<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

સિવિલ હોસ્‍પિટલમાં ત્રણ દિવસથી દાખલ શખ્‍સે માથા પછાડી બારીના કાચ ફોડયા!

પડી જતાં ઇજા થવાથી સારવાર માટે દાખલ થયેલા મવડી તરફના પીન્‍ટુભાઇ નામના યુવાને બેફામ તોફાન ચાલુ કરતાં ખાટલા સાથે બાંધવાની ફરજ પડી

 

રાજકોટ તા. ૧: સિવિલ હોસ્‍પિટલના ઓપીડી બિલ્‍ડીંગના સર્જરી વોર્ડમાં ચોથા માળે ત્રણેક દિવસથી સારવાર માટે દાખલ કરાયેલા એક યુવાને રાતે કોઇપણ કારણોસર પીત્તો ગુમાવતાં પોતાના ખાટલા પરથી ઉભા થઇ નજીકમાં બારીમાં બેફામ માથા પછાડી કાચ ફોડી નાંખી તેમજ પોતાના જ ગળા પર કાચથી ઇજા પહોંચાડી બૂમાબૂમ કરી તોફાન મચાવતાં સિક્‍યુરીટીની ટીમે બોલાવાઇ હતી. સારવાર હેઠળ રહેલા આ યુવાનને તે વધુ તોફાન ન કરે તે માટે બેડ સાથે બાંધવાની ફરજ પડી હતી.

જાણવા મળ્‍યા મુજબ સર્જરી વોર્ડમાં ચોથા માળે પીન્‍ટુભાઇ નામનો એક આશરે ૩૮ વર્ષનો યુવાન ત્રણેક દિવસથી સારવાર હેઠળ છે. તે પડી જતાં ઇજા થયાની સારવાર માટે દાખલ થયો હતો. તેની સાથે સગા સંબંધી ન હોઇ હોસ્‍પિટલનો સ્‍ટાફ જ તેની સારસંભાળ રાખે છે. આ યુવાને પોતે મવડી ઓમનગર તરફ રહેતો હોવાનું અને ફર્નિચર કામ કરતો હોવાનું રટણ કર્યુ હતું. અચાનક રાતે તેણે વોર્ડમાં બૂમાબૂમ ચાલુ કરી હતી અને મને બધા મારે છે...તેમ કહી ખાટલેથી ઉભા થઇ નજીકની બારી પાસે જઇ માથા પછાડી બારીના કાચ ફોડી નાંખ્‍યા હતાં.

આ ઉપરાંત પોતાના ગળા પર કાચથી ઇજા પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. તેના આવા વર્તનથી વોર્ડમાં દાખલ બીજા દર્દીઓ, દર્દીઓના સગામાં ભય ફેલાઇ ગયો હતો. સિક્‍યુરીટી ટીમને બોલાવી તુરત જ આ દર્દીને વધુ તોફાન કરતો અટકાવાયો હતો. જો કે તે ધમપછાડા કરતો હોઇ તેની સારવાર હજુ બાકી હોઇ તેને બેડ સાથે બાંધવાની ફરજ પડી હતી. રાતભર તેણે બકવાસ કરી દેકારા મચાવ્‍યા હતાં. સવારે પણ તે બૂમાબૂમ કરતો હતો.

(4:02 PM IST)