તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
કરણપરા મેઇન રોડ પર મોડી રાતે કાળા રંગની કાર બેકાબૂ બનીઃ બાઇકને ઠોકરે લેતાં બે મિત્રોને ઇજા
એક શેરીમાં પણ બે ત્રણ વાહનોને ઉલાળ્યાની ચર્ચાઃ અકસ્માત બાદ કાર મુકી ચાલક નીકળી જતાં પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૩૧: શહેરના એસટી બસ સ્ટેશન પાછળ કરણપરામાં મોડી રાતે બારેક વાગ્યે એક કાર કોઇપણ કારણોસર બેકાબૂ બની જતાં ત્રણેક વાહનોને ઠોકરે ચડાવતાં લોકોને ઇજાઓ થઇ હતી તેમજ વાહનોમાં નુકસાન થયું હતું. આ બનાવ બાદ કાર મુકી ચાલક જતો રહ્યો હોઇ પોલીસે તપાસ હાથ ધરી હતી. એક બાઇક ઠોકરે ચડતાં તેના પર બેઠેલા બે મિત્રોને ઇજાઓ થતાં એકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.
જાણવા મળ્યા મુજબ કરણપરા મેઇન રોડ પર મોડી રાતે એક કાળા રંગની અલ્ટો કાર જીજે૦૩એલજી-૧૧૫૬ નંબરની કારની ઠોકરે એક બાઇક ચડી જતાં તેના પર બેઠેલા જયરાજપ્લોટ-૬/૧૧માં રહેતાં નિશીતભાઇ સંજયભાઇ રાણપરા (ઉ.વ.૨૩) અને તેમના મિત્ર હર્ષદભાઇ આડેસરા (ઉ.વ.૩૧)ને નાની મોટી ઇજાઓ થઇ હતી. બનાવને પગલે લોકો ભેગા થઇ જતાં કાર મુકીને ચાલક ભાગી ગયો હતો.
નિશીતભાઇને ઇજાઓ થતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તબિબે તેમને દાખલ કરી પોલીસને જાણ કરી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે એ-ડિવીઝન પોલીસમાં નોંધ કરાવી હતી. નિશીતભાઇના મિત્રને સામાન્ય ઇજા થઇ હોઇ પ્રાથમિક સારવાર લીધી હતી. નિશીતભાઇ અભ્યાસ કરે છે. તે અને મિત્ર ઘરે જતાં હતાં ત્યારે કારની ઠોકરે બાઇક સહિત ચડી ગયા હતાં. એ-ડિવીઝન પોલીસ સ્ટેશનના એએસઆઇ રમેશભાઇ ચોૈહાણ સહિતના હોસ્પિટલે પહોંચ્યા હતાં. પરંતુ ઇજાગ્રસ્ત યુવાને ફરિયાદ નોંધાવવી નહિ હોવાનું કહ્યું હતું.
પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર ડીટેઇન કરવાની તજવીજ કરી હતી. કારમાં પણ ભારે નુકસાન થયું છે. લોકોના કહેવા મુજબ કરણપરાની અન્ય એક શેરીમાં પણ આ કાર એકાદ બે વાહન સાથે અથડાઇ હતી. એ પછી કરણપરા મેઇન રોડ પર બાઇકને ઠોકરે ચડાવતાં બે મિત્રો ફેંકાઇ ગયા હતાં. પોલીસે કાર મુકી ભાગી જનાર અંગે તપાસ હાથ ધરી છે. અકસ્માત ગ્રસ્ત કારનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. કારમાં નુકસાની થઇ હતી તે તસ્વીરોમાં જોઇ શકાય છે.
(2:29 PM IST)










