તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
આપાગીગાના ઓટલે ૨૯ જુલાઈએ ગુરૂપૂર્ણિમાનો ભવ્ય મહોત્સવ
ગુરૂપૂજન માટે ભાવિકોમાં થનગનાટઃ સંતોનું સન્માન, ભેટપૂજા અને મહાપ્રસાદનું આયોજન; મહંતશ્રી નરેન્દ્રબાપુએ સમગ્ર સમાજને ભાવભર્યું આમંત્રણ પાઠર્વ્યું

રાજકોટઃ ચોટીલા-રાજકોટ હાઇવે પર મોલડી ગામના વળાંક પાસે આવેલા શ્રી આપાગીગાના ઓટલે બુધવાર, તા. ૨૯ જુલાઈના રોજ ગુરુપૂર્ણિમાનું પવિત્ર પર્વ ભવ્યાતિભવ્ય અને ભક્તિમય વાતાવરણમાં ઉજવાશે. શાષોક્ત મંત્રોચ્ચાર વચ્ચે ગુરુપૂજન-અર્ચન, સાધુ-સંતોનું સન્માન, ભેટપૂજા અને વિશાળ મહાપ્રસાદનું આયોજન કરાયું છે. મહંતશ્રી નરેન્દ્રબાપુ ગુરુશ્રી જીવરાજબાપુએ સંતો, મહંતો, સેવકો, માતાઓ-બહેનો, વડીલો અને યુવાનો સહિત સમગ્ર સમાજને ગુરુપૂજન તથા મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપ્યું છે.
ભારતીય સંસ્કૃતિમાં સદગુરુનું સ્થાન સર્વોત્તમ માનવામાં આવ્યું છે. અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવાતું ગુરુપૂર્ણિમાનું પર્વ ગુરુ પ્રત્યેની શ્રદ્ધા, કૃતજ્ઞતા અને સમર્પણનું મહાપર્વ છે. આ પવિત્ર અવસરે ચોટીલા-રાજકોટ હાઇવે પર આવેલા શ્રી આપાગીગાના ઓટલે બુધવાર, તા. ૨૯ જુલાઈના રોજ વિશેષ ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
મહંતશ્રી નરેન્દ્રબાપુ ગુરુશ્રી જીવરાજબાપુએ જણાવ્યું છે કે આ વર્ષે ગુરુપૂર્ણિમાની ઉજવણી વિશેષ ભક્તિભાવ અને પરંપરાગત રીતે કરવામાં આવશે. વહેલી સવારથી પૂજનવિધિનો પ્રારંભ થશે અને બપોર સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
વિદ્વાન ભૂદેવોના શાષોક્ત મંત્રોચ્ચાર વચ્ચે સમર્થ ગુરુ પરમ પૂજનીય શ્રી જીવરાજબાપુ ગુરુશ્રી શામજીબાપુનું પૂજન અને અર્ચન કરવામાં આવશે.
ભાવિકોને પરમ પૂજ્ય શ્રી જીવરાજબાપુ ગુરુશ્રી શામજીબાપુ તેમજ શ્રી શામજીબાપુ ગુરુશ્રી લક્ષ્મણબાપુની ગુરુપરંપરાનું વ્યક્તિગત રીતે પૂજન કરવાનો લાહવો પણ મળશે. આયોજકોના જણાવ્યા પ્રમાણે આ પવિત્ર અવસર ભાવિકો અને સમગ્ર શિષ્ય સમુદાય માટે યાદગાર બની રહે તે માટે વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
ગુરુપૂર્ણિમાના પ્રસંગે વિવિધ સ્થળોથી પધારનારા મહંતશ્રીઓ, સાધુ-સંતો, રામદળ અને શંભુદળના તમામ સાધુશ્રીઓ, અભ્યાગતો તેમજ રમતા પંચના સાધુશ્રીઓનું સન્માન કરવામાં આવશે. મહંતશ્રી નરેન્દ્રબાપુ ગુરુશ્રી જીવરાજબાપુ દ્વારા તમામ સંતોને મહાપ્રસાદ સાથે ભેટપૂજા અર્પણ કરાશે.
