તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
કેન્સરથી કંટાળી ભગવતીપરાના ૨૬ વર્ષિય હોમગાર્ડ જવાને તળાવમાં કૂદી જીવ દીધો
માસુમ દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ પરમ દિવસે ગૂમ થયા બાદ રાંદરડા તળાવમાંથી મૃતદેહ મળી આવતાં ભગવતીપરાના લોખીલ પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૭: આપઘાતના વધુ એક બનાવમાં એક પરિવારે આધારસ્તંભ ગુમાવ્યો હતો. ભગવતીપરામાં રહેતાં અને હોમગાર્ડમાં ફરજ બજાવતાં ૨૬ વર્ષના યુવાને રાંદરડા તળાવમાં પડતું મુકી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. કેન્સરની બિમારીથી કટાળીને પગલુ ભર્યાનું બહાર આવ્યું હતું.
જાણવા મળ્યા મુજબ ભગવતીપરા ત્રિમુર્તી ચોકમાં રહેતાં તુષારભાઇ જેન્તીભાઇ લોખીલ (ઉ.વ.૨૬) નામના હોમગાર્ડ યુવાન ઘરેથી નીકળ્યા બાદ ગૂમ થઇ જતાં પોલીસને જાણ કરાઇ હતી. નાકમાં તબીબી નળી, હાથમાં ઇન્ટ્રાવેન્સ લાઇન, યુરીન કેથેટર બેગ લગાવેલી હાલતમાં તુષારભાઇ રાતે ઘરેથી નીકળી ગયાનું પોલીસને જણાવાયું હતું. પોલીસે અને પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. એ દરમિયાન ગત સાંજે પ્રદ્યુમન પાર્ક પાસે રાંદરડા તળાવમાં એક યુવાનની લાશ તરતી હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડ ટીમ પહોંચી હતી અને મૃતદેહ બહાર કાઢી આજીડેમ પોલીસને જાણ કરી હતી.
પોલીસે તપાસ કરતાં ગૂમ થયાની જેની નોંધ થઇ હતી તે ભગવતીપરાના તુષારભાઇ લોખીલનો જ આ મૃતદેહ હોવાનું વર્ણન પરથી સ્પષ્ટ થતાં પરિવારજનોને જાણ કરાઇ હતી. પોલીસે કાર્યવાહી બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. આપઘાત કરનાર બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં એક દિકરી છે. તેને પાંચેક મહિનાથી કેન્સર લાગુ પડયું હોઇ સારવાર છતાં ફરક ન પડતો હોવાથી કંટાળી જઇ પગલુ ભર્યાનું ખુલ્યું હતું. આ બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.
(3:46 PM IST)










