તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
ગુનાની ‘હાફ સેન્ચુરી' ફટકારનાર ધોરાજીના બાબર ઉર્ફ સલીમ સામે પાસાનું શસ્ત્ર
૧૯૯૯થી લઇ ર૦ર૬ સુધીના પ૧ ગુનાનો ‘મહારથી' અને બુટલેગર અમદાવાદની જેલમાં પુરાયો : હત્યા, હત્યા પ્રયાસ, માદક પદાર્થ, દારૂ, ચોરી, જુગાર, ધમકી, લેન્ડગ્રેબીંગ સહિત પ૧ ગુનામાં રાજકોટ ઉપરાંત ધોરાજી, જામનગર, અમદાવાદ, માંગરોળ, જેતપુર, જુનાગઢ અને વંથલી પોલીસનાં ચોપડે ચડી ચુકયો છે : પીસીબીના પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા અને ટીમ દ્વારા પાસા વોરંટની બજવણી કરાઇ

રાજકોટ તા. ૩: રાજકોટ, ધોરાજી, જામનગર, અમદાવાદ, માંગરોળ, જેતપુર, જુનાગઢ, વંથલી સહિતના પોલીસ મથકમાં હત્યા, દારૂ, મારામારી, આપઘાતની ફરજ, હત્યાનો પ્રયાસ, ધમકી જુગાર, માદક પદાર્થ, લેન્ડ ગ્રેબીંગ સહિત પ૧ ગુનામાં સંડોવાઇ ચુકેલા કુખ્યાત ધોરાજીનાં શખ્સની પીસીબીએ પાસા તળે અટકાયત કરી અમદાવાદની જેલમાં ધકેલી દીધો છે.
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સુચનાને પગલે અગાઉ વિદેશી દારૂના ગુનામાં સંડોવાઇ ચુકેલાં કુખ્યાત બાબર ઉર્ફે સલીમ ખુરેશી વિરૂધ્ધ પીસીબીની ટીમે પાસાની દરખાસ્ત તૈયાર કરી મોકલી હતી. જેને પોલીસ કમિશનર દ્વારા પાસા હેઠળ અટકાયત કરવા હુકમ કરતા પીસીબીના પી.આઇ. એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા, સહિતની ટીમે કુખ્યાત બાબર ઉર્ફે સલીમ હાજી ઇસ્માઇલભાઇ ખુરેશી (ઉ.વ. ૪૩, રહે. મેઇન બજાર, ચકલા ચોક, ચીસ્તીયા મસ્જીદ વાળી શેરી, ધોરાજી) ની પાસા તળે અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી અમદાવાદની જેલમાં ધકેલી દેવા કવાયત શરૂ કરી છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, બાબર ઉર્ફે સલીમ સાલ ૧૯૯૯ થી ર૦ર૬ સુધીમાં ગુનાની ‘હાફ સેન્ચુરી' વટાવી ચુકયો છે. તે અગાઉ રાજકોટ શહેરના થોરાળા, ક્રાઇમ બ્રાંચ બી ડીવીઝન અને કુવાડવા રોડ પોલીસ મથકનાં દારૂના ચાર ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. ધોરાજી પોલીસ મથકમાં દારૂ, મારામારી, આપઘાતની ફરજ, ચોરી, જાહેરનામા ભંગ, હત્યા, હત્યાનો પ્રયાસ, જુગાર, ધમકી, લેન્ડગ્રેબીંગ સહિત ૩પ ગુનામાં સંડોવાઇ ચુકયો છે.
આ ઉપરાંત જામનગર સીટી એ-ડીવીઝન, સી-ડીવીઝન, બી-ડીવીઝન પોલીસ મથકમાં દારૂ સહિત ૪ ગુનામાં જુનાગઢમાં દારૂના ૩, માંગરોળમાં દારૂના-૧, અમદાવાદ ખાડીયામાં દારૂના-૧, જેતપુર તાલુકા-૧, વંથલીમાં દારૂના-૧ અને માંગરોળમાં માદક પદાર્થના-૧ મળી કુલ પ૧ ગુનામાં સંડોવાઇ ચુકયો છે.
આ કામગીરી પી.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એમ. આર. ગોંડલીયા, પોલીસ સબ ઇન્સ્પેકટર પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, રાજુભાઇ દહેકવાલ, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, અનિલભાઇ સોનારા, પો.હેડ કોન્સ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, સંજયકુમાર રૂપાપરા, પ્રદીપસિંહ સરવૈયા, પો. કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે, હરપાલસિંહ જાડેજા, ડ્રા.પો. હેડ. કોન્સ. જયેશભાઇ ગઢવી, મહિલા પો. કોન્સ. દીપલબેન ચૌહાણે કરી હતી.
(2:51 PM IST)