ગુરુ અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે
મહંતશ્રી નરેન્દ્રબાપુએ ગુરુમહિમા વર્ણવતાં જણાવ્યું છે કે માનવજીવનમાં સદગુરુનું સ્થાન અપરંપાર છે. ગુરુ પોતાના શિષ્યના જીવનમાંથી અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે છે. સદગુરુને શિષ્યના આદર્શ જીવનના સાચા શિલ્પી માનવામાં આવે છે.
ગુરુ પ્રત્યે અનન્ય શ્રદ્ધા, નિષ્ઠા, પ્રામાણિકતા, ધૈર્ય, ધાર્મિકતા અને નૈતિકતાના ભાવ સાથે કરવામાં આવેલું પૂજન જ સંપૂર્ણ અને ફળદાયી બને છે. ગુરુની કૃપા અને અમીલ્લષ્ટિથી ભક્તિ, જ્ઞાન અને આધ્યાત્મિક શાંતિની પ્રાપ્તિ થતી હોવાનું તેમણે જણાવ્યું હતું.
ભારતીય ધાર્મિક પરંપરામાં ભગવાન શ્રીકૃષ્ણના ગુરુ સાંદીપનિ ઋષિ અને પ્રભુ શ્રીરામના ગુરુ મહર્ષિ વશિષ્ઠનું વિશેષ સ્થાન છે. ગુરુપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ દિવસે મહર્ષિ વેદવ્યાસજીનું સ્મરણ તથા પૂજન કરવાની પરંપરા છે.
ગુરુશ્રી જીવરાજબાપુના શુભ હસ્તે શરૂ થયેલો સેવાયજ્ઞ
મહંતશ્રી નરેન્દ્રબાપુ ગુરુશ્રી જીવરાજબાપુએ જણાવ્યું છે કે શ્રી આપાગીગાનો ઓટલો સતાધાર ધામના પરમ પૂજ્ય સંત અને ગુરુદેવ શ્રી જીવરાજબાપુના શુભ હસ્તે તથા દાદાગુરુ પરમ પૂજનીય શ્રી શામજીબાપુ ગુરુશ્રી લક્ષ્મણબાપુના આશીર્વાદથી શરૂ કરવામાં આવ્યો હતો.
શ્રી જીવરાજબાપુ ગુરુશ્રી શામજીબાપુના માર્ગદર્શન અને આશીર્વાદથી શરૂ થયેલા આ સ્થાનકે છેલ્લા આશરે ચૌદ વર્ષથી જ્ઞાતિ, જાતિ, વર્ગ કે અન્ય કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના ભક્તિ અને માનવસેવાનો યજ્ઞ ચાલુ રાખ્યો હોવાનું સંસ્થાએ જણાવ્યું છે.
આપાગીગાની આધ્યાત્મિક પરંપરામાં ભૂખ્યાને ભોજન, અભ્યાગતોનો આદર, ગૌસેવા અને સર્વજન સેવા મુખ્ય ગણાય છે. સતાધાર ધામના જાહેર ઇતિહાસમાં પણ સદાવ્રત અને અભ્યાગતોની સેવા આપાગીગાની પરંપરાનું કેન્દ્ર હોવાનું નોંધાયું છે.
શ્રી આપાગીગાના ઓટલે દિવસ કે રાત્રિ, કેલેન્ડરના પાનાં કે ઘડિયાળના કાંટા જોયા વિના આવનારા ભાવિકો માટે ચોવીસ કલાક નિઃશુલ્ક ચા-પાણી, નાસ્તો, રહેવા અને જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. મુસાફરો અને ભાવિકો અહીં વિશ્રામ કરી મહાપ્રસાદરૂપી પ્રસાદીનો લાભ લઈ શકે છે.
