News of Monday, 21st September 2026
માનવતા અને ફરજનું ઉત્તમ ઉદાહરણ : બળદગાડું અને 108 બંને બન્યા જન્મદાતા ! : જુઓ વિડીયો
વાડી વિસ્તારમાંથી બહાર નીકળી શકાય તેમ ન હોવાથી અંતે બળદગાડાનો સહારો લેવામાં આવ્યો : બળદગાડામાં માતા અને બાળકને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યા

(ભીખુપરી ગોસાઈ દ્વારા)ખીરસરા તા.૨૧ : 108 એમ્બ્યુલન્સ સેવા ફરી એકવાર જીવનદાતા બની છે, જ્યાં કર્મચારીઓની સમયસૂચકતાથી માતા અને બાળક બંનેનો જીવ બચ્યો છે. આ સાથે બળદગાડાએ પણ આ જન્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
આજે વહેલી સવારે 7:00 વાગે મેટોડા 108 એમ્બ્યુલન્સને મોટાવડા ગામના વાડી વિસ્તારમાંથી ડિલિવરીના કેસનો કોલ મળ્યો હતો. એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ત્યારે રસ્તો અત્યંત ખરાબ હોવાથી એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ અને આગળ જઈ શકે તેમ ન હતી.
તે દરમિયાન સગર્ભા મહિલાને તીવ્ર પ્રસવ પીડા થઈ રહી હતી અને કોલ પર જણાવવામાં આવ્યું કે એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા જ ઘરે બાળકનો જન્મ થઈ ગયો છે અને ઝડપથી આવો.
પરિસ્થિતિની ગંભીરતા સમજીને 108ના EMT વ્યોમા ભીલવાળા અને પાયલોટ મહેશભાઈ વઘેરાએ સમયસૂચકતા દાખવી હતી. બંને કર્મચારીઓ જરૂરી સાધન-સામગ્રી સાથે અંદાજે 500 મીટર જેટલું દોડીને વાડી સુધી પહોંચ્યા હતા.
ત્યાં પહોંચીને સ્ટાફે તાત્કાલિક નવજાત બાળકને જરૂરી કેર આપી અને માતાને જરૂરી ઇન્જેક્શન તથા પ્રાથમિક સારવાર આપી બંનેનો જીવ બચાવ્યો હતો.
વાડી વિસ્તારમાંથી બહાર નીકળી શકાય તેમ ન હોવાથી અંતે બળદગાડાનો સહારો લેવામાં આવ્યો. બળદગાડામાં માતા અને બાળકને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યા અને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને CHC લોધિકા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.માતા અને બાળક બંને સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે.
(2:27 PM IST)










