<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

દીકરીની દિવ્‍યતા પ્રસરાવતી ફિલ્‍મ ‘જેના ઘરે દિકરીનો અવતાર, એનો બેડો પાર' : આજથી સીનેમાઘરોમાં રીલીઝ

જયેન્‍દ્ર મહેતા, જલ્‍પાબેન ધ્રુવ, ભીખાભાઇ વાઘેલા, ધ્રુવ ઠાકોર, સૃષ્‍ટી ઠાકોરનો અભિનય : હંસરાજ ઠાકોર નિર્મિત ફિલ્‍મમાં નારિવંદનાની વાતો ખુબ સરસ રીતે વણી લેવાઇ છે : ભૃણ હત્‍યા પર લાલબતી ફેંકવાનો પ્રયાસ

રાજકોટ તા. ૨૪ : નારિશક્‍તિને બિરદાવતી અને નારિવંદના કરતી ગુજરાતી ફિલ્‍મ ‘જેના ઘરે દીકરીનો અવતાર, એનો બેડો પાર' આજે તા. ૨૪થી સીનેમા ઘરોમાં રીલીઝ થઇ ચુકી છે. રાજકોટમાં રાજેશ્રી સીનામા ખાતે આ ફિલ્‍મનો આજે પ્રિમીયર શો ગોઠવાયો હતો.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સ્‍ટારકાસ્‍ટ ટીમના જયેન્‍દ્રભાઇ મહેતા, જલ્‍પાબેન ધ્રુવ અને ભીખાભાઇ વાઘેલાએ જણાવ્‍યુ હતુ કે આ એક સામાજીક અને પારિવારિક ફિલ્‍મ છે. ભૃણ હત્‍યા ઉપર પ્રકાશ પાડવા ખુબ સરસ પ્રયાસ થયો છે.  દીકરી જન્‍મે તો મોઢું બગડે અને દીકરો જન્‍મે તો મો મલકાય તેવી છાપ સુધારવા આ ફિલ્‍મમાં અનોખી વાર્તા રજુ થઇ છે. હોસ્‍પિટલમાં દીકરા દીકરીની અદલા બદલીની વાત અને દીકરાનું પરદેશ જઇને બહેકી જવુ. જયારે દીકરી દ્વારા ઘરને ઉજાગર કરી દેવાની વાતોને ખુબ સારી રીતે ફિલ્‍મમાં રજુ કરવામાં આવી છે.

પિતાનો રોલ નિભાવતા જયેન્‍દ્ર મહેતા મૈયરમાં મનડુ નથી લાગતુ, ઉંચી મેડીના ઉંચા મોલ, ફુટપાથની રાણી, રસ્‍તાનો રાજા જેવી ફિલ્‍મોમાં અભિનય આપી ચુકયા છે. જયારે માતાની ભુમિકા કરતા જલ્‍પાબેન ધ્રુવ સાઉથી ‘બાન્‍દ્રા' ઉપરાંત એક ગુજરાતી ફિલ્‍મમાં અભિનય આપી ચુકયા છે.

આ ફિલ્‍મમાં ધ્રુવ ઠાકોર અને સૃષ્‍ટી ઠાકોર સહીતના બાળ કલાકારોએ પણ પ્રેમાળ અભિનયના ઓજસ પાથર્યા છે.

ર કલાકની અવધીની આ ફિલ્‍મનું મોટાભાગનું શુટીંગ રાજકોટમાં જ કરાયુ છે. એક ટાઇટલ સોંગ અને બીજુ ‘વિધાતાએ કેવા લખીયા લેખ' ફિલ્‍મને નવી જ ઉંચાઇ આપે છે.

આ મુલાકાતમાં સાથે રહેલા ફિલ્‍મ નિર્માતા હંસરાજ ઠાકોર (મો.૯૯૦૯૪ ૩૪૧૯૩)એ જણાવેલ કે હું ૧૩ વર્ષથી ફિલ્‍મ ક્ષેત્રે છુ અને અત્‍યાર સુધીમાં ૧૧થી વધુ ફિલ્‍મો બનાવી છે. પરંતુ આ ફિલ્‍મ મારી દ્રષ્‍ટિએ ખુબ સારી બની છે. ફિલ્‍મમાં મ્‍યુઝીક મનોજ-વિમલે પીરસ્‍યુ છે તો ગીતોમાં સ્‍વર શૈફુદીન ત્રિવેદી, ઘનશ્‍યામ મકવાણા અને દેવ્‍યાની ચક્રવર્તીએ આપ્‍યો છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જયેન્‍દ્રભાઇ મહેતા, જલ્‍પાબેન ધ્રુવ, ભીખાભાઇ વાઘેલા, ધ્રુવ ઠાકોર, સૃષ્‍ટી ઠાકોર નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:53 PM IST)