News of Thursday, 30th April 2026
ગોંડલ રોડ પર શીવા હોટેલમાં એ-ડિવીઝન પોલીસનો દરોડોઃ કૂટણખાનુ ચલાવતાં સંચાલક-મેનેજર પકડાયા
ઓૈરંગાબાદ, મુંબઇ, મેઘાલય, ઉત્તરાખંડની લલનાઓ પાસે લોહીનો વેપલો કરાવતા હતાં: ગ્રાહક દિઠ ૩૦૦૦ લઇ લલનાને ૧ હજાર આપતાં: પીઆઇ જે. વી. વાઢીયા, પીએસઆઇ એસ. એમ. રાણા અને ટીમની કાર્યવાહી : દારૂની બોટલ મળતાં અલગથી ગુનો દાખલ

રાજકોટ તા. ૩૦: શહેરમાં વધુ એક વખત હોટેલમાં ચાલતાં કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. ગોંડલ રોડ પર વિજય પ્લાઝા કોમ્પલેક્ષના બીજા માળે શીવા હોટેલમાં સંચાલક અને મેનેજર દ્વારા બહારની છોકરીઓ રાખી લોહીનો વેપલો કરાવાતો હોઇ એ-ડિવીઝન પોલીસે દરોડો પાડી બંને સામે ગુનો નોંધ્યો છે. અહિ ઓૈરંગાબાદ, મુંબઇ, મેઘાલય અને ઉત્તરાખંડની લલનાઓ પુરી પાડી ગ્રાહકો પાસેથી ૨૫૦૦ રૂપિયા લેવામાં આવતાં હતાં. જેમાંથી ૧ હજાર લલનાને આપી બાકીના ૧૫૦૦ સંચાલક, મેનેજર રાખી લેતાં હતાં. આ ઉપરાંત હોટેલમાંથી વિદેશી દારૂ પણ મળ્યો હતો.
એ-ડિવીઝન પોલીસને બાતમી મળી હતી કે ગોંડલ રોડ પર આવેલી શીવા હોટેલમાં દેહ વ્યાપારની પ્રવૃતિ ચાલે છે. આથી પોલીસે ડમી ગ્રાહકને મોકલી દરોડો પાડયો હતો. પોલીસની ટીમ ડમી ગ્રાહક તરફથી મેસેજ મળતાં જ રૂમ નં. ૧૦૫માં પહોંચી હતી. જેમાં યુવક-યુવતિ કઢંગી હાલતમાં મળ્યા હતાં. યુવતિની પુછતાછ કરતાં તેણીએ પોતે ઓૈરંગાબાદ મહારાષ્ટ્રની હોવાનું કહ્યું હતુ. તેમજ તેણીએ કબુલ્યું હતું કે હોટેલના માલિક નિશાંત રૂપારેલીયા અને મેનેજર નિલેષ આસવાણી ગ્રાહક દીઠ ૨૫૦૦ રૂપિયા વસુલે છે. જેમાંથી ૧૦૦૦ અમને આપે છે અને બાકીના પોતે રાખે છે. એન્ટ્રી ફીના અલગથી રૂા. ૫૦૦ પણ વસુલવામાં આવે છે.
બીજા રૂમમાં ચેક કરતાં તેમાંથી ત્રણ યુવતિઓ મળી આવી હતી. તેણીએ પોતે મુંબઇ, મેઘાલય અને ઉત્તરખંડની વતની હોવાનું અને અહિ હોટેલ સંચાલક, મેનેજર તેની પાસે દેહવેપલો કરાવી ગ્રાહક દિઠ ૧-૧ હજાર રૂપિયા આપી છે તેવી કબુલાત આપી હતી. પોલીસે હોટેલમાંથી મોબાઇ ફોન, નિરોધના પેકેટ, રોકડા રૂા. ૧૨,૭૫૦૦, બંધ લેપટોપ સહિત રૂા. ૧,૭૧,૨૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે હેડકોનસ. મહેશભાઇ ચાવડાની ફરિયાદ પરથી હોટેલના સંચાલક નિશાંત કિશોરભાઇ રૂપારેલીયા (રહે. ૧૫૦ ફુટ રીંગ રોડ, અયોધ્યા ચોક પાસે અયોધ્યા રેસીડેન્સી-૪, ભાડાના મકાનમાં) તથા મેનેજર નિલેષ ઇશ્વરલાલ આસવાણી (રહે. જેતપુર, લાદી રોડ, શાક માર્કેટ પાસે ભાડેથી) વિરૂધ્ધ ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડની તજવીજ કરી હતી.
હોટેલમાં તપાસક રતાં દારૂની ૭૫૦ એમએલની એક ખુલેલી બોટલ પણ મળી હતી. જેમાં આશરે ૨૦૦મીલી જેટલો દારૂ હોઇ તેની કિમત રૂા. ૧૦૦ ગણી આ અંગે હોટેલ સંચાલક નિશાંત રૂપારેલીયા વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ અલગથી ગુનો દાખલ કરાયો હતો.
આ કામગીરી એ-ડિવીઝન પીઆઇ જે. વી. વાઢીયા, પીએસઆઇ એસ. એમ. રાણા, પીએસઆઇ એસ. જે. સોલંકી એએસઆઇ ભરતસિંહ ગોહિલ, હેડકોન્સ. કનુભાઇ બસીયા, મહેશભાઇ ચાવડા, કરણભાઇ વિરસોડીયા, મહિલા પીએસઆઇ આર. એમ. બરાડીયા, કોન્સ. રૂતિકાબેન સહિતના સ્ટાફે કરી હતી.
(2:25 PM IST)










