તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
ન્યારી ડેમ પાસે ૮૦ લાખની વૈભવી કાર અને જર્મન બનાવટની પિસ્તોલ રાખી ફોટા પાડતાં બે વિદ્યાર્થીને એસઓજીએ પકડયા
ગાંધીનગરના આદિત્યસિંહ રાઠોડ અને અમદાવાદના ધ્રુમિલ ઠાકોર તથા સગીરની અટકાયતઃ આદિત્યસિંહ વિરૂધ્ધ અમદાવાદ-ગાંધીનગરમાં ૪ ગુનાઃ સગીર પોતાના સગાની પરવાનાવાળી રિવોલ્વર લાવ્યો હોવાનું ખુલ્યું: એસઓજી પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, ઇન્દ્રસિંહ જાડેજા અને ટીમ તથા ક્યુઆરટીની કામગીરી

રાજકોટ તા. ૧૬: શહેરના ન્યારી ડેમ પાસે અમદાવાદ-ગાંધીનગરના બે શખ્સ ૮૦ લાખની મોંઘીદાટ ફોર્ડ મસ્ટાંગ કાર સાથે જર્મન બનાવટની રિવોલ્વર અને જીવતા કાર્ટીસ લઇને ફોટા પાડતાં હોઇ એસઓજીની ટીમે બાતમીને આધારે બંનેને સકંજામાં લઇ ૧ા લાખની રિવોલ્વર, એક જીવતો કાર્ટીસ, ૮૦ લાખની કાર અને ૨,૪૦,૦૦૦ના ત્રણ મોબાઇલ ફોન કબ્જે કર્યા છે. આ બંને રાજકોટમાં મિત્રના મેરેજ ફંકશનમાં ભાગ લેવા આવ્યા હોઇ એક સગીર મિત્ર પાસેથી આ રિવોલ્વર લીધી હતી. એસઓજીની તપાસમાં આ રિવોલ્વર પરવાનાવાળી હોવાનું ખુલ્યું હતું.
મળતી માહિતી મુજબ એસઓજીની ટીમ કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પેટ્રોલીંગમાં હતી ત્યારે માહિતી મળી હતી કે ન્યારી ડેમ મેઈન રોડ પર સરલા કામદાર રોટરી પાર્ક પાસે એક વૈભવી ફોર્ડ મસ્ટાંગ જીટી કાર નંબરઃ જીજે૦૧કેડબલ્યુ-૦૦૦૭ પાસે બે શખ્સ શંકાસ્પદ હથીયાર સાથે ઉભા છે અને ફોટા પાડે છે. પોલીસે તાત્કાલિક બંનેને કોર્ડન કરી પંચોની હાજરીમાં તપાસ હાથ ધરી હતી. બે શખ્સની પુછતાછ થતાં તેણે પોતાના નામ ધ્રુમીલ અમીતભાઇ ઠાકોર (ઉ.વ.૨૦, રહે. ઘાટલોડિયા ગામ, ડભોડીયાવાસ, રામાપીરના મંદિર પાસે અમદાવાદ) તથા આદિત્યસિંહ દિલીપસિંહ રાઠોડ (ઉ.વ.૧૮, રહે. કુડાસણ, સુર્યા સ્ટેટર સોસાયટી બલોક નં. એફ-૧૦૨, ગાંધીનગર) જણાવ્યા હતાં.
આ બંને પાસે જર્મન બનાવટની રિવોલ્વર અને એક જીવતો કાર્ટીસ મળી આવતાં તેના લાયસન્સ બાબતે પુછતાં પોતાના સગીર મિત્રએ આ રિવોલ્વર આપ્યાનું કહેતાં આં બંને તથા સગીર સામે ગુનો દાખલ કરાયો હતો. એસઓજીએ જર્મન રિવોલ્વર અને ૧ જીવતો કાર્તુસ ૧ મળી ૧,૨૫,૧૦૦, એપલ આઈફોન ૧૬ પ્રો મેક્સ ૨ નંગ અને સેમસંગ ફોલ્ડ-૪ કિંમત રૂા. ૨,૪૦,૦૦૦ તથા ફોર્ડ મસ્ટાંગ જીટી કાર કિંમત આશરે રૂા. ૮૦,૦૦,૦૦૦ની મળી કુલ ૮૩,૬૫,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. -
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે બંને યુવકો અમદાવાદથી રાજકોટ એક પ્રસંગમાં આવ્યા હતા. આ રિવોલ્વર રાજકોટમાં રહેતા તેમના એક ૧૫ વર્ષીય સગીર મિત્ર પાસેથી લાવ્યા હતા. આ વૈભવી ફોર્ડ મસ્ટાંગ કાર પર બેસીને રિવોલ્વર સાથે સોશિયલ મીડિયા કે શોખ માટે ફોટા પાડી રહ્યા હતા એ સમયે પોલીસ ત્રાટકી હતી. આદિત્યસિંહ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેના વિરૂધ્ધ અમદાવાદ એફ-પોલીસ સ્ટેશનમા બે અને નવરંગપુરા તથા ગાંધીનગર ઇન્ફોસટીમાં એક-એક મળી કુલ ચાર ગુના દાખલ થયા છે. જે મારમારી, એમવીએક્ટ સહિતના ગુના છે. આદિત્યસિંહ કોલેજમાં ધોરણ-૧૨માં ભણે છે અને આદિત્યસિંહ કોલેજમાં એક્સટર્નનલ તરીકે ભણે છે. બંને રાજકોટ મિત્રના લગ્નમાં હાજરી આપવા આવ્યા હોઇ સગીર મિત્રના પિતાની કે સગાની પરવાનાવાળી રિવોલ્વર લઇ ફોટા પાડવા નીકળતાં ઝડપાઇ ગયા હતાં.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોઝભાઇ રાઠોડ, હેડકોન્સ. મોૈલિકભાઇ સાવલીયા, દિગ્વીજયસિંહ ગોહિલ, કોન્સ. હાર્દિકસિંહ પરમાર, યોગેન્દ્રસિંહ ઝાલા, ક્યુઆરટીના હેડકોન્સ. અશ્વીનભાઇ ડાંગર, કોન્સ. જનકસિંહ ગોહિલ, ચાંપરાજભાઇ દોરીલા, શક્તિસિંહ ગોહિલ અને ડ્રા. રાહુલભાઇ મકવાણાએ આ કામગીરી કરી હતી.
(3:11 PM IST)