બે મીઠાઈ, શાક, દાળ-ભાત, રોટલી, ફરસાણ અને છાશ પીરસાશે
ગુરુપૂર્ણિમાના મહાભંડારા માટે વિશેષ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. મહાપ્રસાદમાં બે પ્રકારની મીઠાઈ, એક લીલોતરીનું શાક, એક કઠોળનું શાક, દાળ-ભાત, રોટલી, ફરસાણ તેમજ છાશ પીરસવામાં આવશે.
મહોત્સવ દરમિયાન સતાધાર ધામ તથા શ્રી આપાગીગાના ઓટલાના સેવકો વ્યવસ્થા સંભાળશે. પૂજ્ય શ્રી જીવરાજબાપુ ગુરુશ્રી શામજીબાપુ અને શ્રી શામજીબાપુ ગુરુશ્રી લક્ષ્મણબાપુના સમગ્ર શિષ્યગણ તથા સેવકો દ્વારા મહોત્સવને સફળ બનાવવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
મહંતશ્રી નરેન્દ્રબાપુ ગુરુશ્રી જીવરાજબાપુએ સમગ્ર સમાજના ભાઈઓ-બહેનો, માતાઓ, વડીલો, યુવાનો, શ્રદ્ધાળુઓ, સેવકો અને ભાવિકજનોને બુધવાર, તા. ૨૯ જુલાઈના રોજ શ્રી આપાગીગાના ઓટલે પધારી ગુરુપૂજન, સંતદર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા હૃદયપૂર્વક આમંત્રણ પાઠવ્યું છે.
‘‘પધારો શ્રી આપાગીગાના ઓટલે, હાલો શ્રી આપાગીગાના ઓટલે, ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવા''મહંતશ્રી નરેન્દ્રબાપુ ગુરુશ્રી જીવરાજબાપુ.
બે મીઠાઈ સહિતનો વિશાળ મહાપ્રસાદ
ભાવિકો માટે બે પ્રકારની મીઠાઈ, એક લીલોતરીનું શાક, એક કઠોળનું શાક, દાળ-ભાત, રોટલી, ફરસાણ અને છાશનો મહાપ્રસાદ તૈયાર કરવામાં આવશે. શ્રી આપાગીગાના ઓટલે સામાન્ય દિવસોમાં પણ ચોવીસ કલાક નિઃશુલ્ક ચા-પાણી, નાસ્તો તેમજ રહેવા અને જમવાની સુવિધા આપવામાં આવતી હોવાનું સંસ્થાએ જણાવ્યું છે.
૨૯ જુલાઈએ સવારથી બપોર સુધી મહોત્સવ
બુધવાર, તા. ૨૯ જુલાઈના રોજ સવારથી બપોર સુધી ગુરુપૂર્ણિમા મહોત્સવ યોજાશે. ચોટીલાથી રાજકોટ તરફ આશરે પાંચ કિલોમીટરના અંતરે મોલડી ગામના વળાંક પાસે શ્રી આપાગીગાનો ઓટલો આવેલો હોવાનું આયોજકોએ જણાવ્યું છે. પંચાંગ મુજબ વર્ષ ૨૦૨૬માં અષાઢ સુદ પૂનમ અને ગુરુપૂર્ણિમા બુધવાર, તા. ૨૯ જુલાઈએ જ ઉજવાશે.
સાધુ-સંતોને મહાપ્રસાદ સાથે ભેટપૂજા
મહંતશ્રીઓ, સાધુ-સંતો, રામદળ અને શંભુદળના સાધુશ્રીઓ, અભ્યાગતો તેમજ રમતા પંચના સાધુશ્રીઓને મહંતશ્રી નરેન્દ્રબાપુ ગુરુશ્રી જીવરાજબાપુ દ્વારા મહાપ્રસાદની સાથે ભેટપૂજા અર્પણ કરવામાં આવશે. દરેક ભાવિકને ગુરુપરંપરાના પૂજન-અર્ચનનો લાહવો મળશે.
(2:17 PM IST)










