<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

નારી તું નારાયણી દ્વારા બહેનો માટે સંમેલન - સ્‍નેહમિલન

મહિલા સશકિતકરણ, સ્‍વાવલંબન અને રોજગારલક્ષી માહિતી અપાશે : કાર્યક્રમોની રૂપરેખા રજૂ થશે

રાજકોટ : આજના આધુનિક યુગમાં નારી શકિત દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી રહી છે, ત્‍યારે સમાજની દરેક મહિલા આત્‍મનિર્ભર બને, પોતાના પગ પર ઉભી રહે અને સર્વાંગી વિકાસ સાધે તેવા ઉમદા હેતુ સાથે કાર્યરત ‘નારી તું નારાયણી' સંસ્‍થા દ્વારા આગામી તા. ૦૧ ડિસેમ્‍બર મંગળવારના રોજ સાંજે પ થી ૭ બોલબાલા હોલ, વાણીયાવાડી, મેઇન રોડ ખાતે સમસ્‍ત બહેનો માટે એક ભવ્‍ય મહિલા સંમેલન અને સ્‍નેહમિલનનું આયોજન કરવામાં આવ્‍યું છે. સંસ્‍થાના પ્રમુખ ડૉ. છાયાબેન ભરવાડના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ કાર્યક્રમ બહેનોના જીવનમાં નવી ઉર્જા, નવો ઉત્‍સાહ અને પ્રગતિના નવા દ્વાર ખોલનારું એક પ્રેરણાદાયી માધ્‍યમ બની રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.

કાર્યક્રમમાં આજના ડિજીટલ યુગમાં મહિલાઓ કદમ મિલાવી શકે તે માટે ડિજિટલ સાક્ષરતા, નાણાકીય વ્‍યવસ્‍થાપન, ગૃહ ઉદ્યોગોને બજાર સુધી પહોંચાડવા માટેનું પ્‍લેટફોર્મ, સરકારી મહિલા કલ્‍યાણકારી યોજનાઓની માહિતી, તેમજ બહેનોના શારિરીક અને માનસિક સ્‍વાસ્‍થ્‍યની જાળવણી માટે આરોગ્‍યલક્ષી માર્ગદર્શન અને કાનૂની અધિકારોની જાગૃતિ જેવી રચનાત્‍મક પ્રવૃતિઓ વિષે સંસ્‍થા દ્વારા વિગતવાર જાણકારી આપવામાં આવશે.

કાર્યક્રમમાં સંસ્‍થાનો વિઝન અને આગામી વર્ષ દરમિયાન યોજાનાર વિવિધ સેમિનાર, વર્કશોપ અને તાલીમ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે. જરૂરિયાતમંદ અને અભ્‍યાસમાં રૂચિ ધરાવતી દિકરીઓ તથા બહેનો માટે શૈક્ષણિક માર્ગદર્શન અને વિવિધ હુન્નર-કળા શીખવા માટેના આયોજનોની માહિતી અપાશે. બહેનો આર્થિક રીતે પગભર બને તે માટે નાના પયાના ધંધા-રોજગાર શરૂ કરવા, માર્કેટીંગની સમજ મેળવવા અને આવકનાસ્ત્રોત ઉભા કરવા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન અપાશે. મહિલાઓના સ્‍વાસ્‍થ્‍ય, પોષણ, આત્‍મરક્ષા અને સામાજિક સુરક્ષાને લગતા મહત્‍વપૂર્ણ વિષયો પર સંવાદ કરવામાં આવશે. તેમ ડૉ. છાયાબેન ભરવાડ (પ્રમુખ - નારી તું નારાયણી સંસ્‍થા, મો. ૮૪૦૧પ ૪૪૯૪પ) એ યાદીમાં જણાવ્‍યું છે.(તસ્‍વીર : અભિજીત  બગથરીયા) 

(3:43 PM IST)