તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
રાજકોટને હાઇકોર્ટ બેંચ મળવાના મુદે સોૈરાષ્ટ્ર-કચ્છના વકીલ મંડળોની બેઠક યોજાઇ
હાઇકોર્ટ બેંચ અંગે ફરી કાનુની લડત શરૂઃ ૪૦ વર્ષ જુની માંગણી સંતોષવા આજે રાજકોટ ખાતે બેઠક યોજાઇઃ રાજકોટને હાઇકોર્ટ બેંચ મળે તો સોૈરાષ્ટ્ર-કચ્છની વિશાળ જનતાને મોટી રાહત મળશેઃ રાજકોટ ખાતે યોજાયેલ બેઠકમાં જીલ્લા- તાલુકા સહિતના વકીલ મંડળોની ઉપસ્થિતિઃ રાજકોટ બાર એસો.ના આમંત્રણને માન આપી સોૈરાષ્ટ્ર-કચ્છના વકીલ મંડળો દ્વારા હાઇકોર્ટ બેંચ માટે લડત ચલાવાશે

રાજકોટઃ રાજકોટને હાઇકોર્ટની બેંચ આપવા માટે રાજકોટ સહિત સોૈરાષ્ટ્રની બાર એશો.ના હોદેદારોની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજકોટને હાઇકોર્ટની બેંચ મળે તે માટે ઉપસ્થિત એડવોકેટો દ્વારા કાયદાકીય બાબતો અંગે ચર્ચા વિચારણા કરી ભવિષ્યમાં લડત માટેના કાર્યક્રમો ઘડવા પણ નકકી કરાયુ હતું. સોૈરાષ્ટ્રભરમાંથી આજે ઉપસ્થિત રહલા એડવોકેટોને રાજકોટ બાર એશો.ના અગ્રણીઓ નિલેશ પટેલ, પરેશ બી. મારૂ તથા જામનગરના એડવોકેટ મનોજભાઇ ઉનડકટે ઉદબોધન કરેલ તે પ્રસંગની તસ્વીર.(૨.૨૮)
રાજકોટ તા.૨૫: રાજકોટ બાર એસો. દ્વારા રાજકોટને સોૈરાષ્ટ્ર-કચ્છની એક અલગ હાઇકોર્ટ બેંચ મળે તે માટે ફરી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
રાજકોટને હાઇકોર્ટ બેંચ મળે તે માટે આજે રાજકોટમાં અહીંના ફુલછાબ ચોક ખાતે આવેલ હોટલ નોવા વિસ્ટા ખાતે એક મીટીંગ મળી હતી. જેમાં સોૈરાષ્ટ્ર-કચ્છના વકીલ મંડળોના પ્રતિનિધિઓને આમંત્રિત કરાયા હતા.
જાણવા મળ્યા મુજબ આજે સવારે ૧૦:૩૦ કલાકે મળેલ બેઠકમાં રાજકોટ બાર એસો.ના પ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી નિલેષ પટેલ, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર દિલીપભાઇ પટેલ ઉપરાંત બાર એસો.ના હોદેદારો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહયા હતા.
રાજકોટ ઉપરાંત મોરબી- વાંકાનેર- જુનાગઢ- કચ્છ- ગાંધીધામ- ભાવનગર- જુનાગઢ- પોરબંદર- અમરેલી- સુરેન્દ્રનગર- જામનગર સહિતના તમામ જીલ્લા અને તાલુકા મથકોના વકીલ મંડળોને હાઇકોર્ટ બેંચની લડત માટેની બેઠકમાં ઉપસ્થિત રહેવા રાજકોટ બાર એસો. દ્વારા આમંત્રણો મોકલવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્રને હાઇકોર્ટની બેંચ મળે તે માટે અવાર-નવાર આંદોલનો સાથેની લડત વકીલો દ્વારા છેલ્લા ૪૦ વર્ષથી ચાલી રહી છે. રાજકોટને હાઇકોર્ટ બેંચ મળે તે વર્ષો જુના પ્રશ્ન માટે વકીલો ઉપરાંત રાજકોટના વેપારી એસોસીએશનો, ચેમ્બર્સ ઓફ કોમર્સ તેમજ રાજકીય અને સામાજીક આગેવાનો દ્વારા આ પ્રશ્ને અવાજ ઉઠાવવામાં આવેલ છે. ત્યારે વધુ એક વખત હાઇકોર્ટ બેંચની લડત શરૂ થયેલ છે.
