News of Monday, 21st September 2026
રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર કુરિયર કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી : કરોડોની નુકસાનીની આશંકા : જુઓ વિડીયો
ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક-4માં આવેલ ઇન્સ્ટાકાર્ટ સર્વિસિસના ગોડાઉનમાં રાત્રે 1:30 વાગ્યે આગે વિકરાળ સ્વરૂપ લીધું : 6 ફાયર ફાઇટર સાથે 22થી 25 જવાનોએ આગ બુઝાવવા જહેમત ઉઠાવી

(કમલેશ વસાણી દ્વારા) શાપર વેરાવળ તા.૨૧ : રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર મોડી રાત્રે ભીષણ આગની ઘટના બની છે. અહીં આવેલા ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક-4માં ઇન્સ્ટાકાર્ટ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડના ઓનલાઇન કુરિયર ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, રાત્રિના આશરે 1:30 વાગ્યે લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે ગોડાઉન તથા અંદર રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. છ ફાયર ફાઇટર વાહનો સાથે ફાયર વિભાગના 22થી 25 જવાનો આગને કાબૂમાં લેવા માટે સતત કામગીરી કરી રહ્યા છે.
આ ઘટનામાં કરોડો રૂપિયાની નુકસાની થયાની આશંકા સેવાઈ રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, જ્યારે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
(11:50 AM IST)










