તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Monday, 2nd November 2026
પશ્ચિમ રેલવે કર્મચારીઓની સતર્કતાથી વાંકાનેર સ્ટેશને પરિવારથી વિખૂટી પડેલી સગીર બાળકીનો પરિવાર મિલાપ
મૂક-બધિર પિતાની વેદના સમજી વાંકાનેરના બુકિંગ કર્મચારીએ દેખાડી માનવીય સંવેદના, કોમર્શિયલ કંટ્રોલ અને આરપીએફની ત્વરિત કાર્યવાહીથી બાળકી હેમખેમ પરત ફરી

રાજકોટ, રઃ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે કર્મચારીઓની તત્પરતા અને માનવીય સંવેદનશીલતાનું એક અત્યંત પ્રશંસનીય ઉદાહરણ સામે આવ્યું છે. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ટ્રેન નંબર ૧૫૬૬૭ ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન પોતાના પરિવારથી વિખૂટી પડી ગયેલી ૧૪ વર્ષીય બાળકી રાની કુમારીને રેલવે કર્મચારીઓના ત્વરિત સંકલનથી સુરક્ષિત રીતે તેના પરિવારજનો સાથે મેળવી દેવામાં આવી.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, કટિહાર જવા માટે એક પરિવાર વાંકાનેર સ્ટેશને ટ્રેન નંબર ૧૫૬૬૭માં ચઢી રહ્યો હતો. ભારે ભીડના કારણે ૧૪ વર્ષીય બાળકી રાની કુમારી તો કોચ એસ-૬માં ચઢી ગઈ, પરંતુ તેના માતા-પિતા અને ભાઈ ટ્રેનમાં ચઢી શકયા નહીં અને ટ્રેન રવાના થઈ ગઈ.
બાળકીના પિતા શ્રી રાજુ, જે મૂક-બધિર (દિવ્યાંગ) છે, તેમણે વાંકાનેર સ્ટેશનના બુકિંગ કાર્યાલય પહોંચીને ડ્યુટી પર તૈનાત બુકિંગ કર્મચારી શ્રી જૈમીન ત્રિવેદીનો સંપર્ક કર્યો. શ્રી ત્રિવેદીએ તેમની પરિસ્થિતિ અને બાબતની ગંભીરતાને તુરંત સમજીને સમય ગુમાવ્યા વિના રાજકોટ ડિવિઝનના કોમર્શિયલ કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરી.
માહિતી મળતાં જ કંટ્રોલ રૂમમાં તૈનાત શ્રી આશિષ મુલુયાણીએ તરત જ સુરેન્દ્રનગર રેલવે સુરક્ષા બળ (RPF) અને સુરેન્દ્રનગરના મુખ્ય ટિકિટ નિરીક્ષક શ્રી એસ. એલ. મીણાને સતર્ક કર્યા. ટ્રેન સુરેન્દ્રનગર પહોંચતા જ સંબંધિત કર્મચારીઓએ એસ-૬ કોચમાં સઘન તપાસ કરીને બાળકીને સુરક્ષિત શોધી કાઢી અને તુરંત ફોન પર પરિવારજનો સાથે વાત કરાવીને તેમને ધરપત આપી.
ત્યારબાદ બાળકીને ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ દ્વારા આરપીએફ જવાનોની દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે વાંકાનેર લાવી પરિવારજનોને સોંપવામાં આવી.
રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીના અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ કોમર્શિયલ વિભાગ અને આરપીએફ કર્મચારીઓના આ સંવેદનશીલ અભિગમ, તત્પરતા અને પરસ્પર સંકલનની ભારે પ્રશંસા કરી. તેમણે વિશેષ રૂપે વાંકાનેરના બુકિંગ કર્મચારી શ્રી જૈમીન ત્રિવેદીની સૂઝબૂઝને બિરદાવી, જેમની ત્વરિત પહેલથી એક દિવ્યાંગ પિતાને તેમની વિખૂટી પડેલી પુત્રી હેમખેમ પાછી મળી શકી.
(2:58 PM IST)