રાજકોટને હાઇકોર્ટ બેંચ મળે તો સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની પ્રજાને લાભ મળે તેમ છે. અને લોકોને દુરના વિસ્તારો જેવા કે, પોરબંદર, દ્વારકા, વેરાવળ - સોમનાથ જેવા લાંબા અંતરથી અમદાવાદ જવાના ધકકાઓ બંધ થાય તેમ છે. જેનાથી સમય અને ખોટા ખર્ચની બચત થશે.
હાઇકોર્ટમાં અત્યારે લાખોની સંખ્યામાં કેસોનો ભરાવો પેન્ડીંગ છે. ત્યારે જો રાજકોટને હાઇકોર્ટ બેંચ આપવામાં આવે તો કેસોનું ભારણ પણ ઘટશે.
મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં હાઇકોર્ટની અલગ બેંચો અપાઇ છે. ત્યારે સોૈરાષ્ટ્ર-કચ્છની જનતાની વર્ષો જુની માંગણીઓ હવે પ્રશ્ન ઉકેલીને હાઇકોર્ટ- સુપ્રિમ કોર્ટ તથા કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા હવે કોઇ નક્કર પગલાઓ લેવામાં આવે તેવી સોૈરાષ્ટ્ર-કચ્છની જનતા અને વકીલોમાં વ્યાપક માંગણી ઉઠવા પામી છે.
આજની આ મીટિંગમા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપભાઈ પટેલ, બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ પરેશભાઈ મારૂ, બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા, ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી નિલેશભાઈ પટેલ, જ્યેન્દ્ર ગોંડલીયા, ક્લેઇમ બાર એસોસિએશનના પ્રમુખ નિકુંજ શુક્લ, ક્લેઇમ બાર એસો.ના પૂર્વ પ્રમુખ રાજેશભાઇ મહેતા, ગોપાલભાઈ ત્રિવેદી, અશોકસિંહ વાઘેલા, બિનલબેન રવેશિયા, રક્ષાબેન ઉપાધ્યાય, પ્રગતિબેન માકડીયા, હિરલબેન જોશી, બિનલબેન સોનપાલ, અમળતાબેન ભારદ્વાજ, હેમેનભાઈ ઉદાણી, રવિભાઈ ગોગીયા, જયેશ દોષી, રમેશ કથીરીયા, વિજયભાઈ રૈયાણી, અશ્વિન રામાણી, મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેસણીયા, જૂનાગઢ બાર એસો.ના પ્રમુખ ભાવેશ જીંજુવાડિયા, સેક્રેટરી જામ ખંભાળીયા એસો.ના પ્રમુખ, માળિયા હાટીનાના સેક્રેટરી જામ કંડોરણા, પડધરી બાર એસો. ઉપપ્રમુખ જ્યેન્દ્રસિંહ ઝાલા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
શા માટે, સૌરાષ્ટ્ર - કચ્છની હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળે
*ભૌગોલીક દૃષ્ટ્રીએ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છનું મધ્ય બિંદુ રાજકોટ શહેર છે.
*ગુજરાત રાજયની સ્થાપના થઇ ત્યારે અને તે પહેલા રાજકોટમાં સૌરાષ્ટ્ર હાઇકોર્ટ બેન્ચ કાર્યરત હતી.
*ગુજરાત રાજયની હાઇકોર્ટ બેન્ચ અમદાવાદમાં કાર્યરત હોય જેથી કચ્છ - મુન્દ્રા, પોરબંદર, સહીતના જીલ્લાઓના લીટીગન્ટોને આશરે ૫૦૦ થી ૬પ૦ કિલોમીટર દુર ન્યાય મેળવવા માટે જવુ પડે છે.
*ભારત દેશના તમામ નાગરીકોના એ બંધારણીય હકક છે કે, દરેક લીટીગન્ટને સરળ સસ્તો ઝડપી ન્યાય ઘર આંગણે મળે.
*રાજકોટને હાઇકોર્ટ બેન્ચ આપવાથી હાઇકોર્ટ નું આશરે ૪૦% જેટલુ લીટીગેશન ઘટે અને દરેક વ્યકિતને તથા સરકારને વિવિધ ઓથોરીટીઓને ખર્ચ ઘટે અને ઝડપી ન્યાય મળે તેમ છે.
