તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 10th May 2026
રાજકોટમાં રવિવારે વહેલી સવારે અંબિકા ટાઉનશીપમાં ભીષણ આગ: વ્રજ હાઈટ્સના પાંચમા માળે ભડકે બળતો ફ્લેટ
સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે વ્રજ હાઈટ્સમાં લાગેલી આગથી અફરાતફરી: ફર્નિચરનું કામ ચાલતું હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, ફાયર ફાઈટરો અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે

રાજકોટ: શહેરના પશ્ચિમ વિસ્તારમાં રવિવારે વહેલી સવારે ગાઢ નિદ્રામાં પોઢેલા લોકો માટે અંબિકા ટાઉનશીપમાં લાગેલી આગ આફત બનીને આવી હતી. સ્પીડવેલ પાર્ટી પ્લોટની પાછળ આવેલી અંબિકા ટાઉનશીપમાં વ્રજ હાઈટ્સ નામની ઈમારતમાં પાંચમા માળે એક ફ્લેટમાં વહેલી સવારે અચાનક ભયાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
વહેલી સવારે ૩.૩૦ વાગ્યે આગની જ્વાળાઓ દેખાઈ રવિવારે વહેલી સવારે આશરે ૩.૩૦ વાગ્યાના સુમારે જ્યારે લોકો નિદ્રાધીન હતા, ત્યારે વ્રજ હાઈટ્સના પાંચમા માળના એક ફ્લેટમાંથી ધુમાડાના ગોટા અને આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી. જોતજોતામાં આગે આખા ફ્લેટને લપેટમાં લઈ લેતા આસપાસના લોકો જાગી ગયા હતા અને મોટી સંખ્યામાં લોકો નીચે એકત્ર થઈ ગયા હતા.
ફર્નિચરના કામને કારણે આગ વધુ પ્રસરી પ્રાથમિક વિગતો મુજબ, જે ફ્લેટમાં આગ લાગી છે ત્યાં હાલમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું. લાકડાં, ફેવિકોલ અને અન્ય જ્વલનશીલ પદાર્થોની હાજરીને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને તેણે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની તીવ્રતા એટલી વધારે હતી કે નીચે ઉભેલા લોકોમાં પણ ફ્લેટમાં ફસાયેલા લોકો અંગે ચિંતા જોવા મળી રહી હતી.
ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સનો કાફલો તૈનાત ઘટનાની જાણ થતા જ રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ હરકતમાં આવી હતી. ચારથી પાંચ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પાંચમા માળે લાગેલી આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. કોઈપણ જાનહાનિ કે ઈમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા માટે ત્રણથી ચાર ૧૦૮ એમ્બ્યુલન્સ પણ સ્થળ પર સ્ટેન્ડ-બાય રાખવામાં આવી છે.
કોઈ નીચે ન ઉતરી શકતા ચિંતા વધી સૌથી વધુ ચિંતાજનક બાબત એ રહી હતી કે આગના કારણે ફ્લેટમાં રહેલા કોઈ સભ્યો નીચે ઉતરી શક્યા હોવાની હજુ સુધી સત્તાવાર વિગત મળી નથી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ફાયર વિભાગના જવાનો અંદર ફસાયેલા લોકોની માહિતી મેળવવા અને તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. (વિગત સાભાર: પુનિત રુઘાણી)
(4:53 AM IST)










