તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
ઝેન-ઝી માટે ‘પ્રીમિયમ નવરાત્રી'નો ધમાકેદાર આગાઝ
રાજકોટમાં સતત નવમા વર્ષે સોનમ ગરબાનું આયોજનઃ ‘વિશ્વ વણિક'ના વિશાળ ‘નવનાત' પરિવાર સાથે ભક્તિ, પરંપરા અને આધુનિકતાનો સંગમ

રાજકોટઃશહેરમાં નવરાત્રીના રંગને વધુ ભવ્ય અને નવા અંદાજમાં ઉજવવા માટે વિશ્વ વણિક સામાજિક સંગઠન અને જૈન વિઝન દ્વારા સતત નવમા વર્ષે ‘સોનમ ગરબા-૨૦૨૬'નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે ખાસ કરીને ઝેન-ઝી જનરેશનને ધ્યાનમાં રાખીને ‘પ્રીમિયમ નવરાત્રી મહોત્સવર્ર્'ંની થીમ સાથે આયોજન કરાયું છે. સંગીત, ગરબા, ફેશન અને આધુનિક મનોરંજન સાથે માતાજીની આરાધના, ભારતીય સંસ્કૃતિ અને પારિવારિક માહોલની મૂળ ભાવના જળવાઈ રહેશે.
સોનમ ગરબા અને સોનમ ક્વાર્ટ્ઝના માલિક જયેશભાઈ શાહ વચ્ચેનો નવ વર્ષનો સહયોગ આ આયોજનની વિશેષતા બની રહ્યો છે. નવ વર્ષથી સોનમ બ્રાન્ડ દ્વારા સોનમ ગરબાને સતત સાથ-સહકાર મળી રહ્યો છે. કોરોના કાળ દરમિયાન પણ આ જોડાણની લાગણી જળવાઈ રહી હતી. ૨૦૨૦માં જાહેર કાર્યક્રમો શક્ય ન હોવા છતાં કલાકારો, ગાયકો અને સંગીતકારોને ગુડલક પેમેન્ટ આપી તેમની સાથે ઊભા રહેવામાં આવ્યા હતા. ૨૦૨૧માં પણ ભવ્ય ગરબાનું આયોજન ન થઈ શક્યું ત્યારે માતાજીના ગરબા પ્રસાદીરૂપે આપી ભક્તિની ભાવના જાળવવામાં આવી હતી તથા સોનમ ગરબા સાથે જોડાયેલા દાતા પરિવારોનું ફાઇવ સ્ટાર હોટેલમાં સન્માન કરવામાં આવ્યું હતું.
સોનમ ગરબા સાથે વિશ્વ વણિક સામાજિક સંગઠન સતત ત્રીજા વર્ષે જોડાયું છે. વિવિધ વણિક જ્ઞાતિઓને એક મંચ પર લાવી ‘નવનાત'ની ભાવનાને સાકાર કરતું વિશ્વ વણિક સંગઠન સામાજિક એકતા, સંવાદ અને સહકારનો સંદેશ આપી રહ્યું છે. જૈન, મોઢ, સોરઠિયા, પાંચા, કપોળ, સોની, ભાવસાર, બાવનગામ, વૈષ્ણવ, લાડ, નાગર, શ્રીમાળી, પોરવાડ, ઓસવાળ, અગ્રવાલ અને ખંડેલવાલ સહિતની વિવિધ વણિક જ્ઞાતિઓને એક પરિવાર તરીકે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સ્વ. વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથી વિવિધ વણિક જ્ઞાતિઓને એક મજબૂત સામાજિક પરિવાર તરીકે એક મંચ પર લાવવાની ભાવનાને આગળ ધપાવવામાં આવી રહી છે. આ જ ભાવનાને સોનમ ગરબા-૨૦૨૬માં પણ આગળ વધારી વિવિધ વણિક પરિવારોને સાથે લાવી માતાજીની આરાધના અને નવી પેઢીને સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.
સોનમ ગરબા-૨૦૨૬નું આયોજન ૧૧થી ૨૦ સુધી રીંગ રોડ, શીતલ પાર્ક ચોકડી પાસે કરવામાં આવશે. આગામી દિવસોમાં નવરાત્રી મહોત્સવની વધુ વિશેષ વિગતો જાહેર કરવામાં આવશે. ધમાકેદાર નવરાત્રી મહોત્સવના કાર્યાલયનું પણ આગામી દિવસોમાં વિવિધ વણિક આગેવાનોના વરદ હસ્તે ઉદ્ધાટન કરવામાં આવશે.
સમગ્ર આયોજનમાં ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, વિશ્વ વણિકના ચંદ્રકાંતભાઈ શેઠ, જૈન વિઝન પરિવારના મિલન કોઠારી (મો. ૯૮૨૪૨ ૯૪૫૩૧), જયેશભાઈ શાહ, સુનિલભાઈ શાહ સહિતના આગેવાનોનું માર્ગદર્શન મળી રહ્યું છે.
(4:09 PM IST)










