાળામાં પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત અહીં સમાવી શકાયા નથી તેવા તમામ નામાંકિત વિદ્યાર્થીઓ તથા સમાજમાં સારા નાગરિક બની શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓ થકી આ શાળા વટવૃક્ષ બની સતત પાંગરતી રહી છે.

શ્રી લાલબહાદુર શાસ્ત્રી શાળાને બીજમાંથી સતત પાંગરતા વટવૃક્ષ બનાવનાર સર્વે વિદ્યાર્થીઓ અને ગુરૂજનોને ફરી એકવાર શાળાને મળવુ છે. બધાનાં હસતા ચહેરા જોવા છે એ કલબલાટને માણવો છે. એટલે જ શાળા પરિવાર, શાળાના આચાર્યશ્રી ભંડેરી તથા ટ્રસ્‍ટીશ્રી ડો. અલ્‍પનાબેન (હેલીબેન) ત્રિવેદીએ તા.૦૩-૧૦-૨૦૨૬ શનિવારના રોજ સ્‍નેહ મિલન અને સંગીત સંધ્‍યાનું આયોજન કર્યું છે.  તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને  આમંત્રણ અપાયું છે. સ્‍થળ શ્રી લાલબહાદુર શાસ્ત્રી બોયઝ વિદ્યાલય, શાસ્ત્રી ભવન શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ તા.૦૩-૧૦-૨૦૨૬, શનિવાર સાંજે ૦૫ કલાકે આ અંગે કંઈપણ માહિતી મેળવવા મો.નં. ૭૫૭૫૦૬૮૮૨૦ પર સંપર્ક કરવો અને પહોંચી જવું.

તસ્‍વીરમાં અલ્‍પેશભાઇ ભંડેરી, પ્રજ્ઞેશભાઇ કૂબાવત - પૂર્વ વિદ્યાર્થી, હર્ષદભાઇ ખખ્‍ખર - પૂર્વ વિદ્યાર્થી, સુનિલભાઇ પોપટ, ભાવેશભાઇ  ચોલેરા, કિશનભાઇ બિજલાણી નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:20 PM IST)