તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
ભાષા રચના વિચાર મંચ અને સાહિત્ય સેતુના સંયુક્ત ઉપક્રમે કવિ સંજુ વાળાના જન્મદિન નિમિત્તે વિશેષ સાહિત્યિક પરિશીલન બેઠકનું ભવ્ય આયોજન : જાણીતા સાહિત્યકારો આપશે હાજરી
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના ઓડિટોરીયમમાં ૧૨ જુલાઈએ યોજાનારા ૫૩મા મણકામાં ડૉ.બળવંત જાની અધ્યક્ષપદ શોભાવશે જ્યારે પદ્મશ્રી હેમંત ચૌહાણ ગઝલગાન રજૂ કરશે

રાજકોટ: ભાષા રચના વિચાર મંચ (ભારવિ) દ્વારા પ્રતિમાસ યોજાતી બેઠક શૃંખલાના ૫૩મા મણકા અંતર્ગત તમામ ભાવકો અને સાહિત્ય પ્રેમીઓ માટે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સાહિત્ય સેતુ (રાજકોટ) ના સંયુક્ત ઉપક્રમે અને ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના યજમાનપદે યોજાનારી આ બેઠકમાં જાણીતા કવિ સંજુ વાળાના જન્મદિન નિમિત્તે તેમના સાહિત્ય સર્જન અંગે પરિશીલનનો વિશિષ્ટ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
આગામી તા. ૧૨/૦૭/૨૦૨૬ ને રવિવારના રોજ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ દરમિયાન ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના ઓડિટોરીયમ ખાતે યોજાનારા આ જાહેર કાર્યક્રમમાં તમામ સાહિત્ય રસિકોને ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમના મુખ્ય વક્તાઓ, આમંત્રિતો અને વિવિધ વિષયોના પરિશીલનની વિગતો નીચે મુજબ રહેશે.
આ ગરિમાપૂર્ણ સાહિત્યિક બેઠકના અધ્યક્ષ સ્થાને ડૉ.બળવંત જાની ઉપસ્થિત રહીને પોતાનું અધ્યક્ષીય ઉદ્બોધન આપશે. કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. અશ્વિન બારડ દ્વારા ઉપસ્થિત સર્વે મહેમાનો અને સાહિત્ય રસિકોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અને વિષય અંગેની ભૂમિકા સંજય ઉપાધ્યાય દ્વારા બાંધવામાં આવશે.
કાર્યક્રમમાં કવિ સંજુ વાળાના વિવિધ સાહિત્યિક પાસાઓ પર તજજ્ઞો દ્વારા વિસ્તૃત પ્રકાશ પાડવામાં આવશે, જેમાં આર.પી. જોશી કવિના 'જીવન-કવન' વિષય પર પોતાની વાત રજૂ કરશે. જ્યારે મહેન્દ્ર જોશી તેમના 'ગઝલકર્મ' પર અને ડૉ. દલપત ચાવડા તેમના 'ગીત કવિતા' ના સર્જન પર પરિશીલન કરશે. આ સાથે જ ઈલિયાસ શેખ દ્વારા સંજુ વાળાની રચનાઓનો 'કાવ્યાસ્વાદ' કરાવવામાં આવશે.
આ કાર્યક્રમનું એક મુખ્ય આકર્ષણ ગઝલગાન રહેશે, જેમાં પદ્મશ્રી હેમંત ચૌહાણ પોતાના સુમધુર કંઠે ગઝલ પ્રસ્તુત કરશે. કવિ સંજુ વાળા પોતે પણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને પોતાની 'કેફિયત-કાવ્યપાઠ' રજૂ કરશે. સમગ્ર સાહિત્યિક બેઠકનું સુચારુ સંચાલન ડૉ. સુનિલ જાદવ દ્વારા કરવામાં આવશે અને કાર્યક્રમના અંતે કચેરી વતી અનુપમ દોશી સર્વેનો આભાર વ્યક્ત કરશે. રાજકોટના આંગણે યોજાનારા આ અનોખા સાહિત્યિક ઉત્સવને માણવા માટે નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
(5:27 PM IST)