* ગુજરાત રાજયની હાલ ૭,૪૧,૦૦,૦૦૦/- વસ્તીમાંથી સૌરાષ્ટ્ર કચ્છની આશરે ૨.૯૦ થી ૩ કરોડ જનતાને ઘર આંગણે તો ઝડપી ન્યાય મળે તેમ છે.
* રાજકોટ શહેર સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છનું મધ્યબિંદુ છે. શૈક્ષણિક દૃષ્ટ્રીએ, ભૌગોલીક દ્રષ્ટીએ, રોડ રસ્તા, રેલ્વેની દ્રષ્ટીએ તથા ઇન્ફ્રાસ્ટ્રકચરની દ્રષ્ટીએ ડેવલોપ હોય જેથી બેન્ચ રાજકોટને મળે તે જરૂરી છે. અને સમયની પણ માંગ છે
હાઈકોર્ટ બેન્ચ મેળવવા માટે કાયદાકિય જોગવાઈ
* ધ સ્ટેટ રી. ઓર્ગેનાઇઝેશન એકટ - ૧૯૫૬ ની કલમ - ૫૧ હેઠળ નવી હાઇકોર્ટ આપવા અંગેની જોગવાઇ કરવામાં આવેલ છે.
* આ અંગે રાષ્ટ્રપતી જે - તે રાજયના ગર્વનર અને ચીફ જસ્ટીસ સાથે વિચારવિર્મશ કરી. જરૂરીયાત મુજબ કાયમી હાઇકોર્ટ બેન્ચ કે બેન્ચીસ કલમ - ૫૧ (૨) ની જોગવાઈ અન્વયે આપી શકે.
* આ કાયદાની કલમ - ૫૧ (૩) સબકલોઝ અન્વયે જે - તે રાજયનાં ચીફ જસ્ટીસ ગર્વનરની પરવાનગી લઇ સક્રીટ બેન્ચ પણ આપી શકે.
* સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર રાજયમાં પાંચ હાઈકોર્ટ બેન્ચ કાર્યરત છે. વસ્તી ૧૩.૩૯ કરોડ છે. વેસ્ટ બેંગાલમાં કુલ ૩ (ત્રણ) હાઈકોર્ટ અને ૧ સક્રીય બેન્ચ છે. જેની વસ્તી ૧૦.૫૬ કરોડ છે. આસામમાં કુલ ૪(ચાર) હાઈકોર્ટ બેન્ચ કાર્યરત છે. જેની વસ્તી ૧.૩૯ કરોડ છે. કર્ણાટકમાં ૩(ત્રણ) હાઈકોર્ટ બેન્ચ કાર્યરત છે. જેની વસ્તી ૭.૨૪ કરોડ છે. મધ્ય પ્રદેશમાં ૩(ત્રણ) હાઈકોર્ટ બેન્ચ કાર્યરત છે. જેની વસ્તી ૮.૮૭ કરોડ છે. રાજસ્થાનમાં ર(બે) હાઈકોર્ટ બેન્ચ કાર્યરત છે. જેની વસ્તી ૮.૧૮ કરોડ છે. જેથી આ ફેકટ અને ફીગર ધ્યાને લેતા ગુજરાત રાજયને લીટીગેશન અને વસ્તીના પ્રમાણમાં હાઇકોર્ટ બેન્ચ કે સર્કીટ બેન્ચ મળે એ દિશામાં સરકાષાીએ અને દેશની તથા રાજયની ઉચ્ચતમ ન્યાયાલયે હકારાત્મક અભિગમ દાખવવો જોઇએ.
* રીટ પીટીશન નં. ૯૧૪/૨પ માં સુપ્રીમ કોર્ટના જસ્ટીસ અરવિંદકુમાર અને એન.વી. અંજારીયા સાહેબે સ્ટેટ રી. ઓર્ગેનાઇઝેશન એકટ - ની કલમ ૫૧ (ર) તથા ૫૧ (૩) અન્વયે માર્ગદર્શક સિધ્ધાંત આપીને ચીફ જસ્ટીસ દ્વારા ગર્વનરને જાણ કરી જરૂરીયાત મુજબ હાઇકોર્ટ બેન્ચ કે સક્રીટબેન્ચ આપી શકે છે. જેથી આ જજમેન્ટ તેમજ આ જજમેન્ટમાં રીકર થયેલ અન્ય જજમેન્ટ ધ્યાને લઈને રાજકોટને હાઇકોર્ટ બેન્ચ મળી શકે.
(3:06 PM IST)










