તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
ધોરાજી પંથકની ૧૭ વર્ષની સગીરા ૧૧ માસના પુત્ર સાથે ગુંદાવાડીની હોસ્પિટલમાંથી ગૂમ થતાં અપહરણનો ગુનો
સગીરા માવતરના ઘરે જવા ઇચ્છતી ન હોઇ રાજકોટ બાલાશ્રમને સોંપાઇ હતી : પેટના દુઃખાવાની સારવાર માટે સંસ્થામાંથી પદ્મકુંવરબા હોસ્પિટલે લાવવામાં આવી ત્યારે કેરટેકરની નજર ચુકવી ગાયબ થઇઃ એ-ડિવીઝન પોલીસ દ્વારા તપાસ

રાજકોટ તા. ૧૬: શહેરના ગોંડલ રોડ પર આવેલા શ્રી કાઠિયાવાડ નિરાશ્રીત બાળાશ્રમમાં આશ્રય લઈ રહેલી ૧૭ વર્ષની સગીર માતા અને તેના ૧૧ માસના પુત્ર સાથે ગુંદાવાડી પદ્દમકુંવરબા હોસ્પિટલ ખાતેથી ગૂમ થઇ જતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ધોરાજીના એક ગુનામાં તેણી માવતરના ઘરે જવા ઇચ્છતી ન હોઇ જેથી રાજકોટ બાળક સાથે બાળાશ્રમમાં મોકલવામાં આવી હતી. આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે શ્રી કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમના કાઉન્સીલર તરીકે નોકરી કરતાં ચાર્મીબેન અરવિંદભાઇ વ્યાસની ફરિયાદ પરથી અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કર છે.
ફરિયાદી ચાર્મીબેન વ્યાસે ફરિયાદમાં જણાવ્યું છે કે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બીએનઅસની કલમ ૧૩૭ (૨) મુજબના અપહરણના ગુનાના કામના ભોગ બનનાર સગીરા (ઉ.વ.૧૭ વર્ષ ૩ મહિના) પોતાના ૧૧ માસના પુત્ર સાથે માવતર સાથે રહેવા ઇચ્છતી ન હોઇ ધોરાજી મહિલા પોલીસ દ્વારા ગત તા. ૧૫/૮ના રોજ તેઓને રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમ ખાતે સોંપવામાં આવ્યા હતા. અહિ ગત તા. ૦૭/૦૯ના રોજ સવારે સગીરાને પેટમાં દુઃખાવો થતાં સંસ્થાના કેર ટેકર હેતલબેન ત્રિવેદી તેઓને ગુંદાવાડી સ્થિત પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા. સવારે આશરે દસેક વાગ્યાના સુમારે હેતલબેન જ્યારે હોસ્પિટલની બારી પર કેસ કઢાવી રહ્યા હતા, ત્યારે તેણીએ મને દુઃખાવો થાય છે, હું સાઈડમાં બેસું છું તેમ કહ્યું હતું.
કેસ કઢાવ્યા બાદ જોતાં સગીરા અને તેનો ૧૧ માસનો પુત્ર ત્યાં મળી આવ્યા નહોતા. ઘટનાની જાણ થતાં જ બાળાશ્રમના અધિક્ષક પ્રતિમાબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ ગળહમાતા અને અન્ય કર્મચારીઓએ પદ્મકુંવરબા હોસ્પિટલ, ગુંદાવાડી બજાર તેમજ એસ.ટી. બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં સગીરા અને બાળકની સઘન શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો મળ્યો નહોતો. આ બાબતે સંસ્થા દ્વારા સમાજ સુરક્ષા ખાતું (ગાંધીનગર તથા રાજકોટ), ચાઈલ્ડ વેલફેર કમિટી (રાજકોટ), ભક્તિનગર પોલીસ સ્ટેશન અને ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનને લેખિત જાણ કરવામાં આવી હતી. બાદમાં એ-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં હેડકોન્સ. વાય.એમ. ગોહીલે પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(1:17 PM IST)










